Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજકાલ માર્કેટમાં એક નવો વાયરસ આવ્યો છે, જેનું નામ છે 'સ્ટાર્ટ-અપ'. જે જુઓ તે સવારના પોહરમાં ચા પીતા પીતા કરોડોના આઈડિયા હવામાં ઉડાડતો હોય છે. નોકરીમાં બોસનો એકાદો લવિંગિયો ફટાકડો ફૂટે એટલે તરત જ એમ થાય કે 'બસ હવે બહુ થયું, આપણે પોતાનો જ ધંધો કરવો છે!' પણ ભાઈ, ધંધો કરવો અને નવો બિઝનેસ શરૂ કરવાની મગજમારીમાં પડવું એ સિંહના પાંજરામાં સેલ્ફી લેવા જેવું અઘરૃં કામ છે.
ગુજરાતીના લોહીમાં જ વ્યાપાર છે એ વાત સાચી, પણ જ્યારે નવો અતરંગી ધંધો શરૂ કરવાનો વિચાર આવે ત્યારે મગજના વાયર શોર્ટ થઈ જાય છે.
મારા એક પરમ મિત્ર ચુનિલાલને વિચાર આવ્યો કે આપણે કંઈક હટકે કરવું છે. કોમ્પ્યુટર અને આઈટીના જમાનામાં એણે એવો અતરંગી આઈડિયા શોધ્યો કે સાંભળીને જ ચક્કર આવી જાય. એણે વિચાર્યું કે 'ઓનલાઈન લીંબુ-મરચાં લટકાવવાની સર્વિસ' શરૂ કરીએ! જે લોકો મોંઘી ગાડીઓ ખરીદે છે કે નવી દુકાન ખોલે છે, એમને રીમાઇન્ડર જશે અને એપ દ્વારા ઓટોમેટીક લીંબુ-મરચાં ડિલિવર થઈ જશે. એનું નામ રાખ્યું: 'ઈ-ટોટકા પ્રાઈવેટ લિમિટેડ'.
ફંડા એવો કે ટેકનોલોજી ગમે તેટલી આગળ વધે, અંધશ્રદ્ધા અને નજર લાગવાનો ડર ક્યારેય ઓછો થવાનો નથી!
મુશ્કેલીઓનો મહાસાગર અને સરકારી કાગળિયામાં ગુંચવાવું ફરજીયાત છે.
ધંધો શરૂ કરવાનો પહેલો નિયમ એ છે કે તમારી પાસે આઈડિયા કરતાં વધારે 'ધીરજ' હોવી જોઈએ. ચુનિલાલ જ્યારે આ બિઝનેસનું રજીસ્ટ્રેશન કરાવવા ગયા ત્યારે સરકારી ઓફિસના ક્લાર્કે ચશ્મા નીચે ઉતારીને એની સામે જોયું. ક્લાર્ક કહે, ''ભાઈ, આમાં જીએસટી કેટલા ટકા લાગે? આ લીંબુ કૃષિ પેદાશમાં આવે અને મરચાં મસાલામાં આવે, પણ બેઉ ભેગા થઈને દોરો પરોવાય એટલે આ હેન્ડીક્રાફ્ટ (હસ્તકલા) થઈ જાય!''
લો બોલો, ધંધો શરૂ થતા પહેલા જ કાયદાકીય ગૂંચવાડો એવો થયો કે ચુનિલાલને એમ થયું કે આના કરતાં લીંબુ સરબતની રેંકડી કરી હોત તો સારૃં થાત.
બીજી મોટી મુશ્કેલી એ છે 'ફંડિંગ' એટલે કે પૈસા લાવવા ક્યાંથી? રોકાણકારો (ઇન્વેસ્ટર્સ) પાસે જાવ એટલે એવા એવા સવાલો પૂછે કે તમને તમારા પોતાના નામ પર શંકા થવા લાગે. ''તમારો બર્ન રેટ શું છે? આગામી પાંચ વર્ષનો પ્રોજેક્શન ગ્રોથ કેટલો?'' ચગનલાલ કહે, ''સાહેબ, બર્ન રેટનું તો ખબર નથી પણ જો આ ધંધો ન ચાલ્યો તો પપ્પા મને ઘરની બહાર કાઢીને સળગાવી દેશે એટલું નક્કી છે!'' રોકાણકારો તો ઠીક, બેંકવાળા લોન આપવા માટે જે ડોક્યુમેન્ટ્સ માંગે છે, તે જોઈને એમ થાય કે આના કરતાં સલમાન ખાનના લગ્ન કરાવવા સહેલા છે. એમને તમારા દાદાના જમાનાનું લાઈટ બિલ અને સાત પેઢીના કુંડળી-આધારકાર્ડ પણ જોઈતા હોય છે.
''નોકરીમાં માત્ર એક જ બોસ હોય છે, પણ બિઝનેસમાં તમારી દુકાને આવતો દરેક ગ્રાહક પોતાને તમારો બોસ સમજે છે!'' માર્કેટિંગના લોચા અને અતરંગી ફંડા લોહી પી જાય.
આજકાલ જ્યાં સુધી તમે સોશિયલ મીડિયા પર નાચગાન ન કરો ત્યાં સુધી તમારી પ્રોડક્ટ વેચાતી નથી. ચુનીલાલે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવવાનું શરૂ કર્યું. એક રીલમાં એ લીંબુ-મરચાં પકડીને બોલિવૂડના ગીત પર ડાન્સ કરતો હતો. પરિણામ એ આવ્યું કે લોકોએ લીંબુ ખરીદવાને બદલે એને મેન્ટલ હોસ્પિટલના એડ્રેસ કમેન્ટમાં મોકલવાનું શરૂ કરી દીધું. અતરંગી ધંધાનો આ જ પ્રોબ્લેમ છે, કાં તો તમે રાતોરાત સ્ટાર બની જાવ અથવા રાતોરાત સોસાયટીના વોચમેન પણ તમારી સામે જોઈને હસવા લાગે.
એક નવો ફંડો આવ્યો કે બિઝનેસમાં 'યુનિક સેલિંગ પ્રપોઝિશન' હોવું જોઈએ. એટલે ચુનિલાલે નવો નુસખો કાઢ્યોઃ ''અમાસની રાત્રે મંત્રેલા સ્પેશિયલ પ્રીમિયમ લીંબુ-મરચાં!'' આ સાંભળીને સોસાયટીના કૂતરાઓ પણ એની ઓફિસની બહાર આવીને ભસવા લાગ્યા.
ધંધો વધારવા માટે એણે કસ્ટમર કેર પણ શરૂ કર્યું. એક દિવસ એક ગ્રાહકનો ફોન આવ્યો, ''ભાઈ, તમારા લીંબુ-મરચાં લટકાવ્યા પછી પણ મારી પત્ની મારી સાથે ઝઘડો કરે છે, તમારી પ્રોડક્ટ નકામી છે!'' હવે આનો શું જવાબ આપવો? ચગનલાલે શાંતિથી કહૃાું, ''સર, આ નજર ઉતારવા માટે છે, નસીબ કે નજર બદલવા માટે નથી. પત્નીના ઝઘડા સામે તો બ્રહ્માંડનું કોઈ લીંબુ કામ ન આવે!''
બીજું કે જો તમારે નવો બિઝનેસ શરૂ કરવો હોય અને આ મગજમારીમાંથી બચવું હોય, તો મારી પાસે કેટલાક જોરદાર ફન્ની સોલ્યુશન્સ છે.
પહેલું સોલ્યુશનઃ ધંધાનું નામ એવું અઘરૃં રાખો કે અડધા લોકોને બોલતા જ ન આવડે. નામ સાંભળીને જ લોકો ઇમ્પ્રેસ થઈ જવા જોઈએ. જેમ કે, 'ગ્લોબલ હાઇડ્રોજન બેવરેજીસ' (સાદી ભાષામાં સોડાની દુકાન!).
બીજું સોલ્યુશનઃ ઓફિસમાં બે-ચાર ચાર્ટ્સ અને ગ્રાફ લટકાવી દો, જેમાં લીટીઓ ઉપર જતી હોય. ભલે એ ગ્રાફ તમારા વજનનો હોય, પણ આવનારને એમ લાગવું જોઈએ કે કંપની પ્રગતિ કરી રહી છે.
ત્રીજું અને સૌથી બેસ્ટ સોલ્યુશનઃ જ્યારે ગ્રાહક ઉધાર માંગે ત્યારે બોર્ડ મારી દેવાનું કે ''આજે રોકડા, કાલે ઉધાર''. અને જો કોઈ વધારે જીદ કરે તો એને કહેવાનું કે ''અમારી કંપની પોલિસી મુજબ ઉધાર લેનાર વ્યક્તિએ જામીન તરીકે પોતાની સાસુને ઓફિસમાં મૂકી જવી પડશે.'' આ ઉપાય પછી ગ્રાહક ક્યારેય ઉધાર નહીં માંગે અને વ્યાજ સહિત રોકડા ચૂકવી જશે, એની ગેરંટી!
અંતે તો એટલું જ કહેવાનું કે નવો બિઝનેસ શરૂ કરવો એ એક રોલરકોસ્ટર રાઇડ જેવું છે. શરૂઆતમાં પેટમાં ફાળ પડે, અધવચ્ચે ચીસો નીકળી જાય, પણ જો એકવાર ગાડી પાટા પર ચડી ગઈ તો પછી પવનની લહેરોની જેમ મજા પડી જાય છે.
વિચારવાયુઃ- સ્ટાર્ટઅપ નામ છે. સરખું સ્ટાર્ટ ન થાય તો ડાઉન પણ જાય. ટૂંકમાં કહું તો લગ્ન જેવું.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial