Advertisement
Author: નોબત સમાચાર

સેટેલાઈટ તસ્વીરોમાં ભારતથી સાઉથ કોરિયા સુધી વાદળોની દીવાલ દેખાતા બમ્પર વરસાદની વકી

ખેતી-જળાશયો માટે આશીર્વાદઃ પહાડો માટે આફત

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ર૩: ભારતથી સાઉથ કોરિયા સુધી ૧૦,૦૦૦ કિ.મી. લાંબી વાદળોની દીવાલ દર્શાવતી સેટેલાઈટ તસ્વીરે દુનિયાને ચોંકાવી દીધી છે.

અંતરિક્ષમાંથી લેવાયેલી સેટેલાઈટ તસ્વીરોમાં ભારતથી સાઉથ કોરિયા સુધી ૧૦,૦૦૦ કિલોમીટર લાંબી વાદળોની વિશાળ પટ્ટી દેખાઈ છે. આ 'મોનસુન કન્વર્ર્ઝન્સ ઝોન'ને કારણેે ભારતમાં બમ્પર વરસાદની ચેતવણી અપાઈ છે. છેલ્લા ર દિવસમાં સરેરાશ કરતા ૧૭૦ ટકાથી ૧૮૦ ટકા વધુ વરસાદ નોંધાયો છે, જો કે હિમાચલ અને ઉત્તરાખંડ જેવા પહાડી વિસ્તારોમાં પૂર અને ભૂસ્ખલનનો ભય પણ વધ્યો છે.

હાલમાં જ અંતરિક્ષમાંથી લેવાયેલી સેટેલાઇટ ઇમેજરીમાં પૃથ્વી પર એક એવા દૃશ્યો દેખાયા છે. જેણે આખા એશિયા ખંડના હવામાનશાસ્ત્રીઓને આશ્ચર્યચકિત કરી દીધા છે. ઉત્તર ભારતથી શરૂ કરીને હિમાલય, ચીન અને સીધા સાઉથ કોરિયા સુધી ફેલાયેલી ૭,૦૦૦ થી ૧૦,૦૦૦ કિલોમીટર લાંબી વાદળોની વિશાળ પટ્ટી જોવા મળી છે.

આ ઘટના વર્ષ ૨૦૨૬ના દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના સૌથી સક્રિય તબક્કાની સાક્ષી પૂરે છે. એક તરફ જ્યાં આ વાદળો બમ્પર વરસાદ લાવીને દેશના જળાશયો ભરી રહૃાા છે, તો બીજી તરફ હિમાચલ અને ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યોમાં પૂર અને લેન્ડસ્લાઇડનો ભય પણ ઊભો થયો છે.

હવામાન નિષ્ણાતો આ અદ્ભુત ઘટનાને મોન્સુન કન્વર્ઝન્સ ઝોન તરીકે ઓળખાવી રહૃાા છે. હિંદ મહાસાગર પરથી આવતા ભેજયુક્ત પવનો જ્યારે સમગ્ર એશિયામાં સક્રિય હવામાન પ્રણાલીઓ સાથે ભળે છે, ત્યારે આવી ઘટના આકાર લે છે. સેટેલાઇટ તસવીરો દર્શાવે છે કે ઘટ્ટ વાદળોએ મધ્ય, ઉત્તર અને પૂર્વ ભારતને સંપૂર્ણપણે ઘેરી લીધું છે. ત્યાંથી આગળ વધીને આ વાદળો હિમાલયન બેલ્ટ, ચીન, જાપાન અને સાઉથ કોરિયા સુધી પહોંચી ગયા છે.

છેલ્લા કેટલાક અઠવાડિયાથી ભારતના અનેક રાજ્યોમાં ચોમાસું ધીમું પડ્યું હતું અને વરસાદની મોટી ખોટ અનુભવાઈ રહી હતી. પરંતુ આ નવી સિસ્ટમે સમગ્ર ચિત્ર બદલી નાખ્યું છે. છેલ્લા ૨ દિવસમાં ભારતમાં તેના દૈનિક સરેરાશ ચોમાસાના વરસાદ કરતાં ૧૭૦% થી ૧૮૦% જેટલો વધુ વરસાદ નોંધાયો છે.

હવામાન વિજ્ઞાનીઓએ આ દિવસોને *મેસીવ મોન્સુન ડે* તરીકે વર્ણવ્યા છે, જે આ વર્ષની સિઝનનો સૌથી વધુ વરસાદ ધરાવતો સમયગાળો બની ગયો છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી-એનસીઆર અને રાજસ્થાનના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. બંગાળની ખાડીમાંથી જમીન તરફ આગળ વધી રહેલી લો-પ્રેશર સિસ્ટમના કારણે પૂર્વ અને ઉત્તર-પૂર્વના રાજ્યોમાં પણ સતત અને તીવ્ર વરસાદ ચાલુ છે.

વરસાદની જે ખાધ હતી તે આ સ્પેલથી ખૂબ જ ઝડપથી પૂરી થઈ રહી છે. હાલમાં ચાલી રહેલી ખરીફ પાકની વાવણી માટે આ વરસાદ સંજીવની સમાન સાબિત થશે અને દેશના તમામ નાના-મોટા જળાશયોમાં પાણીનું સ્તર ઝડપથી વધશે.

બીજી તરફ, આગામી દિવસોમાં પણ આ જ રીતે અવિરત વરસાદ ચાલુ રહેવાની શક્યતા હોવાથી તંત્ર એલર્ટ મોડ પર છે. ખાસ કરીને હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા પહાડી વિસ્તારોમાં ફ્લેશ ફ્લડ (અચાનક પૂર), જળબંબાકાર, ભૂસ્ખલન અને નદીઓમાં પાણીનું સ્તર ખતરનાક રીતે વધવાની ચેતવણી આપવામાં આવી છે.

સામાન્ય રીતે આપણે ભારતના દક્ષિણ-પશ્ચિમ ચોમાસાને માત્ર એક પ્રાદેશિક ઘટના માનતા હોઈએ છીએ. પરંતુ આ ૧૦,૦૦૦ કિલોમીટર લાંબી વાદળોની શ્રેણીએ સાબિત કરી દીધું છે કે સમગ્ર એશિયાનું વાતાવરણ એકબીજા સાથે ઊંડેથી જોડાયેલું છે. અરબી સમુદ્રથી શરૂ કરીને પશ્ચિમ પેસિફિક મહાસાગર સુધીની આ વાતાવરણીય સિસ્ટમ સમગ્ર ખંડના હવામાનને અસર કરી રહી છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ, આ સક્રિય ચોમાસાની સિસ્ટમ આખા અઠવાડિયા દરમિયાન ચાલુ રહેશે, જેથી ભારતનો મોસમી વરસાદનો આંકડો ઘણો સુધરશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh