Advertisement
Author: નોબત સમાચાર

થર્ટી ફર્સ્ટની રંગારંગ ઉજવણી વચ્ચે પોલીસ દ્વારા કરાશે કડક ચેકીંગ

એસપીની પત્રકારો સાથેની ઔપચારિક બેઠકમાં આપવામાં આવી વિગતોઃ નશાખોરો પર ચાંપતી નજરઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૧: જામનગરમાં આજે વર્ષના આખરી દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. મોડીરાત્રે નવા વર્ષના વધામણાં માટે પણ અમૂક આયોજનો કરવામાં આવ્યા છે. ત્યારે આજે જામનગરના એસપી ડો. રવિમોહન સૈની દ્વારા પત્રકારો સાથે ઔપચારિક મિલન રાખવામાં આવ્યું હતું અને આજના દિવસમાં પોલીસ દ્વારા ગોઠવવામાં આવેલા ચૂસ્ત બંદોબસ્ત અંગે વિગતો આપવામાં આવી હતી.

આજે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી માટે જામનગર શહેર-જિલ્લામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે નાગરિકો શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવણી કરી શકે તે માટે એસપી ડો. સૈનીની સીધી દેખરેખ હેઠળ પોલીસ જવાનો, હોમગાર્ડઝ, જીઆરડી સ્ટાફ સહિતનો ૬૦૦ જવાનોનો કાફલો બંદોબસ્તમાં જોડાશે. ચાર ડીવાયએસપીના માર્ગદર્શનમાં ૨૪ પીઆઈ અને ૩૫ પીએસઆઈ તથા પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં રહેશે.

આજની ઉજવણીમાં દારૂની પ્રવૃત્તિ ન થાય તે માટે પોલીસ ટીમો બ્રેથ એનેલાઈઝર સાથે જુદી જુદી આઠ ચેકપોસ્ટ પર તૈનાત કરવામાં આવી છે. મહિલાઓની સુરક્ષા માટે મહિલા પોલીસ કર્મચારીઓની ૧૬ શી ટીમ એક્ટિવેટ કરવામાં આવી છે. તે ઉપરાંત એન્ટી રોમિયો સ્કવોડ પણ ખાનગી વસ્ત્રોમાં નાગરિકોની વચ્ચે રહેશે.

આઠ આંતર જિલ્લા ચેકપોસ્ટ કાર્યરત કરાઈ છે. તેમાં ૩૦ પોલીસના વાહનો ઉપરાંત ૧૧૨ જનરક્ષકની ર૭ જીપ તથા પોલીસના ૮૦ બાઈક પણ ચેકીંગમાં રહેશે. ઘોડેસ્વાર પોલીસને પણ સાથે રાખવામાં આવી રહી છે. તે ઉપરાંત એસઓજી ટીમ દ્વારા ડ્રગ્સ ડીટેક્શન કીટ દ્વારા નશીલા પદાર્થાેના સેવન કરતા શખ્સો પર વોચ રાખવામાં આવશે. જ્યારે સાયબર પોલીસની ટીમ સોશિયલ મીડિયા પર સતત નજર રાખી વાંધાજનક પોસ્ટ મુકનાર શખ્સોને પકડી પાડવાની કામગીરી કરશે.

આજે જામનગર શહેરની આજુબાજુમાં આવેલા રીસોર્ટ તેમજ ફાર્મહાઉસ પર પોલીસની ચાંપતી નજર રહેશે. દારૂબંધીને લગતી પ્રવૃત્તિ કરનાર વ્યક્તિઓને નજરમાં રાખી પોલીસ આવી પ્રવૃત્તિ કરતા શખ્સોને પકડી પાડશે. લોકલ ક્રાઈમ બ્રાંચ, સ્પે. ઓપરેશન ગ્રુપ, પેરોલ ફર્લો ટીમ તથા દરેક પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ પણ વોચમાં રહેશે અને જામનગર શહેરમાં મૂકવામાં આવેલા પોલીસના તમામ સીસીટીવી કેમેરા પર પણ ખાસ ટીમ મોનીટરીંગ કરશે.

તે ઉપરાંત એસપીએ વધુમાં ઉમેર્યું છે કે, થર્ટી ફર્સ્ટની ઉજવણીનું આયોજન કરનાર આયોજકો સાથે પણ પોલીસની બેઠક થઈ ચૂકી છે. આયોજકોને દારૂબંધીની કડક અમલવારી માટે ચેતવણી આપવા ઉપરાંત સૂચના પણ આપવામાં આવી છે. તે ઉપરાંત એસઓજીની સાથે મરીન પોલીસની ટીમ કોસ્ટલ પેટ્રોલિંગમાં જોતરાઈ છે.

જે તે લગત પોલીસ સ્ટેશન દ્વારા જાહેર જગ્યા, હોટલ, ધાબા, હરવા ફરવાના સ્થળ, ગેસ્ટ હાઉસ, ભીડ થાય તેવી જગ્યાઓ અને ખાસ કરીને ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. તેમ છતાં ક્યાંય કોઈ અસામાજિક પ્રવૃત્તિ જોવા મળે તો જનરક્ષક ટીમનો ૧૧૨ નંબર પર અથવા પોલીસ કંટ્રોલ રૂમના મો.નં.૬૩૫૯૬ ૨૭૮૦૦ પર સંપર્ક કરી શકાશે. જ્યારે સાયબર હેલ્પલાઈન ૧૯૩૦ પણ એક્ટિવેટ રહેશે.

૧૬૫ સીસીટીવી કેમેરા મૂકી દેવામાં આવ્યાઃ

ગ્રામ્ય વિસ્તારોને પણ સીસીટીવી સર્વેલન્સથી આવરી લેવા પોલીસ દ્વારા સઘન પ્રયાસો

જામનગરના એસપી ડો. રવિમોહન સૈની દ્વારા આજે મુક્ત મને પત્રકારો સાથે કરવામાં આવેલી વાતચીત દરમિયાન કેટલીક વિગતો આપવામાં આવી હતી. જેમાં પોલીસે જામનગર શહેરમાં ગોઠવાયેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ ટીમ (નેત્રમ)ના કેમેરાઓથી હળવા-ભારે ગુન્હાઓનું ડીટેક્શન થોડુ સરળ બન્યાની વિગતો જણાવવા ઉપરાંત જામનગર જિલ્લામાં કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં હજુ સીસીટીવી કેમેરા નથી તેમ ઉમેર્યું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં ક્યારેક બનતા હત્યા, લૂંટ જેવા ભારે ગુન્હા કે ચોરી, હત્યા પ્રયાસ જેવા બનાવોમાં સીસીટીવી ન હોવાના કારણે પોલીસને આરોપીઓ સુધી પહોંચવામાં થોડી વાર લાગી રહી છે ત્યારે આ પરિસ્થિતિને નિવારવા માટે જામનગર જિલ્લાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયતો સાથે સંકલનમાં રહી સીસીટીવી મૂકવાનું કાર્ય હાથ ધરાયું છે. આ કાર્યવાહીના પ્રાથમિક તબક્કામાં અત્યાર સુધીમાં ગ્રામ્ય વિસ્તારોમાં ૧૬૫ સીસીટીવી કેમેરા ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે. જ્યારે કાલાવડ પંથકમાં જ ૪૦ સીસીટીવી કેમેરા એક્ટિવેટ કરી દેવામાં આવ્યા છે. તે ઉપરાંત બાકી રહેતા ગામોમાં પણ સીસીટીવી કેમેરાની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે પોલીસ સઘન પ્રયાસો કરી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh