Advertisement
Author: નોબત સમાચાર

ફાયનાન્સનું લાયસન્સ રીન્યુ કરવા રૂ।.૧૪ હજારની લાંચની માંગઃ અધિકારી અને પ્રજાજન ઝડપાઈ ગયા

ગ્રેડ વનના અધિકારીની શોધઃ ઓનલાઈન ચૂકવાઈ લાંચઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જામનગરના એક આસામીએ ફાયનાન્સ અંગેનું લાયસન્સ રીન્યુ કરવા જિલ્લા રજીસ્ટ્રાર કચેરીમાં અરજી કરતા તેમની પાસે રૂ।.૧૪ હજારની લાંચ મંગાઈ હતી. એસીબીમાં તેની ફરિયાદ થયા પછી બે અધિકારી વતી રૂ।.૧૪ હજાર સ્વીકારતા એક પ્રજાજન ઝડપાયા હતા. આ શખ્સ ઉપરાંત એક અધિકારીની ધરપકડ કરાઈ છે અને એકની શોધખોળ કરાઈ રહી છે.

જામનગરના એક આસામીએ નાણા ધીરધાર (ફાયનાન્સ) અંગેનું લાયસન્સ રીન્યુ કરવા માટે થોડા દિવસ પહેલાં જામનગરની જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીમાં અરજી કરી હતી. આ વેળાએ ત્યાં મળી ગયેલા આર્યસમાજ રોડ પર આવેલા ગુલાબબાગ એપાર્ટમેન્ટમાં રહેતા નિલેશ જગદીશભાઈ છાપીયા નામના શખ્સે લાયસન્સ રીન્યુ માટે રૂ।.૧૪ હજાર સહકારી મંડળી (ન.જ.)ના ઓડીટર અને ગ્રેડ વનના અધિકારી એમ.એન. જેઠવા તથા જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીના કુટીરના સબ ઓડીટર દિગ્વિજયગીરી ભૂપતગીરી ગોસાઈને લાંચ પેટે આપવા પડશે તેમ કહ્યું હતું. તેથી આ આસામીએ કચેરીએ રૂબરૂ જઈ એમ.એન. જેઠવાનો સંપર્ક કર્યાે હતો.

આ વેળાએ એમ.એન. જેઠવાએ આ પૈસા નિલેશ છાપીયાને આપી દેવા માટે કહ્યું હતું. તેથી આ આસામીએ જામનગર એસીબીમાં તેની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે છટકુ ગોઠવવામાં આવ્યું હતું.

છટકાના ભાગરૂપે ગઈકાલે આ આસામી નિલેશ છાપીયાને મળ્યા હતા અને તેઓએ રૂ।.૧૪ હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરી આપવા માટે તૈયારી બતાવતા નિલેશે તે રકમ પોતાના ખાતામાં યુપીઆઈથી જમા કરાવી દેવા કહ્યું હતું તેથી ફરિયાદીએ રૂ।.૧૪ હજાર ગૂગલ પેથી મોકલી આપ્યા હતા અને નિલેશભાઈને તેની વિગત આપી હતી જેના પગલે નિલેશે રૂ।.૧૪ હજાર આવી ગયા છે તેમ કહી દિગ્વિજય ગીરી ભૂપતગીરીને લાયસન્સ રીન્યુ કરી આપવાનંુ કહી દીધુ હતું ત્યારે જ એસીબી ટીમ આવી પહોંચી હતી.

ઉપરોક્ત શખ્સોમાંથી નિલેશ છાપીયા તથા દિગ્વિજયગીરીની સ્થળ પરથી અટકાયત કરી લેવામાં આવી હતી અને ઓડીટર એમ.એન. જેઠવાની શોધ શરૂ કરાઈ હતી. ત્રણેય સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે. રાજકોટ સ્થિત એસીબીના મદદનીશ  નિયામક જે.ડી. મેવાડાની સૂચનાથી અને ઈન્ચાર્જ બલદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ જામનગર એસીબીના પીઆઈ એ.આર. ગોહિલ તથા ટીમે આ કાર્યવાહી કરી હતી. ઝડપાયેલા બંને આરોપીના રિમાન્ડ માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh