Advertisement
Author: નોબત સમાચાર

થેલેસેમિયા માઈનોરે મેલેરિયા અટકાવ્યો અને લાખો માનવી જિંદગીઓ બચી ગઈ, પણ...!?

પ્રાચીનકાળથી વકરેલો પ્લાસ્મોડિયમ ફાલ્સિપેરમ નામનો મેલેરિયા અસાધ્ય હતો...

                                                                                                                                                                                                      

આપણે મેલેરિયા નિવારણ ઝુંબેશ ઘણાં દાયકાઓથી ચલાવી રહ્યા છે, તે રોગચાળો નવો નથી, પરંતુ પ્રાચીનકાળથી અસ્તિત્વમાં છે, અને તેને જુદા જુદા નામથી ઓળખવામાં આવતો હોવાથી આપણે તે અંગે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ અને જુદા જુદા સંદર્ભોના આધારે તેને સમજવાનો પ્રયાસ કરીએ.

કેટલાક વાચકમિત્રોને કદાચ એ જાણીને આશ્ચર્ય થશે કે પ્રાચીનકાળમાં પણ મોટી સંખ્યામાં લોકોને ભરખી જતો મેલેરિયા જ્યારે અસાધ્યરોગ ગણાતો હતો, તે સમયે કુદરતે જ માનવીની ઈમ્યુનિટી સ્ટ્રેન્થ (રોગપ્રતિકારક કુદરતી શક્તિ) માં એવું તત્ત્વ ઉમેર્યું, જેથી મહામારી ગણાતી મેલેરિયાની જીવલેણ બીમારીની સામે રક્ષણ મળ્યું, અને ઈમ્યુનિટીમાં ઉમેરાયેલા એ પરિબળે મેલેરિયાથી લોકોને બચાવી લીધા હતાં, જુના જમાનાથી આ બમારીને જુદા જુદા નામે ઓળખવામાં આવી હતી.

થેલેસેમિયાનું નામકરણ

થેલેસેમિયાનું નામકરણ ગ્રીક શબ્દ થાલાસ્સા એટલે કે સમુદ્ર અને એમિયા એટલે કે એમિયા અથવા એનિમિયા મળીને ન્યોછે, જેને થેલેસેમિયા તરીકેની ઓળખ મળી છે. આ બીમારી સૌ પ્રથમ ભૂમધ્યસાગરમાં ઓળખાઈ હતી, જેને ભૂમધ્યસાગરીય એનિમિયા પણ કહેવાતી હતી, સૌ પ્રથમ વર્ષ ૧૯૩ર માં થેલેસેમિયાનો શબ્દપ્રયોગ થયો હોવાના ઉલ્લેખો જોવા મળે છે.

મેલેરિયાની અસાધ્ય બીમારી

પ્રાચીનકાળમાં ભૂમધ્યસાગરીય, બેસિન, આફ્રિકા અને ભારતમાં પ્લાસ્મોડિયમ ફ્રાલ્સિપેરમ નામનો મેલેરિયા ખૂબ જ ઘાતક હતો અને તે જમાનામાં લાખો લોકોના જીવ લીધા હતાં, જેમાં મહત્તમ બાળકો હતાં. મેલેરિયાને ગુજરાતીમાં ટાઢિયો તાવ અને કમળાને પીળિયો તાવ ગણવામાં આવતો હતો.

કુદરતી રીતે રક્ષણ

તે સમયે કુદરતી રીતે ઈમ્યુનિટીમાં થેલેસેમિયા પ્રવેશ્યો અને તેના કારણે મેલેરિયા સામે રક્ષણ મળ્યું અને લોકોના સામૂહિક મૃત્યુ થતા અટકી ગવયા હતાં. આ કારણે તે સમયે થેલેસેમિયા વરદાનરૂપ પૂરવાર થયો હતો, જેને તે સમયે મેજર એનિમિયા તરીકે પણ ઓળખવામાં આવતો હતો.

થેલેસેમિયા બન્યો અનુવાંશિક

તે પછી થેલેસેમિયા વંશવારસાગત રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં ઉતરતો રહ્યો હતો, જો કે મેલેરિયા સામે રક્ષણ આપતી આ કુદરતી ઈમ્યુનિટીમાંથી જ બીજી સમસ્યા ઊભી થઈ હતી, કારણ કે મેલેરિયા સામે રક્ષણ આપતા થેલેસેમિયા (માઈનોર) ધરાવતા દંપતીઓને ત્યાં કેટલાક બાળકો એવા જન્મવા લાગ્યા, જેને ગંભીર એનિમિયા સમાન લોહીની ગંભીર ઉણપની બીમારી થઈ અને તેના કારણે તેઓનો જીવ બચાવવો મુશ્કેલ થવા લાગ્યો. આ જીવલેણ બીમારીને થેલેસેમિયા (મેજર) તરીકે ઓળખવામાં આવે છે. પતિ અને પત્ની બન્નેને થેલેસેમિયા માઈનોર હોય તો તેના કોઈ સંતાનને આ પ્રકારની થેલેસેમિયાની જીવલેણ બીમારી થવા લાગી.

હોલ્ડનનો સિદ્ધાંત

વર્ષ ૧૯૪૯ માં બ્રિટિશ વૈજ્ઞાનિક જે.બી.એસ. હોલ્ડર્ન પહેલી વખત એવો સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો હતો, કે થેલેસેમિયા જેવા વંશવારસાગત થતો વિકાર એટલા માટે જિવંત રહ્યો, કારણ કે તેથી મેલેરિયા સામે કુદરતી સુુરક્ષા મળી હતી, પરંતુ તે પછી આ કુદરતી બક્ષીસ જ અભિશાપ બની ગઈ અને માઈનોર થેલેસેમિયા ધરાવતા દંપતીની કૂખેથી કેટલાક બાળકોને થેલેસેમિયા મેજરની બીમારી વારસામાં મળી હતી.

થેલેસેમિયાની ઓળખ

થેલેસેમિયા (માઈનોર)ની ઓળખ વાસ્તવમાં ઘણી જ મોડી થઈ. વર્ષ ૧૯રપ માં અમેરિકી બાળરોગ વિશેષજ્ઞ ડો. થોમસ બંટની કૂલીએ આ ઓળખ પ્રસ્થાપિત કરી, જો કે તેમણે આ બીમારીને પહેલા 'ઈરિથ્રોલ્લાસ્ટિક એનિમિયા' એવું નામ આપ્યું હતું. તે પછી વર્ષ ૧૯૩૦ સુધીમાં તેને વંશવારસાગત બીમારી માનવામાં આવી. તે પછી વર્ષ ૧૯૩ર માં ગ્રીક શબ્દોના સંયોજનથી 'થેલેસેમિયા' નામરણ થયું, અને માઈનોર-મેજરના પ્રકારો તથા માતા-પિતા બન્નેને થેલેસેમિયા માઈનોર હોય તો બાળકને થેલેસેમિયા (મેજર) થવાની સંભાવના રહેતી હોવાની શોધ વર્ષ ૧૯૪૦ થી ૧૯પ૦ વચ્ચે થઈ. વર્ષ ૧૯૩ર માં જ્યોર્જ વ્હિપલે નામકરણ કર્યા પછી ઈટાલીના શોધકર્તાઓએ આ બીમારી અનુવાંશિક હોવાની માન્યતા પર મહોર મારી હતી.

સચોટ નિદાન

વીસમી સદીના અંતમાં હીમોગ્લોબીન ઈલોક્ટ્રોફોરેસિસ સાથે ડીએનએ ટેસ્ટીંગ જેવી તે સમયથી અદ્યતન ટેકનોલોજીની મદદથી થેલેસેમિયા માઈનોર અને થેલેસેમિયા મેજરનું સચોટ નિદાન શકય બન્યું.

ભારતમાં પ્રથમ કેસ

પ્રાચીનકાળમાં મેલેરિયાને અટકાવવામાં ઉપયોગી થેલેસેમિયા વંશપરંપરાગત રીતે પેઢી-દર-પેઢી ઉતરતો રહ્યો હશે, પરંતુ ભારતમાં વર્ષ ૧૯૩૮ માં પ્રથમ કેસ નોંધાયો હોવાનું કહેવાય છે, જો કે આજે ભારતમાં થેલેસેમિયા એટલો વ્યાપક બની ગયો છે કે, તેને થેલેસેમિયાનું પાદનગર કહેવામાં આવે છે. ભારતની લગભગ ચારથી પાંચ ટકા વસ્તી થેલેસેમિયા (માઈનોર) ની વાહક બની ગઈ હોવાનું કહેવાય છે. આ બીમારીના કોઈ બાહ્ય લક્ષણ નહીં હોવાથી તે સામાન્ય જિંદગી જીવે છે, પરતુ થેલેસેમિયા (માઈનોર) ધરાવતા લોકો આ બીમારી આવતી પેઢીને આપે છે, અને થેલેસેમિયા માઈનોર સાથે થેલેસેમિયા વિહીન જીવનસાથી દ્વારા પેદા થતા બાળકને થેલેસેમિયા મેજર થવાનો ખતરો રહેતો નથી, પરંતુ જો પતિ-પત્ની બન્નેને થેલેસેમિયા (માઈનોર) હોય, તો તેના સંતાનો પૈકી કોઈને અથવા બધા સંતાનોને થેલેસેમિયા (મેજર) થવાનો ખતરો રહે છે, અને થેલેસેમિયા (મેજર) ધરાવતા બાળકને નિયમિત લોહી આપવું પડે છે, અને બાળક મોટું થતું જાય, તેમ વધુને વધુ લોહી નિયમિત રીતે વધુ પ્રમાણમાં ચડાવવું પડે છે. આ બીમારીની કોઈ દવા નથી, પરંતુ તે જ પરિવારમાં હાડકાની મજન (બોર્લમેરો) હોય તો તેને થેલેસેમિયા (માઈનોર) ધરાવતા દર્દીની બોડીમાં શસ્ત્રક્રિયા કરીને દાખલ કરવામાં આવે, તો કુદરતી રીતે લોહી ઉત્પન્ન થવા લાગે અને બહારનું લોહી ઓછું ચડાવવું પડે, તેવી સંભાવનાઓ રહે છે. આ ની ટેકનિકમાં સફળતાની ટકાવારી ઘણી જ વધારવાની જરૂર છે. કારણ કે જટિલ શસ્ત્રક્રિયા પૂરેપૂરા તબીબી પ્રયાસો છતાં સફળ જ થાય, તેવી કોઈ ગેરંટી હોતી નથી, આમ છતાં આ દિશામાં વૈજ્ઞાનિકો, તબીબો અને સરકારી વિભાગો કામ કરી રહ્યા છે. આ ઓપરેશનને પી.એમ. આયુષ્માન ભારત યોજનામાં સમાવવાની સાથે ખાનગી હોસ્પિટલોમાં પણ ફ્રી સારવાર સાથે તેઓના પરિવારોને આર્થિક મદદની જરૂર પણ રહે છે.

મેજર થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ

ભારતમાં લગભગ દોઢેક લાખ જેટલા મેજર થેલેસેમિયા ધરાવતા દર્દીઓ જીવન-મરણની લડત લડી રહ્યા છે, અને દર વર્ષે ૧૦ થી ૧પ હજાર નવા બાળકો મેજર થેલેસેમિયા સાથે જન્મે છે. દુનિયામાં થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓના મોટાભાગના દર્દીઓ છે, અને વિશ્વમાં લગભગ ૧૦ થી ૧ર લાખ મેજર થેલેસેમિયાના દર્દીઓ હશે, અને દર વર્ષે અકાદ લાખ મેજર થેલેસેમિયાના દર્દીઓ ઉમેરાતા હશે. આ આંકડાઓ અંદાજીત છે અને અધિકૃત ડેટા માટે સરકારી વેબસાઈટ અપડેટ થતી રહે છે.

વિનોદ કોટેચા, એડવોકેટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh