Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક સાથે ચાર સિસ્ટમ સક્રિયઃ જુદા જુદા એલર્ટ અપાયા
અમદાવાદ તા. ૩૦: ગુજરાતમાં ૭ જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ અપાયુ છે. ફરી એકવાર મેઘરાજા ઘમરોળશે, તેવી સંભાવના જણાવાઈ છે. આજથી રાજ્યમાં ૬ દિવસ સુધી મેઘાવી માહોલની આગાહી થઈ છે.
હવામાન વિભાગે (આઈએમડી) ૩૦ જુલાઈ સવારે ૧૦ વાગ્યા સુધીનું નાઉકાસ્ટ જાહેર કર્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા સહિત ૭ જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ ઍલર્ટ અપાયું છે. સીઈઓએસ દ્વારા તમામ જિલ્લા વહીવટી તંત્રને હાઈઍલર્ટ પર રાખી, જોખમી માળખાં હટાવવા અને જર્જરિત મકાનોમાંથી સ્થળાંતર સહિતના સુરક્ષાત્મક પગલાં લેવા આદેશ કરાયા છે. રાહત-બચાવ ટુકડીઓ સજ્જ રખાઈ છે. વિવિધ વિસ્તારોમાં વરસાદની તીવ્રતાને ધ્યાનમાં રાખીને ઓરેન્જ, યલો અને ગ્રીન ઝોનમાં જિલ્લાઓને વિભાજિત કરવામાં આવ્યા છે. બીજી તરફ, સંભવિત અતિભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા તમામ જિલ્લા વહીવટી તંત્રને હાઈઍલર્ટ કરી દેવામાં આવ્યું છે.
ઉત્તર ગુજરાતના સીમાવર્તી વિસ્તારો અને પૂર્વ-દક્ષિણ પટ્ટીના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર ઓરેન્જ ઍલર્ટ છે.
મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને કેટલાક સ્થળે ભારે વરસાદની સંભાવના સાથે યલો ઍલર્ટ જારી કરાયું છે. જેમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નર્મદા, તાપી,ડાંગ, નવસારી, વલસાડ અને દાદરા અને નગર હવેલી યલો ઍલર્ટ છે. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં હાલ પૂરતી ભારે વરસાદની ચેતવણી નથી અને આ વિસ્તારો ગ્રીન ઝોનમાં દર્શાવવામાં આવ્યા છે.
આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતાને પગલે રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે તમામ જિલ્લાના મામલતદાર (ડીઝાસ્ટર) અને કલેક્ટરશ્રીઓને સુરક્ષાત્મક પગલાં લેવા આદેશ આપ્યા છે.
ગુજરાતમાં એક સાથે વરસાદની ચાર સિસ્ટમ સક્રિય થતા આજરોજ ૩૦ જુલાઈથી ફરી વરસાદી માહોલ જામશે. આગામી ૬ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ દ્વારા આજરોજ (૩૦ જુલાઈ) સુરત સહિત ૭ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો ૩૧ જુલાઈએ અમદાવાદ, વડોદરા, સુરત સહિત ૮ જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે.
છેલ્લા ૨૪ કલાકમાં ૫૦ તાલુકામાં ૧ મિમીથી લઈને દોઢ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ દાહોદના સંજેલીમાં ૧.૩૮ ઇંચ, સિંગવડમાં ૧.૦૬ અને મહીસાગરના લુણાવાડામાં પણ એક ઈંચ વરસાદ નોંધાયો છે. ધોલેરા પંથકમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી ચારે તરફ માત્ર પાણી જ પાણી જોવા મળી રહૃાું છે.
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં રાહત કમિશનર ગૌરાંગ મકવાણાના અગ્રસ્થાને 'વેધર વોચ ગ્રુપ'ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યમાં વરસાદી પરિસ્થિતિ અને આપત્તિ વ્યવસ્થાપન માટે વહીવટી તંત્રની તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. રાહત કમિશનરે તમામ સંકલિત વિભાગોને સાધનો તથા ટીમોનું મેપિંગ કરી તુરંત એક્શન મોડમાં રહેવા, માર્ગ-મકાન વિભાગને જર્જરિત મકાનો અને હોર્ડિંગ્સ હટાવવા તેમજ કાચા મકાનો અને ઝૂંપડપટ્ટીમાં રહેતા નીચલા સ્તરના લોકો સુધી આપત્તિના સંદેશા સમયસર પહોંચાડી એક્સ્ટ્રા કેર લેવા આદેશ આપ્યા હતા.
બેઠક દરમિયાન રાહત કમિશનરે જણાવ્યું હતું કે રાજ્યમાં વિષમ વરસાદી પેટર્ન જોવા મળી રહી છે, જ્યાં વલસાડ-નવસારીમાં ૧૦૦ ટકા જેટલો વરસાદ નોંધાયો છે અને ધોળકામાં ટૂંકા સમયમાં ૨૦ ઈંચ જેટલો અભૂતપૂર્વ વરસાદ પડ્યો છે. આવી પરિસ્થિતિને ધ્યાને રાખીને તમામ કલેક્ટરો અને આપત્તિ વ્યવસ્થાપન ટીમોને હાઈ એલર્ટ કરાયા છે. સુરક્ષા દળોના સંકલનથી દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ પહેલાં અગાઉથી અંદાજે ૫૩,૬૦૦થી વધુ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે તથા પૂરના પાણીમાં ફસાયેલા ૯,૬૦૦થી વધુ લોકોને સફળતાપૂર્વક ઉગારી લેવામાં આવ્યા છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ.કે દાસના જણાવ્યા મુજબ, રાજ્યમાં વીજળીના કડાકા-ભડાકા સાથે થંડરસ્ટોર્મની વોર્નિંગ ૧ ઓગસ્ટ સુધી આપવામાં આવી છે. દરિયાઈ વિસ્તારમાં પવનની દિશા દક્ષિણ-પશ્ચિમ દિશા તરફ રહેશે અને તીવ્ર પ્રેશર ગ્રેડિયન્ટના કારણે મજબૂત પવનની સ્થિતિ રહેશે, જેમાં પવનની ગતિ ૨૦થી ૨૫ નોટ્સ રહેશે. ભારે પવનની સંભાવનાથી ૧ ઓગસ્ટ સુધી માછીમારો માટે વોર્નિંગ જારી કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial