Advertisement
Author: નોબત સમાચાર

સલાયા અને ઓખાના વહાણો માટે ઈમીગ્રેશન પ્રક્રિયાનો પુનઃ આરંભ

સાંસદ ૫ૂનમબેન માડમની રજૂઆતને સફળતા

                                                                                                                                                                                                      

સલાયા તા. ર૩: છેલ્લા ડિસેમ્બર-ર૦રપ થી ઓખા અને સલાયા બંદરો માટે ઈમિગ્રેશન સંબંધિત કામગીરી બંધ હતી. જેથી દેશી વહાણોને પોતાના હોમપોર્ટ પર આવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોત. ઈમિગ્રેશન ન મળતા ર૦૦ થી વધુ ગુજરાતના દેશી વહાણો મીડલ ઈસ્ટના બંદરો અને સમુદ્રી વિસ્તારમાં અટવાઈ ગયા હતાં.

આ મુદ્દે સેલિંગ વેસલ્સ એસોસિએશન દ્વારા જામનગર ડીજી શિપિંગ તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રાલય સમક્ષ અનેક રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ લાંબા સમય સુધી કોઈ હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો ન હતો. દરમિયાન તાજેતરમાં સલાયાના બે વહાણો અમેરિકા અને ઈરાનના યુદ્ધ અને ક્રોસ ફાયરિંગમાં ડૂબી જતા એક ખલાસીનું મોત થયું હતું અને બે વહાણો પણ ડૂબી ગયા હતાં. જેના લીધે વહાણવટી સમાજ ભારે ચિંતામાં હતો.

હાલારના સાંસદ સભ્ય પૂનમબેન માડમ સમક્ષ રજૂઆત કરવામાં આવેલ હતી. જેથી તેઓ તુરંત આ બાબતે સક્રિય થઈ અને પરિણામ માટે સત્વરે પ્રયત્નો કરતા માત્ર ત્રણ જ દિવસમાં નજીકના પોરબંદર સ્થિત આઈસીપી મારફતે ઈમિગ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ઈમિગ્રેશન પ્રક્રિયા ફરી શરૂ થતા મિડલ ઈસ્ટમાં અટવાયેલા દેશી વહાણો ૧પ થી ર૦ દિવસની અંદર પોતાના હોમ પોર્ટ ઉપર આવી જવાની શક્યતા છે.

ઈમિગ્રેશન પ્રક્રિયા ફરી શરૂ થતા તમામ વહાણવટી સમાજ, ખલાસીઓના પરિવારજનો તેમજ ગ્રામજનોએ પૂનમબેન માડમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ બાબતે સલાયા તેમજ ખંભાળીયાના આગેવાનો કાસમભાઈ ભોકલ, રૂસ્તમભાઈ સુંભણીયા, અલી હાજી ગાયત્રીવાળા, ફારૂક હાજી ભાયા, આમદ હાજી સંધાર, ફારૂક સુંભણીયા, તબરેજ સંધાર તેમજ માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ નજીરભાઈ જસરાયા તેમજ અનેક આગેવાનોએ રૂબરૂ જામનગર સ્થિત સાંસદ સભ્યના કાર્યાલયે જઈ અને આભાર વ્યક્ત કર્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh