Advertisement
Author: નોબત સમાચાર

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ... સ્વાસ્થ્યની સારસંભાળ જરૂરી પણ...!? યોગા ફોર વન અર્થ...વન હેલ્થ

                                                                                                                                                                                                      

આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની  વિશ્વભરમાં ઉજવણી થઈ રહી છે. આજે હાલારમાં પણ ગામડાઓ તથા શહેરોમાં વિશ્વ યોગ દિન ના સંખ્યાબંધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આપણે જાણીએ જ છીએ કે આંતરરાષ્ટ્રીય યોગ દિનની વૈશ્વિક ઉજવણી શરૂ કરાવવામાં ભારતનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે. જામનગરમાં પણ આજે પોલીસ પરેડ ગ્રાઉન્ડ અને તળાવની પાળ સહિતના ઘણાં સ્થળોએ યોગદિન ઉજવાઈ રહ્યો છે.

આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ "યોગા ફોર વન અર્થ...વન હેલ્થ" છે. આ વિષય "એક પૃથ્વી....એક સ્વાસ્થ્ય" ના કોન્સ્ેપ્ટને પ્રોસ્તાહિત કરે છે. સંસાર સ્વસ્થતાથી ચાલે અને ટકાઉ ભવિષ્ય તથા મજબૂત બુનિયાદ સાથે જીવન વાસ્તવમાં સુખી બને તે માટે સમગ્ર વિશ્વ (પૃથ્વી)માં સ્વાસ્થ્યની સુરક્ષા માટે સહિયારા, સતત અને પરિણામલક્ષી પ્રયાસો થતા રહે, તે અત્યંત જરૂરી છે, અને તેમાં વિશ્વ આરોગ્ય સંસ્થા સહિતની વૈશ્વિક સંસ્થાઓ આજે જે રીતે યોગદિવસ ઉજવી રહી છે, તેમ જ દુનિયાના મહત્તમ દેશોમાં એક સાથે યોગાભ્યાસ થઈ રહ્યો છે, તે ભારત માટે ગૌરવની વાત છે, અને વિશ્વકલ્યાણની દિશામાં આખી દુનિયાનું સહિયારૂ આવકારદાયક કદમ છે.

આ થીમ માત્ર જીવસૃષ્ટિના સ્વાસ્થ્યનો સંદેશ નથી આપતું, પરંતુ આપણે જે ગ્રહ પર રહીએ છીએ, તે પૃથ્વીના સ્વાસ્થ્યનો પણ સંદેશ આપે છે. આપણું સમગ્ર જીવસૃષ્ટિનું અને પૃથ્વીનું સ્વાસ્થ્ય પરસ્પર સંકળાયેલું છે, અને તેની સુરક્ષા માટે હવે માનવીએ (આપણે) જાગવાની જરૂર છે, પરંતુ એ માટે વાસ્તવમાં આપણે જાગૃત છીએ ખરા ?

યોગાભ્યાસ આપણાં શારીરિક, માનસિક અને સામૂહિક સ્વાસ્થ્ય માટે ખૂબજ ઉપયોગી છે. વર્ષ ૨૦૧૪માં યુનોએ દર વર્ષે ૨૧ મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાની જાહેરાત કરી, ત્યારથી આપણે દર વર્ષે આ ઉજવણી કરતા રહ્યા છીએ, અને હવે દશ વર્ષ થયા હોવાથી એક વૈશ્વિક સર્વે કરવાની જરૂર છે, કે આ ઉજવણીના કારણે માનવજીવન, સ્વાસ્થ્ય અને વૈશ્વિક સુખ-શાંતિમાં કેટલો વધારો થયો છે ?

ભારતમાં આ વર્ષે યોગસંગમ સહિત ૧૦ (દસ) જેટલા મુખ્ય કાર્યક્રમોનું આયોજન કર્યું છે. માનવી, જીવસૃષ્ટિ અને પૃથ્વીના સ્વાસ્થ્યને સાંકળીને વૈશ્વિક જનજાગૃતિ ફેલાવવા તરફ આ એક ઉપયોગી કદમ છે.

યોગાભ્યાસ પછી યોગાને જીવનનો હિસ્સો બનાવવો જરૂરી છે. યોગાની શારીરિક, માનસિક સ્વાસ્થ્યની સાથે સાથે હવે યોગશિક્ષણનો વ્યાપ વધતા તે આર્થિક ઉપાર્જનનું, રાજગારીનું માધ્યમ પણ બન્યું છે, તે ઉપરાંત આધ્યાત્મિક ઉત્થાન, માનસિક સુદૃઢતા, ભાવનાત્મક લોકકલ્યાણ, પરિણામલક્ષી વિશ્વસનિય ચિકિત્સાના વ્યાપમાં વધારો, સુદૃઢ આત્મબળ ઉપરાંત માનવકલ્યાણ સાથે પર્યાવરણીય સુરક્ષા અને સામાજિક સદ્ભાવ જેવી અનેક ફલશ્રુતિઓનું માધ્યમ પણ બન્યું છે.

આજે યોગ સંગમ, યોગાસનો, યોગાભ્યાસ, યોગબંધન, યોગ પાર્ક, યોગ અનપ્લગ્ડ તથા યોગ-પ્રદર્શનો જેવા વિવિધાસભર કાર્યક્રમો દેશ-દુનિયામાં યોજાઈ રહ્યા છે, ત્યારે આવો, આપણે પણ તેમાં જોડાઈએ, અને યોગા ને રોજીંદી જીવનશૈલીનો હિસ્સો બનાવી લઈએ...

આજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં રાષ્ટ્રીયકક્ષાની ઉજવણી થઈ રહી છે અને ગુજરાતમાં રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી વડનગરમાં થઈ રહી છે. આજે ૧૧મો યોગદિવસ યોગા ફોર વન અર્થ-વન હેલ્થની થીમ હેઠળ ઉજવાઈ રહેલો હોઈ ભૂજંગાસન મુદ્રામાં યોગા કરવાનો વર્લ્ડ રેકોર્ડ પણ સર્જવા જઈ રહ્યો છે.

ગુજરાતમાં ૧૮૦૦૦ થી વધુ ગ્રામ પંચાયતો, ૨૫૦ થી વધુ તાલુકા પંચાયતો, પાલિકા-મહાનગરપાલિકાઓ, સરકારી વિભાગો, નિગમો-કાર્પોરેશનો, રાજ્યની ૪૫૦૦૦ પ્રાથમિક શાળાઓ, ૧૨૦૦૦ થી વધુ હાઈસ્કૂલો, ૨૫૦૦ થી વધુ કોલેજો, ૨૫૦ થી વધુ આઈટીઆઈ, ૧૫૦૦ જેટલા આરોગ્ય કેન્દ્રો, ૬૫૦૦ જેટલા વેલનેસ સેન્ટર, જિલ્લા પોલીસ હેડક્વાર્ટર્સ, પોલીસ મથકો, જેલો, સામાજિક-સેવાભાવી સંસ્થાઓ, અને સરહદો પર સ્થિત સૈન્યમથકો થી માંડીને પહાડો, નદીઓ, ટાપુઓ, સમુદ્ર અને અમૃત સરોવરો સહિત ઠેર-ઠેર સામૂહિક યોગાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જે આપણી વૈદિક સંસ્કૃતિની હેલ્થકેર તથા "સર્વમંગલ માંગલ્ય" ની વિભાવનાને ઉજાગર કરે છે.

આપણાં રાજ્ય અને દેશમાં યોગાદિવસની ઉજવણી થાય, તે સ્વાભાવિક છે, પરંતુ આજે આખી દુનિયામાં યોગાભ્યાસ થઈ રહ્યો છે, અને આજના એક દિવસ માટે નહીં, પરંતુ હવે તો વિશ્વના ઘણાં દેશોમાં કાયમી યોગાભ્યાસના વર્ગો તથા કેન્દ્રો પણ ધમધમવા લાગ્યા છે, જે આપણી વસુધૈવ કુટૂંબકમ્ ની સદ્ભાવનાને પણ ઉજાગર કરે છે.

યોગાભ્યાસ અને વ્યાયામ તંદુરસ્તી અને મન-દુરસ્તી માટે અત્યંત ઉપયોગી છે, અને આપણી ખાન-પાનની ગરબડો, અનિયમિત જીવનશૈલી તથા તનાવયુક્ત જિંદગીના કારણે ઉદ્ભવતા અનેક રોગોનો રામબાણ ઈલાજ પણ યોગા, આયુર્વેદ તથા મેડિટેશનના સંયોજનમાંથી મળી રહે છે.

ઘણાં લોકો ખાન-પાન, વ્યસનો તથા અનિયમિત કે અપ્રાકૃતિક જીવનશૈલીને છોડી શકતા નથી. પરંતુ તે દિશામાં પ્રયત્નો કરે છે, તેઓને યોગ, આયુર્વેદ, મેડિટેશન વગેરે ઉપચાર પદ્ધતિઓ તરફ વાળવા જોઈએ, તેવી એડવાઈઝ પણ અપાતી જ હોય છે.

સ્વાસ્થ્યની સારસંભાળ રાખવી અત્યંત જરૂરી છે, અને તેના ઉપાયો કરવાની સાથે-સાથે સંયમ અને નિયમપાલન પણ અત્યંત જરૂરી હોય છે. યોગા-મેડિટેશન-વ્યાયામ વગેરે કર્યા કરીએ, પરંતુ જો ખાન-પાનમાં ધ્યાન ન રાખીએ, કે નિયમ-સંયમ કે નિયમિતતાનું પાલન ન કરીએ, વ્યસનને ન છોડીએ, પુરતી ઊંઘ ન લઈએ કે ભાગદોડ ભરી જિંદગીમાં તન-મન પ્રત્યે ઉદાસિન રહેતા હોઈએ, તો યોગા-વ્યાયામ મેડિટેશન વગેરેનો પૂરેપૂરો ફાયદો થતો હોતો નથી, તેથી આ બધી બાબતોને સમન્વય કરીને આવો, આપણે સાથે મળીને આપણું, વિશ્વનું અને પૃથ્વીનું સ્વાસ્થ્ય વધુ ને વધુ સુદૃઢ બનાવીએ...

નોબત પરિવાર અને માઘવાણી પરિવાર નોબતના પ્રિય વાચકો સહિત સૌ કોઈને આજે વિશ્વ યોગદિનની શુભેચ્છાઓ પાઠવે છે અને પૃથ્વી, પ્રકૃતિ તથા સમગ્ર જીવસૃષ્ટિના સુદૃઢ સ્વાસ્થ્યની શુભકામનાઓ વ્યક્ત કરે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh