Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં મેઘો મંડાયોઃ સવારમાં જ ૫ થી ૬ ઈંચ ધોધમાર વરસાદથી ઘણાં વિસ્તારો જળમગ્ન

રાજકોટ સહિત ૧૨ જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટઃ એનડીઆરએફ, એસડીઆરએફ ઉપરાંત સેનાની ટૂકડી પણ બોલાવાઈઃ

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૩૧: હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ગુજરાતમાં આજે સવારથી મેઘો મંડાયો છે, અને ઘણા સ્થળે સવારમાં જ ૬ ઈંચ સુધીનું પાણી વરસ્યું છે. ઘણાં વિસ્તારો જળમગ્ન થયા છે. કેટલાક સ્થળે લોકોનું સ્થાળંતર કરવું પડ્યું છે. નદીઓમાં પૂર આવ્યા છે. પરિવહન તથા જનજીવન પ્રભાવિત થયું છે. રાજકોટ સહિત ડઝનેક જિલ્લાઓમાં ઓરેન્જ તો કેટલાક સ્થળે રેડએલર્ટ અપાયા છે.

ગુજરાત હવામાન વિભાગ દ્વારા આ૫ેલા લેટેસ્ટ આંકડાઓ અનુસાર આજે સવારના ૮ વાગ્યાથી ૧૦ વાગ્યા દરમિયાન એટલે કે બે કલાકમાં સૌથી વધુ વરસાદ ખેડા અને આણંદ જિલ્લામાં નોંધાયો છે, જ્યાં ખેડાના વસોમાં ૪.૮૮ ઈંચ, નડિયાદમાં ૩.૭૪ ઈંચ અને મહુધામાં ૨.૭૨ ઈંચ તથા માતરમાં ૧.૧૦ ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.

જ્યારે આજે નર્મદા જિલ્લામાં વહેલી સવાર એટલે કે ૬ વાગ્યાથી ૧૦ વાગ્યાની વચ્ચે ૪ કલાકમાં સૌથી વધુ ધોધમાર વરસાદ વરસ્યો છે. સવારે માત્ર બે કલાકના ગાળામાં જ ૪.૬૫ ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં મેઘતાંડવ જેવી સ્થિતિ સર્જાઇ હતી પરંતુ પછીના બીજા બે કલાકમાં પણ વરસાદી માહોલ ચાલુ રહેતા ૪ કલાકમાં કુલ વરસાદ ૫.૫૯ ઈંચને આંબી ગયો છે. નર્મદાના ગરુડેશ્વર તાલુકામાં શરૂઆતના બે કલાકમાં ૧૧૮ મિમી તથા પછીના બીજા બે કલાકમાં ૨૪ મિમી એ કુલ વરસાદ ૧૪૨ મિમી એટલે કે ૫.૫૯ ઈંચ વરસાદ થયો છે.

બીજી બાજુ આણંદ જિલ્લામાં પણ નર્મદા, ખેડા બાદ સૌથી વધુ મેઘમહેર નોંધાઈ છે. આણંદના બોરસદમાં ૪.૬૧ ઈંચ વરસાદ ખાબકી જતાં રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા હતા. જ્યારે પેટલાદમાં ૪.૨૫ ઈંચ અને આણંદ શહેરમાં ૩.૯૪ ઈંચ વરસાદ ખાબકી ગયો હતો.

હવામાન વિભાગના લેટેસ્ટ આંકડા અનુસાર વડોદરામાં પણ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. બે ઈંચ વરસાદમાં જિલ્લાના અનેક તાલુકાઓમાં જ્યાં જુઓ ત્યાં પાણી પાણી ભરાઈ ગયાના દૃશ્યો સામે આવ્યા છે. વડોદરાના દભોઈમાં ૨.૧૭ ઈંચ, સિનોરમાં ૨.૧૩ ઈંચ અને વડોદરા શહેરમાં ૧.૯૭ ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે.

બીજી બાજુ સુરતમાં પણ વરસાદી માહોલ જામી ગયો છે. મેઘરાજા મનમૂકીને વરસી રહૃાા છે. જ્યાં જુઓ ત્યાં રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ રહી છે. વરસાદની આગાહીને પગલે આજે સુરત માટે પણ ભારે વરસાદનુ અનુમાન છે.

ગુજરાત હવામાન વિભાગે અમદાવાદીઓનું ટેન્શન વધારતી આગાહી કરી છે. આગામી ૩ કલાકમાં અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ અને છોટા ઉદેપુરમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું હતું. સવારે ૪ થી ૮ વાગ્યા દરમિયાન છોટા ઉદેપુરમાં ૪.૫ ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજકોટ સહિત ૧૨ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.

અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરુચ અને છોટા ઉદેપુર જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. નાઉકાસ્ટ હેઠળ આગાહી પ્રમાણે છોટા ઉદેપુર જિલ્લામાં તો સવારથી જ ભારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે સવારે ૪ થી ૬ વાગ્યા દરમિયાન છોટા ઉદેપુરના અનેક જિલ્લાઓમાં અઢી ઈંચ પછી સવારના ૬ થી ૮ વાગ્યા દરમિયાન વધુ બે ઈંચ ખાબકતાં કુલ સાડા ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, પંચમહાલ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલાથી જ તોફાની વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ઘણા જિલ્લામાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઈ હતી અને આર્મી તથા એનડીઆરએફની ટીમને ખડેપગે રાખવામાં આવી હતી.

ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) દ્વારા જાહેર કરાયેલા રેડ ઍલર્ટ વચ્ચે સુરત શહેરમાં ગત મોડી રાતથી જ ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે. તીવ્ર પવન અને ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા (એસએમસી) સહિત સમગ્ર જિલ્લા તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. કોઈપણ પ્રકારની આપત્તિજનક સ્થિતિને પહોંચી વળવા માટે કલેક્ટર કચેરી, પોલીસ, ફાયર બ્રિગેડ, દક્ષિણ ગુજરાત વિજ કંપની અને સિંચાઈ વિભાગ વચ્ચે સતત સંકલન જાળવવામાં આવી રહૃાું છે. સ્થિતિની ગંભીરતાને જોતાં શહેરની તમામ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, વિવિધ વેપારી અને માર્કેટ એસોસિએશનો દ્વારા પણ બજારો બંધ રાખી કર્મચારીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપવા અપીલ કરવામાં આવી છે.

શહેરમાં એસડીઆરએફ અને એનડીઆરએફની બચાવ ટીમોને અલર્ટ મોડ પર તહેનાત કરી દેવામાં આવી છે અને તમામ ઇમરજન્સી સેવાઓ ૨૪ કલાક કાર્યરત રખાઈ છે. આસપાસના જિલ્લાઓમાં પણ ભારે વરસાદના કારણે જો સ્થિતિ વધુ વિકટ બને તો તાત્કાલિક મદદ મળી રહે તે માટે જિલ્લા કલેક્ટર દ્વારા રાજ્ય સરકાર સમક્ષ આર્મીની એક ટુકડીની પણ માંગણી કરવામાં આવી છે.

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગણદેવા ગામ નજીક પસાર થઈ રહેલો એક ટેમ્પો અકસ્માતે વીજળીના વાયર સાથે અડી જતાં ટેમ્પોમાં સવાર મજૂરોને વીજકરંટ લાગતાં ૩ના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા ૨ મજૂરોને સારવાર અર્થે ખારેલ હોસ્પિટલ ખસેડાયા છે, જ્યારે વધુ એક ગંભીર દર્દીને સુરત રિફર કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ ગણદેવી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. આ દુઃખદ ઘટનાને પગલે કેન્દ્રીય મંત્રી નરેશ પટેલ સહિતના સ્થાનિક આગેવાનો પણ સ્થિતિની સમીક્ષા માટે ગણદેવા જવા રવાના થયા હતા.

હાલ રાજ્યમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેમાં ૧. ડીપ ડિપ્રેશન, ૨. મોનસૂન ટ્રફ, ૩. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ૪. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. આ સિસ્ટમને કારણે આજથી વરસાદનું જોર વધશે. ડીપ ડિપ્રેશનની અસરના કારણે પણ વરસાદી સિસ્ટમ મજબૂત બની છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ૨ ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે અને થંડરસ્ટ્રોમની પણ શક્યતા છે. આગામી દિવસો માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. પવનની સ્પીડ ૪૦થી ૫૦ કિલોમીટર પ્રતિકલાકની રહેશે.

હવામાનની ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખી તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની કડક આદેશાત્મક સૂચના અપાઈ છે અને તમામ બોટોને કિનારે લાંગરી દેવામાં આવી છે. આ સાથે જ દરિયાકાંઠે વસતા સ્થાનિક રહીશોને સાવચેત રહેવા અને કિનારા નજીક ન જવા વહીવટી તંત્ર દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે.

વડોદરામાં અતિ ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર પૂર્ણ રીતે સજ્જ બન્યું છે. આગમચેતીના ભાગરૂપે પોર, દેણા, ડબકા, જાસપુર અને માલસર જેવા નીચાણવાળા ગામોમાંથી ૩૨૦થી વધુ લોકો તેમજ સગર્ભા મહિલાઓને સુરક્ષિત સ્થળે ખસેડી તેમના ભોજન સહિતની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

છોટાઉદેપુર જિલ્લામાં પડેલા મુશળધાર વરસાદ અને ઉપરવાસની ભારે આવકને કારણે નસવાડીની અશ્વિન નદીમાં પૂર આવ્યું હતું. આ દરમિયાન નસવાડી દરગાહ પાસે એક યુવક નદીના તેજ પ્રવાહ વચ્ચે ફસાઈ ગયો હતો.

ઘટના અંગે જાણ થતાં જ એનડીઆરએફની ટીમે તાત્કાલિક બોટ સાથે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. આશરે બે કલાક સુધી નદીના પાણી વચ્ચે ઝઝૂમતા યુવક સુધી પહોંચી એનડીઆરએફની ટુકડીએ તેને બોટમાં બેસાડીને સહી-સલામત રીતે બહાર કાઢી લીધો હતો.

નવસારી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. ભારે વરસાદના કારણે શહેરના જૂનાથાણા વિસ્તાર સહિતના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. નવસારી શહેરને સુરત અને નેશનલ હાઈવે ૪૮ સાથે જોડતો મુખ્ય માર્ગ જળમગ્ન થતાં વાહનવ્યવહાર ખોરવાયો છે અને જનજીવન પર માઠી અસર પડી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh