Advertisement
Author: નોબત સમાચાર

સોનમ વાંગચુકને દિલ્હી પોલીસે ઉઠાવી લીધાઃ હોસ્પિટલમાં દાખલ

જંતર મંતર ફેરવાયુ છાવણીમાં: અભિજિત દીપકે એ પણ આદર્યા અનશનઃ શિક્ષણમંત્રી સાથે પીએમનું પણ રાજીનામુ મંગાયુ !

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૮: દિલ્હીના જંતર-મંતર પરથી ઉપવાસના ૨૧મા દિવસે આંદોલનકારી સોનમ વાંગચુકની તબિયત લથડતાં પોલીસ દ્વારા હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે હાઈકોર્ટના આદેશ બાદ મોટો નિર્ણય લીધો છે અને જંતર-મંતર છાવણીમાં ફેરવાયું છે.

દિલ્હીના જંતર-મંતર પર છેલ્લા ૨૦ દિવસથી ભૂખ હડતાળ પર ઉતરેલા જાણીતા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકની તબિયત ૨૧મા દિવસે અચાનક વધુ લથડતાં દિલ્હી પોલીસ દ્વારા તેમને તાત્કાલિક અસરથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ તબીબી પ્રક્રિયા દરમિયાન ઘટનાસ્થળે પ્રદર્શનકારીઓ દ્વારા ભારે અવરોધ ઊભો કરવામાં આવ્યો હતો અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાને પગલે શનિવારના રોજ જંતર-મંતર અને તેની આસપાસના સમગ્ર નવી દિલ્હી જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે.

નવી દિલ્હીના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સચિન શર્માએ પીટીઆઈને માહિતી આપતાં જણાવ્યું હતું કે, સોનમ વાંગચુકની સ્વાસ્થ્ય સ્થિતિ સતત બગડી રહી હોવાથી દિલ્હી હાઈકોર્ટના સત્તાવાર આદેશોને આધીન આ પગલું ભરવામાં આવ્યું છે. ઉચ્ચ ન્યાયાલયના નિર્દેશો અને તબીબી નિષ્ણાતોની કટોકટીની સલાહને ધ્યાનમાં રાખીને જ તેમને યોગ્ય સસ્ટેન્ડ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેઓ નિષ્ણાત તબીબોની સીધી દેખરેખ હેઠળ સઘન સારવાર મેળવશે. દિલ્હી પોલીસ દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદનમાં પણ પુષ્ટિ કરવામાં આવી છે કે આ કટોકટીની તબીબી સારવાર તેમના જીવનની સુરક્ષા માટે ખૂબ જ અનિવાર્ય હતી.

પોલીસ પ્રશાસન જ્યારે હાઈકોર્ટના આદેશોનું પાલન કરાવીને સોનમ વાંગચુકને તબીબી સુવિધા માટે લઈ જઈ રહૃાું હતું, ત્યારે ત્યાં હાજર કેટલાક ઉગ્ર આંદોલનકારીઓએ આ સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ભારે ઘર્ષણ અને સામાન્ય અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે, પોલીસે પરિસ્થિતિની ગંભીરતા સમજીને અત્યંત સંયમપૂર્વક કામ લીધું હતું અને કોઈપણ અનિચ્છનીય ઘટના વિના સોનમ વાંગચુકને સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

આ ઘટના બાદ કોઈપણ મોટી કાયદો અને વ્યવસ્થાની સમસ્યા ન સર્જાય તે માટે સમગ્ર વિસ્તારમાં દિલ્હી પોલીસના જવાનો ઉપરાંત મોટા પાયે પેરામિલિટરી ફોર્સ (અર્ધલશ્કરી દળો) ની તૈનાતી કરી દેવામાં આવી છે. જંતર-મંતર અને તેની આસપાસના તમામ મુખ્ય માર્ગો પર મજબૂત બેરિકેડ્સ ગોઠવી દેવાયા છે અને પ્રદર્શનકારીઓ તેમજ મુલાકાતીઓની અવરજવર પર કડક વોચ રાખવામાં આવી રહી છે. દિલ્હી પોલીસે જંતર-મંતર ખાતે એકત્રિત થયેલા તમામ પ્રદર્શનકારીઓને કાયદો હાથમાં ન લેવા અને શાંતિપૂર્વક રીતે આ સ્થળ વહેલી તકે ખાલી કરવા માટે સત્તાવાર અપીલ કરી છે.

દિલ્હી પોલીસે માત્ર સોનમ વાંગચુકને જ હોસ્પિટલ ખસેડ્યા નથી, પરંતુ જંતર-મંતર પરથી અન્ય તમામ પ્રદર્શનકારીઓને પણ હટાવી દીધા છે. આંદોલન સ્થળે લગાવવામાં આવેલા તમામ બેનરો અને પોસ્ટરો પોલીસે કબજે કરીને હટાવી દીધા છે. સોનમ વાંગચુકના સમર્થકો અને વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, જોકે દિલ્હી પોલીસે લાઠીચાર્જના આ આરોપોને સરેઆમ નકારી દીધા છે.

આ આંદોલન સાથે જોડાયેલા 'કોકરોચ જનતા પાર્ટી' (સીજેપી) ના સ્થાપક અભિજીત દીપકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એકસ' (અગાઉ ટ્વિટર) પર એક પછી એક અનેક પોસ્ટ કરીને દિલ્હી પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે, *દિલ્હી પોલીસે જંતર-મંતર પર કડક વલણ અપનાવ્યું છે. લોકો પર બળપ્રયોગ કરવામાં આવી રહૃાો છે અને સોનમ સરને જબરદસ્તીથી લઈ જવામાં આવ્યા છે.* દીપકે વધુમાં આરોપ લગાવ્યો છે કે પોલીસે તેમને પણ રોકી રાખ્યા હતા, તેમની સાથે મારપીટ કરી હતી અને બાદમાં કસ્ટડીમાં લઈ લીધા હતા. આ કાર્યવાહી બાદ જંતર-મંતર પર સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે.

છેલ્લા અહેવાલો મુજબ હાલમાં જંતર-મંતર પર ભારે તણાવની સ્થિતિ છે. આખા વિસ્તારમાં પોલીસ અને અર્ધસૈનિક દળો (પેરામિલિટ્રી ફોર્સ) ની ભારે તૈનાતી કરી દેવામાં આવી છે. સમગ્ર પ્રદર્શન સ્થળને ૪ સ્તરના લોખંડી બેરિકેડિંગથી ઘેરી લેવામાં આવ્યું છે અને પોલીસ પ્રદર્શનકારીઓને સમજાવીને ધરણા સ્થળ ખાલી કરાવી રહી છે.

વાંગચુકના પત્નીની ચેતવણી

સોનમ વાંગચુકના પત્ની ગીતાંજલિ જે. આંગમોએ કહૃાું- હું દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં છું, જ્યાં સોનમ દાખલ છે. મારી, મારા પરિવાર અને છેલ્લા ૨૦ દિવસથી તેમના સ્વાસ્થ્યની સંભાળ રાખી રહેલા ડોકટરોની સંમતિ વિના તેમને ન તો મોઢેથી કંઈ આપવામાં આવે અને ન તો કોઈ દવા કે પ્રવાહી આપવામાં આવે.

ભૂખ હડતાળતથી વાંગચુકનું વજન ૯.૫ કિલો ઘટયું: તબીબો

વાંગચુકના સ્વાસ્થ્ય પર નજર રાખી રહેલા ડોકટરના મતે, સતત ભૂખ હડતાળને કારણે વાંગચુકનું વજન અત્યાર સુધીમાં લગભગ ૯.૫ કિલો ઘટી ગયું છે. શુક્રવારે ૨૪ કલાક દરમિયાન તેમનું વજન ૩૫૦ ગ્રામ વધુ ઘટીને ૫૬.૫૫ કિલો થઈ ગયું હતું. તે પછી હાઈકોર્ટના આદેશને ટાંકીને પોલીસે આ કદમ ઉઠાવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh