Advertisement
Author: નોબત સમાચાર

એક સંદેશથી ભાયુ અને બાયુ બેય ખુશ

                                                                                                                                                                                                      

તાજેતરમાં વડાપ્રધાનશ્રીએ દેશજોગ સંબોધનમાં ચાર મુદ્દાની ગાઈડલાઈન શું આપી, આખા દેશમાં જાણે દિવાળી અને હોળી એકસાથે આવી ગઈ હોય એવો માહોલ છે.

સામાન્ય રીતે પીએમ કંઈક જાહેરાત કરે એટલે લોકો એટીએમની લાઈનમાં ઊભા રહે કે થાળી વગાડવા ટેરેસ પર પહોંચી જાય, પણ આ વખતે મામલો અલગ છે. સૂચનાઓ કંઈક આવી છેઃ સોનું ન ખરીદો, વિદેશ પ્રવાસ ન કરો, વર્ક ફ્રોમ હોમ કરો અને વાહન ઓછાં ચલાવો.

આ સાંભળીને અર્થશાસ્ત્રીઓ ભલે માથું ખંજવાળતા હોય, પણ મધ્યમવર્ગીય ઘરોમાં જે ખુશીની લહેર દોડી ગઈ છે એ જોવા જેવી છે.

પતિ અને પત્ની બંને ખુશ છે, પણ બંનેના ખુશ થવાના કારણોમાં 'નોર્થ પોલ' અને 'સાઉથ પોલ' જેટલું અંતર છે!

એવું કીધું કે સોનું ન ખરીદો. પહેલીવાર એવું લાગ્યું કે પત્ની ન હોય તો પણ પતિદેવની વ્યથા તે સમજી શકે. પતિદેવના ખિસ્સામાં 'અચ્છે દિન'ની શરૂઆત થઈ.

પુરુષો માટે આ સૂચના એટલે જાણે જેલમાંથી આજીવન સજા ભોગવતા કેદી ને મળેલી મુક્તિ!

લગ્નની વર્ષગાંઠ હોય કે પુષ્ય નક્ષત્ર, સ્ત્રીઓ માટે સોનું ખરીદવું એ એક ધાર્મિક વિધિ છે. પતિ બિચારો જ્વેલર્સના શોરૂમમાં એવી રીતે બેઠો હોય છે જાણે ફાંસીની સજાની રાહ જોતો ગુનેગાર હોય.

હવે પીએમની સૂચના પછી પતિ ગર્વથી કહી શકશે, ''જો ભાગ્યવાન, મારે તો તને હાર લઈ જ આપવો છે, પણ દેશહિતમાં મારે મારી ઈચ્છા દબાવવી પડે છે. આપણે રાષ્ટ્રભક્ત છીએ, સોનું ખરીદીને અર્થતંત્રને નુકસાન ન કરાય!''

વિદેશ પ્રવાસ બંધ કરો. આ સાંભળીને પત્નીઓને થોડો ઝટકો લાગ્યો ખરો, કારણ કે પડોશમાં રહેતી ચાંપલી પિન્કી સ્વિટ્ઝરલેન્ડના ફોટા ફેસબુક પર મુકતી હતી તેને દેખાડી દેવા માટે પણ વિદેશ પ્રવાસ જરૂરી હતો.

''બેબી, માય સોનુ અત્યારે વિદેશ જવું સેફ નથી, વડાપ્રધાને ના પાડી છે. આપણે લોકલ ફરવા જઈશું (એટલે કે બાજુના બગીચે)!'' આવું નિર્ભય બની અને કહી શકાય. વર્ક ફ્રોમ હોમ કરવાનું કહૃાું છે.

આ મુદ્દે સ્ત્રીઓ સૌથી વધુ ખુશ છે. એમને મન 'વર્ક ફ્રોમ હોમ' એટલે પતિદેવનું 'હોમવર્ક'! અત્યાર સુધી પતિ ઓફિસ જઈને શું કરતો હતો એ પત્નીને ક્યારેય ખબર પડતી નહીં. હવે પત્નીને લાગે છે કે પતિ ઘરે રહેશે એટલે શાક સુધારી આપશે.

કચરા-પોતામાં 'ટેકનિકલ આસિસ્ટન્ટ' તરીકે કામ કરશે. બાળકોને ભણાવવાની જવાબદારી લેશે.

સ્ત્રીઓ વિચારે છે કે જો પતિ ૮ કલાક લેપટોપ સામે બેસી શકતો હોય, તો અડધો કલાક કૂકરની સીટી કેમ ન ગણી શકે? ''વર્ક ફ્રોમ હોમ'' એ સ્ત્રીઓ માટે પતિને ''હાઉસબન્ડ'' બનાવવાનો સુવર્ણ અવસર છે.

વાહન ઓછાં ચલાવવાનું કહી લોંગ ડ્રાઈવનો 'ધ એન્ડ' કરાવી દીધો.

રવિવારની સાંજે જ્યારે પત્ની કહેતી કે ''ચલોને ક્યાંક બહાર આંટો મારી આવીએ'', ત્યારે પતિના મગજમાં પેટ્રોલના ભાવના મીટર ફરતા હતા. પીએમની આ સૂચનાએ પતિઓને કાયદેસરનું હથિયાર આપી દીધું છે.

હવે જો પત્ની કહેશે કે લોંગ ડ્રાઈવ પર જઈએ, તો પતિ ગંભીર થઈને કહેશે, ''પ્રિયે, પ્રદૂષણ અને ટ્રાફિકની સમસ્યા જો. દેશને આપણી જરૂર છે. આપણે ઘરે બેસીને જૂની ફિલ્મો જોઈશું. ચાલ, ચા બનાવ, આપણે વાહન ન ચલાવીને દેશ બચાવીએ!'' લોંગ ડ્રાઈવના નામે થતો પેટ્રોલનો અને આઈસ્ક્રીમનો ખર્ચ બચી ગયો, એની ખુશી પુરૂષના ચહેરા પર છલકાય છે.

આમ જો જોવામાં આવે તો પીએમની એક સૂચનાએ ભારતીય ઘરોમાં શાંતિ સ્થાપી દીધી છે.

પુરૂષો ખુશ છેઃ કારણ કે એમની તિજોરી બચી ગઈ છે.

સ્ત્રીઓ ખુશ છેઃ કારણ કે એમનો 'સાહેબ' હવે ઘરમાં નજર સામે રહેશે અને ઘરકામમાં હાથ બટાવશે (એવી એમને આશા છે!).

જો આ લેખ વાંચ્યા પછી તમારી પત્ની સોનું માંગે, તો ધીમેથી કાનમાં કહી દેજો - ''મોદીજીએ ના પાડી છે!'' (પછી જે થાય એની જવાબદારી લેખકની રહેશે નહીં!)

વિચારવાયુઃ- નેતાઓ દ્વારા થતા ઉદઘાટન ઓન લાઈન થઈ જાય તો? રામનું નામ લ્યો, રામ રાજ્યનું નહીં.

-મિલન ત્રિવેદી

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh