Advertisement
Author: નોબત સમાચાર

ઉમરગામમાં આભ ફાટ્યુઃ ૨૪ કલાકમાં ૩૫ ઈંચ વરસાદ

સુરત- તાપી-વલસાડ, નવસારીમાં ધોધમાર વરસાદઃ નદીઓ ઉફાણેઃ હજારોનું સ્થળાંતરઃ પરિવહન ખોરવાયુઃ જળબંબાકાર

                                                                                                                                                                                                      

સુરત તા. ૨૩: દક્ષિણ ગુજરાતમાં જાણે મેઘ તાંડવ કરી રહ્યો છે, અને ધોધમાર વરસાદથી સર્વત્ર જળબંબાકારની સ્થિતિ છે. સડકો જાણે સરોવર બની ગઈ છે. હજારો લોકોનુ સ્થળાંતર કરાયુ છે. ઉમરગામમાં તો જાણે આભ ફાટયુ હોય તેમ ૨૪ કલાકમાં ૩૫ ઈંચ વરસાદ ખાબકયો છે. રાજ્યના ૨૧૩ તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. અને તે પૈકી કેટલાક સ્થળે તબાહી પણ મચી છે. પરિવહન ખોરવાયુ છે અને જનજીવન અસ્ત વ્યસ્ત થયુ છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૨૧૩ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં વલસાડ જિલ્લો જળબંબાકાર થઈ ગયો છે. વલસાડના ઉમરગામમાં છેલ્લા ૨૪ કલાકમાં આભ ફાટ્યું હોય તેમ ૩૫ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત જિલ્લાના કપરાડામાં ૨૮.૭૮ ઈંચ, નાનાપોંઢામાં ૨૫.૩૧ ઈંચ અને ધરમપુરમાં ૧૯.૬૫ ઈંચ વરસાદ નોંધાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

વલસાડ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રમયોગીઓની સુરક્ષા અને જાહેર હિતને પ્રાધાન્ય આપતા જિલ્લાના તમામ કારખાનાઓ અને ઔદ્યોગિક એકમોને તા. ૨૩ જુલાઈના રોજ સમગ્ર દિવસ માટે કામગીરી બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (એસઈઓસી), ગાંધીનગરના આજે (૨૩મી જુલાઈ) સવારે ૪થી ૬ વાગ્યા સુધીના આંકડા મુજબ, ઉમરગામમાં વહેલી સવારે માત્ર બે કલાકમાં જ ૭.૫૬ ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય સુરતના ઉમરપાડામાં ૪.૪૧ ઈંચ, વલસાડના પારડીમાં ૩.૮૨ ઈંચ, વલસાડ તાલુકામાં ૩.૩૫ ઈંચ, નાનાપોંઢામાં ૩.૨૭ ઈંચ, કપરાડામાં ૨.૭૬ ઈંચ અને ધરમપુરમાં ૨.૫૬ ઈંચ વરસાદ નોંધાયો હતો. સુરતના મહુવા, માંડવી, ઓલપાડ, કામરેજ અને ચોર્યાસી તાલુકામાં પણ અડધાથી દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.

ભારે વરસાદને કારણે વલસાડની ઔરંગા નદી ૯ મીટરની ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે. પૂરના ખતરાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાંથી ૨૦૦થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. સુરત શહેરમાંથી પસાર થતી ખાડીઓમાં પણ જળસ્તર સતત વધી રહૃાું હોવાથી સ્થાનિક પ્રશાસન એલર્ટ મોડ પર છે.

તાપી જિલ્લામાં રાત્રિ દરમિયાન પડેલા અવિરત વરસાદથી ભારે હોનારત સર્જાઈ છે. વ્યારાથી ઉનાઈ જતો નેશનલ હાઈવે કોતરમાં પાણી ફરી વળતા બંધ થઈ ગયો છે. ડોલવણ તાલુકાના ગડત ગામની સીમમાં નેશનલ હાઈવે પર પાણી ભરાઈ જતાં ૧ કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી. આ દરમિયાન અંતાપુર ગામે રેસ્ક્યૂ માટે જઈ રહેલી સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (જીડ્ઢઇહ્લ)ની ટીમ પણ બંધ હાઈવે પર ફસાઈ ગઈ હતી. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં તાપીના વ્યારા, ડોલવણ, વાલોડ અને સોનગઢ તાલુકાની તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.

દમણગંગા નદીના મધુબન ડેમની જળ સપાટી આજે સવારે ૮ કલાકે ૭૫.૫૫ ફૂટે પહોંચી ગઈ છે, ડેમ માં ૨,૩૧, ૬૬૪ ક્યુસેક પાણી ના ઈન્ફલો સામે ૨,૧૫,૬૨૧ ક્યુસેક પાણી છોડવામાં આવી રહૃાું છે, ડેમ ના ૧૦ દરવાજા ૪.૫૦ મીટર ખોલતા વાપી અને સેલવાસ ના અનેક નીચાણવાળા વિસ્તારો માં તેની અસર જોવા મળી છે.

વલસાડ, નવસારી અને સુરત જીલ્લા ની તમામ શાળા ઓ કોલેજો અને તમામ શૈક્ષણિક સંસ્થાઓ માં રજા જાહેર કરવામાં આવી છે, જનજીવન સંપૂર્ણ પણે ખોરવાયું છે હજુ પણ મેઘરાજા ખમૈયા કરવા ના મૂડ માં જણાતા નથી, વહીવટી તંત્ર ના અથાગ પ્રયત્નો કુદરત ના કહેર સામે વામણું પુરવાર થઈ રહૃાું છે.

વાપીના પટેલવાડી વિસ્તારમાં સોસાયટીઓ અને રસ્તા પર પાર્ક કરેલી અનેક કાર પાણીમાં અડધીથી વધુ ડૂબી જતાં વાહનમાલિકોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી રાહત-બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૬૧ તાલુકામાં ૧ ઇંચથી વધુ, ૪૪ તાલુકામાં ૨ ઇંચથી વધુ અને ૨૬ તાલુકામાં ૫ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.જેમાં ઉમરગામમાં ૩૫.૬૭ ઇંચ, કપરાડામાં ૨૮.૭૮ ઇંચ, નાનાપોંઢામાં ૨૫.૩૧ ઇંચ, ધરમપુરમાં ૧૯.૬૫ ઇંચ વરસાદ નોંધાયો છે.

નવસારી જિલ્લામાં અને ઉપરવાસના સુરત, તાપી તથા ડાંગમાં પડેલા ભારે વરસાદને પગલે નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે. નવસારી શહેર અને બીલીમોરા સહિતના વિસ્તારોમાં ૧ લાખથી વધુ લોકો પૂરથી સીધી રીતે પ્રભાવિત થયા છે. પૂર્ણા નદીનું જળસ્તર ૨૨ ફૂટ સુધી પહોંચ્યું છે, જ્યારે તેની ભયજનક સપાટી ૨૩ ફૂટ છે. અંબિકા નદી ૨૯ ફૂટની ભયજનક સપાટીને અડી ગઈ છે, જ્યારે કાવેરી નદી ૨૨ ફૂટે વહેતી હોવાથી તે ભયજનક સપાટી ૧૯ ફૂટથી ઉપર વહી રહી છે. નદીઓના વધતા જળસ્તરને પગલે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સ્થાનિક તંત્ર દ્વારા સતત સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

દાદરા અને નગર હવેલીના ખાનવેલ ક્ષેત્ર હેઠળ આવતા તલાવલી ગામે પૂરના પાણી ભરાતાં ચાર નાગરિકો ફસાયા હતા. ઘટનાની જાણ થતાં જ છઠ્ઠી બટાલિયનની ટીમે મધરાત્રે મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ટીમે તમામ ચારેય વ્યક્તિઓને પૂરના પાણીમાંથી સુરક્ષિત બહાર કાઢીને જિલ્લા વહીવટી તંત્રને સોંપ્યા હતા.

સુરતમાં વહેલી સવારથી ભારે વરસાદથી જનજીવન ખોરવાયું છે. ભેદવાડ ખાડી ઓવરફ્લો થતાં બામરોલીમાં બાળકોને ટ્રેક્ટરમાં રેસ્ક્યુ કરાયા હતા. નીચાણવાળા વિસ્તારોમાંથી ૨૨૦૦થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. એસએમસી કમિશનરે ૩૪ વિસ્તારોમાં પાણી ભરાયાની માહિતી આપી. બીઆરટીએસના ૨૬ રૂટ બંધ કરાયા છે. આગામી ૩ કલાક અતિભારે વરસાદની આગાહી છે, જેથી લોકોને ઘરમાં રહેવા અપીલ કરાઈ.

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા સતત મહેરબાન થઈ રહૃાા છે, ત્યારે સુરત શહેર અને જિલ્લામાં ફરી એકવાર ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. વહેલી સવારથી જ વરસી રહેલા અવિરત વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર જળબંબાકારની ગંભીર સ્થિતિ સર્જાઈ છે.

સ્થિતિને નિયંત્રણમાં રાખવા અને નાગરિકોની સલામતી માટે સુરત પોલીસ અને વાહનવ્યવહાર નિગમ દ્વારા કેટલાક પગલાં લેવાયા છે. જેમાં સુરક્ષાના ભાગરૂપે બીઆરટીએસના ૨૬ બસ રૂટ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યા છે. પાણી ભરાયેલા મુખ્ય રસ્તાઓ પર પોલીસ દ્વારા બેરિકેડિંગ કરીને ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.

જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર-બોટાદ સહિત

રાજ્યના ૧૮ જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદનું રેડએલર્ટ અપાયું

હવામાન વિભાગ દ્વારા નાઉકાસ્ટમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જો હવામાન વિભાગના રેડ એલર્ટની વાત કરીએ તો જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, વલસાડ, ડાંગ, નવસારી, તાપીમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. જયારે બાકીના તમામ જિલ્લામાં ભારે વરસાદ યલો અથવા ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh