Advertisement
Author: નોબત સમાચાર

રોંગ સાઈડ રાજુ, લવની ભવાઈ, રેવા અને હેલ્લારોને મળ્યો શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ

નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે માહિતી ખાતા દ્વારા ૧૮૧ પારિતોષિક એનાયત કરાયા

જામનગર તા. ર૮ઃ ગાંધીનગરમાં રાજયના નાણામંત્રી કનુભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ ગુજરાતી ચલચિત્રો અને તેના કલાકાર-કસબીઓને પારિતોષિક એનાયત કરવાનો સમારોહ યોજાયો હતો. સ્વર્ણિમ સંકુલ-ર માં યોજાયેલા સમારોહમાં નાણામંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે વિવિધ ૪૬ જેટલી કેટેગરીમાં આશરે ૧૮૧ કલાકાર, કસબીઓને ચલચિત્ર પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. માહિતી અને પ્રસારણ વિભાગ હેઠળની માહિતી નિયામકની કચેરી દ્વારા દર વર્ષે શ્રેષ્ઠ ચલચિત્રોને પારિતોષિક અર્પણ કરવામાં આવે છે.

પારિતોષિકથી સન્માનિત થયેલા તમામ કલાકારોને શુભેચ્છાઓ પાઠવતા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ગુજરાતી ચલચિત્રો અને તેની સાથે સંકળાયેલા નિર્માતાઓ-કલાકારોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની આગેવાનીમાં ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યમાં ફિલ્મ ઉદ્યોગને પ્રવાસન સાથે સાંકળીને મુખ્યમંત્રીએ ગત વર્ષે જ ગુજરાતની સૌપ્રથમ 'સીનેમેટિક ટુરિઝમ પોલિસી' અમલમાં મૂકી છે. ગુજરાતી ફિલ્મો પ્રત્યે પ્રતિબદ્ધતા દાખવી રાજ્ય સરકારે  ફિલ્મ નિર્માણ ક્ષેત્રે મજબૂત ઇકો સિસ્ટમ ઉભી કરવા માટે ફિલ્મ ઇન્ફ્રાસ્ટ્રકચરનો પણ વિકાસ કર્યો છે. જેના પરિણામે આજે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માત ્ર આજીવિકાનું સાધન નહિ, પણ અનેક લોકોને ફિલ્મ ઉદ્યોગ સાથે સાંકળીને રોજગારીની નવી તકો આપવા સાથે રાજ્યના પ્રવાસનને પણ વેગ આપી રહ્યું છે.

મંત્રી દેસાઈએ વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતમાં ફિલ્મ નિર્માણ ક્ષેત્રે રહેલી વિપુલ તકોના કારણે આજે અન્ય પ્રદેશોના ફિલ્મ નિર્માતાઓ ગુજરાત તરફ આકર્ષિત થયા છે. આ સાથે જ ગુજરાતી ફિલ્મોએ રાષ્ટ્રીય સ્તરે નેશનલ એવોર્ડ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓસ્કાર જેવા ખ્યાતનામ પુરસ્કારો સુધી પહોંચીને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. આવનારા સમયમાં ગુજરાતી ફિલ્મો માત્ર મનોરંજન તરીકે જ નહિ, પણ અહીની સંસ્કારી ભૂમિ પર જન્મેલા મહાનાયકોના સંઘર્ષ અને સિદ્ધિઓને પણ ફિલ્મના રૃપેરી પડદે ઉજાગર કરવા સૌ ફિલ્મ નિર્માતાઓને તેમણે આહવાન કર્યું હતું. 

માહિતી અને પ્રસારણ વિભાગના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘે કલાકારોને આવકારતા કહ્યું હતું કે, ગુજરાતી ફિલ્મોનો વ્યાપ દેશ-વિદેશમાં વધે અને ફિલ્મ નિર્માતાઓને પ્રોત્સાહન મળે તેવા નેક હેતુ સાથે રાજ્ય સરકારે ચલચિત્ર નિર્માણ પ્રોત્સાહન નીતિ ઘડી છે. ફિલ્મ ઉદ્યોગમાં નવા વિચારો, નવી ટેકનોલોજી અને નવા પરિમાણોથી રાજ્યની યુવાશક્તિ પ્રેરિત થઈને આજે ફિલ્મ નિર્માણ જેવા ક્ષેત્રે જોડાઈ રહી છે. ફિલ્મ નિર્માણ ક્ષેત્રે પણ ગુજરાતનો વિકાસ અવિરત થાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. તેમણે એવોર્ડ પ્રાપ્ત કરનાર સૌ કલાકાર- કસબીઓને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે માહિતી નિયામક ડી. કે. પારેખે ઉપસ્થિત રહી સૌ કલાકારોને પ્રોત્સાહિત કરતા આભારવિધિ કરી હતી. તેમણે ગુજરાતી ચલચિત્રોને પ્રોત્સાહન પૂરું પાડવા કલાકારો દ્વારા કરાયેલા સૂચનો પ્રત્યે હકારાત્મક અભિગમ દાખવી તેના પર વિચાર-વિમર્શ બાદ અમલમાં લાવવા તૈયારી દર્શાવી હતી.

ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહમાં સિધ્ધાર્થ રાંદેરિયા, પ્રતિક ગાંધી, જિગરદાન ગઢવી, અભિષેક શાહ, વિપુલ મહેતા, પાર્થિવ ગોહિલ અને સૌમ્ય જોશી સહિતના ખ્યાતિ પ્રાપ્ત ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક અને કલાકાર-કસબીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh