Advertisement
Author: નોબત સમાચાર

લાલપુરના સેવક ધુણીયા ગામમાં કચ્છી હાલારી નૂતન વર્ષની અનોખી ઉજવણી

અષાઢી બીજના પાવન દિવસે

જામનગર તા. ર૮ઃ લાલપુર તાલુકાના સેવક ધુણીયા ગામમાં અષાઢી બીજના પાવન દિવસે સમસ્ત ગ્રામજનો દ્વારા કચ્છી-હાલારી નૂતન વર્ષની હર્ષોલ્લાસ સાથે અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

ગામમાં આવેલા ત્રિકમરાયજી ભગવાન (શ્રીકૃષ્ણ સ્વરૃપ) ના મંદિરે નૂતન ધ્વજાજીનું પૂજન રમેશભાઈ રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્રિકમરાયજી ભગવાનને મંદિરમાંથી રથમાં બિરાજમાન કરાવી જય જગન્નાથના જયઘોષ સાથે રથયાત્રા યોજાઈ હતી. જે ગામના મુખ્ય માર્ગો પર થઈ રાવલપીર દાદાના સ્થાનકે સમ્પન્ન થઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છ અને હાલારના વિવિધ ૩૬ ગામોમાં વસતા દલજાડેજા રાજપૂતો ચાર કૂળમાં જન્મેલા શેષાવતાર શ્રી રાવલપીરનું દાદા સદીઓથી પરંપરાગત રીતે પૂજન-અર્ચન કરે છે અને તેમના પ્રત્યે અપાર શ્રદ્ધા ધરાવે છે.

દલભાયાતોના દરેક ગામોમાં રાવલપીર દાદાનું સ્થાનક અચૂક હોય છે. કારણ કે દલભાયાતો જે જે ગામ કે પ્રદેશ જીતીને ગામ વસાવતા હોય ત્યાં સૌ પ્રથમ વખત તેમના આરાધ્ય અને આસ્થાના પ્રતીક એવા શ્રી રાવલપીર દાદાના સ્થાનકનું પ્રથમ સ્થાપન કરતા હતાં. સેવકધુણીયા ગામમાં પણ રાવલપીર દાદાનું સ્થાનક અંદાજે ૪૮પ વર્ષ પુરાણું છે. અને દર માસની સુદ બીજના દિવસે રાવલપીર દાદાનો કસુંબો (અફીણનું પાણી) નો પ્રસાદ ગામના કોઈને કોઈ ઘેર થતો જ રહે છે અને દાદાને અર્પણ કરે છે. તેમજ દર વર્ષે અષાઢી બીજના દિવસે રાવલપીર દાદાની પહેડી એટલે કે કસુંબો-નૈવેધ, નૂતન ધ્વજારોહણ તથા પ્રસાદ ધરવામાં આવે છે. જેમાં સમગ્ર ગ્રામજનો જોડાય છે અને સમૂહ પ્રસાદગ્રહણ (જમણવાર) કરે છે.

આ વર્ષે સમગ્ર ગામનું ધુમાડાબંધ જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું. અષાઢી બીજના દિને યોજાયેલા આ રથયાત્રામાં સમગ્ર ગ્રામજનો, વડીલો, યુવાનો માતાઓ અને બહેનો વિશાળ સંખ્યામાં જોડાયેલ અને ઢોલ શરણાઈના તાલે ગરબા રમતા રમતા અને ભગવાનના સંકીર્તન કરતા કરતા આ રથયાત્રામાં સામેલ થયેલ અને જય જગન્નાથ જય શ્રી કૃષ્ણના જયઘોષથી સમગ્ર કાર્યક્રમ ખૂબ જ આનંદ, ઉમંગ અને હર્ષોલ્લાસ સાથે સમ્પન્ન થયો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh