Advertisement
Author: નોબત સમાચાર

આરજેડીના પૂર્વ સાંસદ પ્રભુનાથસિંહને ડબલ મર્ડર કેસમાં સુપ્રિમે ઠેરવ્યા દોષિત

હાલમાં તેઓ અન્ય મર્ડર કેસની સજા હેઠળ જેલમાં છે

નવી દિલ્હી તા. ૧૮ઃ આરજેડીના પૂર્વ સાંસદ પ્રભુનાથસિંહને સુપ્રિમ કોર્ટે ડબલ મર્ડર કેસમાં દોષિત ઠેરવી પટણા હાઈકોર્ટ તથા નીચલી કોર્ટના ફેંસલાને પલટાવ્યો છે.

રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) ના પૂર્વ સાંસદ પ્રભુનાથસિંહને સુપ્રિમ કોર્ટે મોટો આંચકો આપ્યો છે. સુપ્રિમ કોર્ટે ડબલ મર્ડર કેસમાં પ્રભુનાથસિંહને દોષિત જાહેર કર્યા છે. આ કેસમાં નીચલી કોર્ટે તેમને મુકત કરી દીધા હતાં. તેના પછી પટણા હાઈકોર્ટે પણ તેમની મુક્તિને યોગ્ય ઠરાવી હતી પરંતુ સુપ્રિમ કોર્ટે પ્રભુનાથસિંહને દોષિત ઠેરવતાં ૧ સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર રહેવા કહ્યું છે.

સુપ્રિમ કોર્ટે બિહારના ડીજીપી અને મુખ્ય સચિવને આદેશ કર્યો છે કે ૧ સપ્ટેમ્બરે પ્રભુનાથને કોર્ટમાં હાજર કરવામાં આવે. ૧ સપ્ટેમ્બરે પ્રભુનાથસિંહની સજા પર ચર્ચા થશે.હાલ પ્રભુનાથ સિંહ એક બીજા મર્ડર કેસમાં હજારીબાગ જેલમાં સજા ભોગવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બિહારની મહારાજગંજ લોકસભા સીટથી ત્રણ વખત જેડીયુ અને એક વખત આરજેડીની ટિકિટ પર સાંસદ રહી ચૂકેલા પ્રભુનાથસિંહ સામે ૧૯૯પ માં મસરખના એક મતદાન કેન્દ્ર નજીક ત્યારના ૪૭ વર્ષના દારોગા રાય અને ૧૮ વર્ષના રાજેન્દ્ર રાયની હત્યાનો આરોપ છે. આરોપ હતો કે બંનેએ પ્રભુનાથસિંહ સમર્થિત ઉમેદવારને વોટ નહોતો આપ્યો એટલા માટે તેમની હત્યા કરી દીધી હતી.

સુપ્રિમ કોર્ટની ત્રણ જજની બેન્ચે આ ફેંસલો આપ્યો છે. મૃતકના ભાઈ દ્વારા સાક્ષીઓને ધમકાવાયાની ફરિયાદ પછી આ ફેંસલો છપરાથી પટણાની કોર્ટમાં ટ્રાન્સફર કરાયો હતો. વર્ષ-૨૦૦૮માં પટણાની અદાલતે પૂરાવાના અભાવે પ્રભુનાથસિંહને છોડી મૂક્યા હતા, અને પટણા હાઈકોર્ટે પણ નીચલી અદાલતના ચુકાદાને યોગ્ય ઠરાવ્યો હતો. તે પછી મૃતકના રાજેન્દ્રરાયના ભાઈએ હાઈકોર્ટના આ ચુકાદાને સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો હતો.

સુપ્રિમ કોર્ટના જસ્ટિસ કિશન કૌલ, જસ્ટીસ એ.એસ. ઓકા, જસ્ટિસ વિક્રમનાની બેન્ચે આ હાઈકોર્ટના ફેંસલાને પલટી નાખી કહ્યું હતું કે આરોપી પ્રભુનાથસિંહ સામે પૂરતા પુરાવા છે. કેસના અન્ય આરોપીઓને છોડી મૂકવાના નીચલી કોર્ટના આદેશને સુપ્રિમ કોર્ટે યોગ્ય ઠેરવ્યો પરંતુ પ્રભુનાથસિંહ વિરૃદ્ધ પૂરતા પુરાવા હોવાથી તેને દોષિત જાહેર કર્યા છે. અદાલતે સજા અંગેની સુનાવણી માટે પહેલી સપ્ટેમ્બરની તારીખ નક્કી કરી છે, અને તે દિવસે પ્રભુનાથસિંહને કોર્ટમાં હાજર રાખવાનો આદેશ બિહારના મુખ્ય સચિવએ આરજીને આપ્યો છે. હાલમાં તે વર્ષ-૧૯૯૫ના એક હત્યાના કેસમાં જેલની સજા કાપી રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh