Advertisement
Author: નોબત સમાચાર

ચીનમાં લિયુશેનયુ કોલસાની ખાણમાં ભયંકર ગેસ વિસ્ફોટ થતા ૮ર શ્રમિકોના મૃત્યુ

રાષ્ટ્રપતિ જિનપિંગે તપાસના આદેશ આપ્યાઃ

                                                                                                                                                                                                      

બેઈજીંગ તા. ર૩: ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ થતા ૮ર શ્રમિકના મોત થયા છે, અને ૯ ગુમ થયા છે. રાષ્ટ્રપતિ જિનપિંગે તપાસના આદેશ આપ્યા છે. મૃતાંક ઘણો વધી શકે છે.

ચીનના ઉત્તરી શાંકસી પ્રાંતમાંથી એકે અત્યંત ભયાનક અને મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં આવેલી 'લિયુશેનયુ' કોલસાની ખાણમાં શુક્રવારે મોડી રાત્ર એક પ્રચંડ ગેસ વિસ્ફોટ થયો હતો. આ દર્દનાક અકસ્માતમાં અત્યાર સુધીમાં ૮ર શ્રમિકના મોત નિપજ્યા છે, જ્યારે ૯ શ્રમિક હજુ પણ લાપત્તા હોવાનું જાણવા મળ્યું છે.

આ અકસ્માતને છેલ્લા એક દાયકામાં ચીનની અંદર બનેલી સૌથી ઘાતક ખાણ દુર્ઘટનાઓમાંથી એક માનવામાં આવી રહી છે. ચીનની સરકારી ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ આ વિસ્ફોટ કિનયુઆન કાઉન્ટીમાં આવેલી લિયુશેનયુ કોલસાની ખાણમાં થયો હતો. જે સમયે આ ગેસ બ્લાસ્ટ થયો તે સમયે ખાણની અંદર કુલ ર૪૭ શ્રમિક રાબેતામુજબ કામકરી રહ્યા હતાં. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે શ્રમિકને બહાર નીકળવાની તક જ નહોતી મળી.

જો કે, રાહતની વાત એ છે કે ર૦૦ થી વધુ શ્રમિકને સુરક્ષિત રીતે જમીનની બહાર કાઢી લેવામાં આવ્યા છે. શરૂઆતના અહેવાલોમાં માત્ર આઠ લોકોના મોતના સમાચાર હતાં, પરંતુ જેમ જેમ બચાવ કામગીરી આગળ વધી તેમ તેમ મૃત્યુઆંક અચાનક વધીને ૮ર પર પહોંચી ગયો હતો.

આ ભયાનક દુર્ઘટના પછી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડાપ્રધાન લી કિયાંગે તાત્કાલિક એક્શન લીધા છે. રાષ્ટ્રપતિએ અધિકારીઓને આદેશ આપ્યા છે કે ઈજાગ્રસ્તોની સારવાર અને શોધખોળ અભિયાનમાં કોઈ કસર છોડવામાં ન આવે. આ સાથે જ તેમણે અકસ્માતના કારણોની ઊંડાણપૂર્વક તપાસ કરવા અને કાયદા અનુસાર કડક જવાબદારી નક્કી કરવાનો આદેશ આપ્યો છે.

વડાપ્રધાન લી કિયાંગે પણ સમયસર અને સચોટ માહિતી જાહેર કરવા તેમજ બેદરકારી બદલ કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો છે. આ ગંભીર બેદરકારી બદલ ખાણ માટે જવાબદાર કંપનીના ઉચ્ચ અધિકારીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ચીને ર૦૦૦ ના દાયકાની શરૂઆતથી કોલસાની ખાણોમાં સુરક્ષાના કડક નિયમો લાગુ કરીને અકસ્માતોની સંખ્યામાં ઘણો ઘટાડો કર્યો હતો, પરંતુ આ ઘટનાએ ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થા પર મોટા સવાલો ઊભા કર્યા છે.

હાલમાં ઘટના સ્થળે સેંકડો બચાવકર્મીઓ દ્વારા ગુમ થયેલા ૯ શ્રમિકને શોધવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચલાવવામાં આવી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh