Advertisement
Author: નોબત સમાચાર

આસામમાં પૂરથી ૮૦ લોકોના મૃત્યુઃ ૨.૧૨ લાખ લોકો પ્રભાવિતઃ એનડીઆરએફની ટીમો તૈનાતઃ ગંભીર સ્થિતિ

ઓડિશામાં ૨૦ જિલ્લાના ૧૪૫૮ ગામો પૂરગ્રસ્તઃ ૪ લાખથી વધુ લોકો પ્રભાવિતઃ કલમ-૧૬૩ લાગુ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૩૧: આસામ અને ઓડિશામાં અતિવૃષ્ટિ તથા પૂરની ગંભીર સ્થિતિ ઉભી થતા ટીમો રાહત-બચાવમાં લાગી ગઈ છે. આસામમાં પૂરથી ૮૦ લોકોના મૃત્યુ થયા છે. બન્ને રાજ્યોમાં લાખો લોકો પ્રભાવિત થયા છે.

આસામમાં પૂરની સ્થિતિ ગંભીર બની છે. ૮ જિલ્લાના ૨,૧૨,૪૪૧ થી વધુ લોકો પ્રભાવિત થયા છે. આ વર્ષે પૂરથી મૃત્યુઆંક ૮૦ પર પહોંચ્યો છે. એએસડીએમએ અધિકારીઓએ શુક્રવારે માહિતી આપી હતી કે ગોલાઘાટ, શિવસાગર સહિતના જિલ્લાઓમાં ૪૩૭ ગામો અને ૧૭,૧૯૮.૦૯ હેક્ટર પાકને નુકસાન થયું છે. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે, ૨૧ રાહત શિબિરો શરૂ કરાઈ છે. આસામ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ (એસડીએમએ)ના અધિકારીઓએ શુક્રવારે આ માહિતી આપી છે.

તંત્રના જણાવ્યા મુજબ પૂરના પાણી ફરી વળવાથી ૧૭,૧૯૮.૦૯ હેક્ટર જમીનમાં ઊભેલો પાક બગડી ગયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન શિવસાગર જિલ્લામાં વધુ ૨ લોકોના મોત નીપજ્યા છે, જેના કારણે આ સિઝનમાં રાજ્યમાં પૂરના લીધે મૃત્યુ પામનારાઓનો કુલ આંકડો ૮૦ પર પહોંચી ગયો છે.

પ્રભાવિત વિસ્તારોમાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહી છે. વિસ્થાપિત થયેલા પરિવારોને આશરો આપવા માટે કુલ ૨૧ સ્થળોએ રાહત શિબિરો શરૂ કરવામાં આવ્યા છે. જિલ્લા પ્રશાસન દ્વારા પ્રભાવિત નાગરિકોને ભોજન, શુદ્ધ પીવાનું પાણી અને અન્ય જરૂરી રાહત સામગ્રી પૂરી પાડવામાં આવી રહી છે. શહેરી વિસ્તારોમાં પણ કામરૂપ મેટ્રોપોલિટન જિલ્લાના કેટલાક ભાગોમાં પૂરની અસર જોવા મળી રહી છે, અને અનેક નદીઓમાં પાણીનું સ્તર હજુ પણ ખતરાના નિશાનની ઉપર વહી રહૃાું છે.

આ દરમિયાન, આસામ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણે ગુરુવારે રાત્રે એક સાર્વજનિક એડવાઈઝરી જાહેર કરીને નાગરિકોને ધનસિરી (દક્ષિણ) નદીથી દૂર રહેવાની સખત ભલામણ કરી છે.

આસામ ઉપરાંત ઓડિશાના ૨૦ જિલ્લામાં પણ પૂરની સ્થિતિ ગંભીર છે. ઓડિશામાં મહાનદી અને કાઠજોડી નદીઓમાં પાણીની સતત આવકથી પૂરની સ્થિતિ ગંભીર બની છે. મુંડલી અને નરાજ પાસે પાણી ભયજનક સપાટી વટાવી શકે છે. ભટ્ટારિકા મંદિરના ગર્ભગૃહમાં પાણી ઘૂસતા મૂર્તિને ખસેડાઈ છે. બીએનએસની કલમ-૧૬૩ લાગુ કરાઈ છે. ૨૦ જિલ્લાના ૭ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે, જેમાં ભદ્રક સૌથી વધુ અસરગ્રસ્ત છે. એનડીઆરએફ, ઓડીઆરએએફની ટીમો રાહત કાર્યમાં લાગી છે. સરકારે હેલિકોપ્ટરથી નિરીક્ષણ કરી વળતરની ખાતરી આપી છે.

ઓડિશામાં મહાનદી અને તેની પ્રમુખ શાખા નદી કાઠજોડીમાં પાણીની સતત આવકના કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. મુંડલી અને નરાજ પાસે પૂરના પાણી ટૂંક સમયમાં જ ભયજનક સપાટી વટાવી જાય તેવી આશંકા છે. પ્રાપ્ત અહેવાલો મુજબ, મુંડલીમાં ૮.૮૦ લાખ ક્યુસેક પાણી વહી રહૃાું હતું અને જળસ્તર ભયજનક સપાટીથી માત્ર દોઢ ફૂટ જ નીચે હતું. જ્યારે નરાજમાં ૪.૩૪ લાખ ક્યુસેક અને જોબરા એનિકેટ પરથી ૩.૯૭ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહૃાું છે.

મહાનદીનું જળસ્તર વધતા બુધવારે મોડી રાત્રે પ્રસિદ્ધ ભટ્ટારિકા મંદિરના ગર્ભગૃહમાં પાણી ભરાઈ ગયા હતા, જેના પગલે માં ભટ્ટારિકાની મૂર્તિને અસ્થાયી મંદિરમાં સ્થાનાંતરિત કરવામાં આવી છે. આ ઉપરાંત બડંબાના જોડુમ વિસ્તારમાં તટબંધ તૂટવાથી ખેતીની જમીન જળમગ્ન થઈ છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને ધબલેશ્વર, ભટ્ટારિકા અને સિંહનાથ પીઠમાં ગુરુવારથી બીએનએસની કલમ-૧૬૩ (અગાઉની કલમ-૧૪૪) લાગુ કરી દેવામાં આવી છે.

બાંકી-ડંપડા બ્લોકના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળતા અનેક પંચાયતોના સેંકડો હેક્ટર ખેતરો ડૂબમાં ગયા છે. મુખ્ય માર્ગો પર ૩થી ૫ ફૂટ પાણી વહી રહૃાા હોવાથી અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે. તંત્રે સાવચેતીના ભાગરૂપે આઠગઢ, બાંકી, કટક સદર અને કટક કોર્પોરેશન વિસ્તારમાંથી હજારો લોકોને સુરક્ષિત આશ્રયસ્થાનોમાં ખસેડવાની કામગીરી હાથ ધરી છે. પૂર રાહત માટે એનડીઆરએફ, ઓડીઆરએએફ અને ફાયર બ્રિગેડની ટીમો તહેનાત કરવામાં આવી છે.

ઓડિશાના ૨૦ જિલ્લાના ૧૦૦ બ્લોકમાં આવેલા ૧,૪૫૮ ગામો પૂરની ચપેટમાં આવ્યા છે. સરકારી આંકડા મુજબ, પૂરના કારણે અત્યાર સુધીમાં ૩ લોકોના મોત થયા છે અને ૧,૩૧૦ પશુઓના મૃત્યુ નોંધાયા છે. ભદ્રક જિલ્લો પૂરથી સૌથી વધુ પ્રભાવિત થયો છે, જ્યાં ૪.૧૧ લાખથી વધુ લોકો અસરગ્રસ્ત છે. આ ઉપરાંત જાજપુર અને બાલેશ્વર જિલ્લામાં પણ લાખો લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી સુરેશ પૂજારીએ ઉચ્ચ અધિકારીઓ સાથે હેલિકોપ્ટર મારફતે પૂર પ્રભાવિત જિલ્લાઓનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. તેમણે અધિકારીઓને આદેશ આપ્યા છે કે પૂરના પાણી ઓસર્યા બાદ તુરંત જ પ્રભાવિત લોકોને આર્થિક સહાય અને વળતર ચૂકવવામાં આવે. હાલમાં રાજ્યમાં ૫૨૦થી વધુ રાહત કેન્દ્રો શરૂ કરીને લોકોને રાશન અને ભોજન પૂરું પાડવામાં આવી રહૃાું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh