Advertisement
Author: નોબત સમાચાર

કેન્દ્રના બજેટમાં રૃા. ૭ લાખ સુધીની આવક પર આવકવેરામાંથી મૂક્તિ

નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કર્યુ વર્ષ ૨૦૨૩-૨૪ નું બજેટઃ નવી યોજનાઓ જાહેરઃ વિવિધ લક્ષ્યો નક્કી કરાયા

નવી દિલ્હી તા. ૧ઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ ૨૦૨૩-૨૪ ના વર્ષ માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે. જેમાં ઈન્કમટેકસમાં રૃા. ૭ લાખ સુધીની આવક પર મૂક્તિ આપીને મધ્યમવર્ગને ખુશ કરવાનો પ્રયાસ કરાયો છે, તે ઉપરાંત અનેક મહત્ત્વપૂર્ણ જાહેરાતો તથા કેટલીક નવી યોજનાઓ પણ જાહેર કરવામાં આવી છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે ૧ ફેબ્રુઆરી ૨૦૨૩-૨૪ માટે સામાન્ય બજેટ રજુ કર્યું છે. વર્ષ ૨૦૨૪ ની લોકસભાની સામાન્ય ચૂંટણી પહેલા  સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ છે. આ બજેટમાં નાણામંત્રીએ દેશની મહિલાઓ માટે ખાસ જાહેરાત કરી છે. દેશની મહિલાઓના સશક્તિકરણ માટે સરકારે એક નવી યોજના બનાવી છે. આ સાથે આત્મનિર્ભર ભારતનો પણ પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

મોદી સરકારનો બીજો કાર્યકાળ છેલ્લો પૂર્ણ બજેટ છે. ૨૦૨૪ ની લોકસભા ચૂંટણી પહેલા આ બજેટને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. ભારતનું આ બજેટ એવા સમયે રજૂ થવા જઈ રહ્યું છે જ્યારે વિશ્વની મુખ્ય અર્થવ્યવસ્થાઓ ધીમી પડી ગઈ છે અને સંભવિત મંદી તરફ આગળ વધી રહી છે.

નાણામંત્રી સીતારમણે મધ્યમવર્ગને રાજી કરવા માટે કેટલીક નવી યોજનાઓ પણ જાહેર કરી છે. તે ઉપરાંત રૃા. ૭ લાખ સુધીની આવક પર આવકવેરો ભરવો પડે નહીં, તેવી જોગવાઈઓ પણ કરી છે, અને સ્લેબ સ્ટાન્ડર્ડ ડિડક્શન વગેરેમાં સુધારા-વધારા કર્યા છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશભરની મહિલાઓ માટે મોટી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે દેશની મહિલાઓ માટે એક નવી યોજના શરૃ કરવાનો નિર્ણય કર્યો છે. સરકારે કહ્યું છે કે મહિલાઓ માટે મહિલા બચત સન્માન પત્ર લાવવામાં આવશે. જેમાં મહિલાઓને ૨ લાખ રૃપિયાનો લાભ મળશે. મહિલા સન્માન બચત પર ૭.૫ ટકા વ્યાજ મળશે.

નાણામંત્રીએ કહ્યું કે, દેશની આઝાદીના અમૃતકાળનું  આ પ્રથમ બજેટ છે. ખાસ કરીને યુવાનો અને તમામ વર્ગના લોકોને આર્થિક મજબૂતી આપવાનો પ્રયાસો કરવામાં આવ્યા છે. વિશ્વમાં મંદી હોવા છતાં, ચાલુ વર્ષનો વિકાસ અનુમાન ૭ ટકાની આસપાસ રહે તેવો અનુમાન છે.

બજેટમાં થયેલી જાહેરાત મુજબ કસ્ટમ ડયુટીમાં ઘટાડો કરવામાં આવશે. રમકડા, સાયકલ, ઓટો મોબાઈલ, ટેલિવિઝન સસ્તા થશે. સિનિયર સિટીઝનોની બચત યોજનાની સીમા ૧૫ લાખથી વધારીને ૩૦ લાખ કરાઈ છે. મહિલાઓને ૨ લાખની બચત પર ૭ ટકા વ્યાજ મળશે. ક્રેડિટ ગેરંટી એમએસએમઈ માટે એક સુધારણા યોજના આવશે, ૧ એપ્રિલ ૨૦૨૩ થી ઉદ્યોગોને ૯૦૦૦ કરોડ રૃપિયા ક્રેડિટ તરીકે આપવામાં આવશે. જન-ધન-યોજના હેઠળ બેંકમાં ખાતું ખોલવા જરૃરી કેવાયસીની પ્રક્રિયા વીડિયો કોલ દ્વારા કરવામાં આવશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ દરમિયાન જાહેરાત કરી છે કે અગ્રણી સ્થાનો પર ૧૫૭ નવી નર્સિંગ કોલેજો સ્થાપવામાં આવશે. તેમણે કહ્યું કે ૨૦૧૪ થી અત્યાર સુધીમાં ૫૭ મેડિકલ કોલેજની સ્થાપના કરવામાં આવી છે. સીતારમણે કહ્યું કે બાળકો અને કિશોરો માટે નેશનલ ડિજિટલ લાઈબ્રેરીની સ્થાપના કરવામાં આવશે. બજેટમાં આરોગ્ય, શિક્ષણ અને કૌશલ્ય પર વધુ ધ્યાન આપવાની વાત કરવામાં આવી છે.

સીતારમણે કહ્યું કે નેશનલ ડિજિટલ લાઈબ્રેરીમાં ભૂગોળ, સાહિત્યથી લઈને તમામ વિષયોના પુસ્તકો હશે. નેશનલ બુક ટ્રસ્ટ અને ચિલ્ડ્રન્સ બુક ટ્રસ્ટ પુસ્તકો વાંચવાની ટેવ કેળવવામાં મદદ કરશે. તેમણે કહ્યું કે તે એનજીઓ સાથે પણ ભાગીદારી કરવામાં આવશે.. જે સાક્ષરતાના ક્ષેત્રમાં કામ કરી રહી છે. નાણામંત્રીએ કહ્યું કે સરકાર ૩૮,૮૦૦ શિક્ષકોની ભરતી કરશે. મેડિકલ સાધનો બનાવવા માટે અભ્યાસક્રમ શરૃ કરાશે. ૨૦૪૭ સુધી એનિમીયા પૂર્ણ કરવાનું લક્ષ્યાંક

સમગ્ર દેશમાં મહિલાઓ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રકારની સુવિધાઓ ચલાવવામાં આવી રહી છે. નાણામંત્રીએ કહ્યું છે કે ગ્રામીણ મહિલાઓને ૮૧ લાખ સ્વ-સહાય જુથો સાથે જોડવામાં આવી છે. આ સાથે અમે તેને એક અલગ સ્તર પર લઈ જઈશું. આવનારા સમયમાં મહિલાઓને મોટા પાયે અનેક યોજનાઓ સાથે જોડવામાં આવશે. આ સાથે તેમને કાચો માલ પૂરો પાડવામાં આવશે અને સારી ડિઝાઈન માટે તાલીમ પણ આપવામાં આવશે.

નાણામંત્રીએ કહ્યું કે, સરકાર યુવાનો માટે કૌશલ્ય યુવા કેન્દ્રો બનાવવા પર ભાર મૂકશે અને ૩૦ સ્કીલ ઈન્ડિયા કેન્દ્રોની સ્થાપના કરશે. ઊર્જા સુરક્ષાના ક્ષેત્રમાં ૩પ હજાર કરોડ રૃપિયાનું રોકાણ કરવામાં આવશે. રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં ર૦,૭૦૦ કરોડ રૃપિયાનું રોકાણ કરવામાં આવશે. ભારતમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં શ્રેષ્ઠતા લાવવા માટે ત્રણ સંસ્થાઓની સ્થાપના કરવામાં આવશે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મિલેટ્સ ટૂંક સમયમાં તૈયાર કરવામાં આવશે. ભારત એટ ૧૦૦ દ્વારા, દેશ વિશ્વભરમાં મજબૂત થશે. ગ્રામીણ મહિલાઓ માટે ૮૧ લાખ સ્વ-સહાય જુથોને મદદ મળી છે, જેમાં વધુ વધારો કરવામાં આવશે. પીએમ વિશ્વ કર્મ કૌશલય સન્માન, હસ્તકલા અને વેપારમાં કામ કરતા લોકોએ કલા અને હસ્તકલામાં યોગદાન આપ્યું જે આત્મનિર્ભર ભારત માટે એક મહત્ત્વપૂર્ણ પગલું છે.

નવો ફાર્મા પ્રોગ્રામની જાહેરાત કરતા નાણામંત્રીએ કહ્યું કે, દેશમાં ફાર્માસ્યુટિકલ્સને પ્રોત્સાહન આપવા માટે એક નવો ફાર્મા પ્રોગ્રામ બનાવવામાં આવશે. મેડિકલ કોલેજ માટે લેબની વ્યવસ્થા કરવામાં આવશે. મેડિકલ સાધનો બનાવવાના કોર્સ શરૃ કરવામાં આવશે. તેમણે સપ્તર્ષિ યોજનાનો ઉલ્લેખ કરતા મોદી સરકારની મહત્ત્વપૂર્ણ યોજનાનો પણ ઉલ્લેખ કર્યો. આ મુજબ-સમાવેશક વિકાસ- ખેડૂતો, મહિલાઓ, યુવાનો, ઓબીસી, એસસી, એસટી અને દિવ્યાંગજન અને આર્થિક રીતે પછાત લોકોને પ્રોત્સાહન આપવામાં આવશે. વંચિતોને પ્રાધાન્ય આપવામાં આવશે.

બજેટમાં પીએમ આવાસ યોજનાનું બજેટ ૬૬ ટકા વધારી ૭૯ હજાર કરોડ કરાયું છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ ૩૩ ટકા વધારી ૧૦ લાખ કરોડ કરાયો છે. કૃષિ ક્ષેત્રે ર૦ લાખ કરોડ સુધીની લોન આપવાનું લક્ષ્ય છે.

બજેટમાં ર૦ર૪ થી બનેલી વર્તમાન ૧પ૭ મેડિકલ કોલેજ સાથે કોલોકેશનમાં ૧પ૭ નવી નર્સિંગ કોલેજ સ્થાપવામાં આવશે. હવાઈ કનેક્ટિવિટી વધારવા માટે દેશમાં પ૦ નવા એરપોર્ટ બનાવવાની જોગવાઈ કરાઈ છે. કેવાયસી પ્રક્રિયાને સરળ બનાવવામાં આવશે અને સંપૂર્ણ રીતે ડિજિટાઈઝ કરવામાં આવશે. કોમન પોર્ટલ દ્વારા એક જ જગ્યાએ ડેટા જમા કરવામાં આવશે, જેથી વારંવાર ડેટા આપવાની જરૃર રહેશે નહીં.

ગત્ વર્ષમાં થઈ હતી આ જાહેરાતો

ગત્ બજેટમાં નિર્મલા સીતારમણે યુવાનો માટે ઘણી જાહેરાતો કરી હતી. ગત્ બજેટમાં નેશનલ સ્કિલ ક્વોલિફિકેશન ફેમવર્ક હેઠળ સરકારે યુવાનોને ઉદ્યોગોની જરૃરિયાત મુજબ તાલીમ આપીને રોજગારી આપવાની જાહેરાત કરી હતી. આ સાથે ડિજિટલ યુનિવર્સિટીની સ્થાપના કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. સરકારે યુવાનોને ઓનલાઈન કૌશલ્ય, પુનઃ કૌશલ્ય અને ઉચ્ચ કૌશલ્ય બનાવવા માટે ડીઈએસએચ-સ્ટોક ઈ-પોર્ટલ શરૃ કર્યું હતું.

કેન્દ્રીય બજેટ - ૨૦૨૩

શું સસ્તુ ?

 બાયોગેસ સાથે સંકળાયેલી વસ્તુ

મોબાઈલના સ્પેર પાર્ટસ

સાયકલ

રસોઈ ગેસની ચિમની

કેમેરા, લેન્સ

ઈલેકટ્રીકલ વ્હીકલ

મોબાઈલ ફોન અને ટીવી

રમકડા

શું મોંઘુ ?

વિદેશી કિચનની ખરીદી

સિગારેટ

ચાંદી

ઈમ્પોર્ટેડ દરવાજા

તમાકુની બનાવટ

સોનુ

પ્લેટિનમ

હીરા

બજેટ-૨૦૨૩ની સાથે સાથે

ટ્રાયબલ મિશન માટે ૧૫,૦૦૦ કરોડની ફાળવણી

રેલવે માટે ૨.૪૦ લાખ કરોડની ફાળવણી

૫૦ નવા એરપોર્ટ ખોલવામાં આવશે

પીએમ આવાસ માટે ૭૯ કરોડ

વર્ષ ૨૦૭૦ સુધીમાં કાર્બન શૂન્ય કરવાનું લક્ષ્ય

૫-જી માં સંશોધન માટે ૧૦૦ નવી લેબ બનાવાશે

આદિવાસીઓ માટે ૧૫,૦૦૦ કરોડની જોગવાઈ

આદિવાસીઓ માટે નવી શાળાઓ બનાવાશે

મેડિકલ કોલેજ સાથે ૧૫૭ નર્સિંગ કોલેજ બનાવાશે

કેવાયસીની પ્રક્રિયા વધુ સરળ બનાવાશે

પાનકાર્ડ પણ ઓળખ માટે માન્ય રહેશે

સહકારી સમિતિ માટે ૨૫૦૦ કરોડની જોગવાઈ

યુવાયો માટે ૩૦ સ્કિલ ઈન્ટરનેશનલ સેન્ટર બનાવાશે

પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના ૪.૦ લોન્ચ કરાશે

ગોબર ધન યોજના હેઠળ ૫૦૦ પ્લાન્ટ બનાવાશે

મહિલાઓ, બાળકો માટે ૨ લાખ સુધીની બચત પર વ્યાજદર વધારાયો. હવે ૭ ટકા વ્યાજ મળશે.

વર્ષ ૨૦૨૩-૨૪ માં ૨૭.૨ લાખ કરોડની આવકનું અનુમાન

વર્ષ ૨૦૨૩-૨૪માં ૫.૯ ટકા નુકસાનનું અનુમાન

મહિલા સેવીંગ પર ૭.૫ ટકા વ્યાજઃ મહિલા સન્માન બચતપત્રો શરૃ થશે

વૃદ્ધોની બચત સીમા ૧૫ લાખથી વધારી ૩૦ લાખ રૃપિયા કરવામાં આવી

ઈન્કમટેક્સની મુક્તિ મર્યાદામાં ૫ લાખથી વધારી ૭ લાખ કરાઈ

૭૫ લાખ કમાવવાવાળાને પ્રોફેશનલ ટેક્સમાંથી છૂટ

વર્ષ ૨૦૨૩-૨૪ લાખ કરોડની જાવકનું અનુમાન

કરવેરાના નવા દર

૦ થી ૩ લાખ   ૦%

૩ થી ૬ લાખ   ૫%

૬ થી ૯ લાખ   ૧૦%

૯ થી ૧૨ લાખ            ૧૫%

૧૨ થી ૧૫ લાખ          ૨૦%

૧૫ લાખથી વધુ            ૩૦%

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh