Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જૂના પ્રેમી સાથે મળી કાવતરૂ રચ્યું: પ્રેમીના મિત્રએ મદદગારી કરીઃ બે વર્ષથી ગુમ યુવાનની અંતે ભાળ મળીઃ
જામનગર તા. ૩૦: જામનગર નજીકના દરેડમાં આવેલા શિવમ્ પાર્ક સ્થિત એક કારખાનામાં બે વર્ષ અને બે મહિના પહેલા એક યુવાનના મૃતદેહને દફનાવી દેવાયાની વિગતો પોલીસ સુધી પહોંચતા ચોંકી ઉઠેલી પોલીસે ગઈકાલે એક સ્થળે સતત ૧૨ કલાક સુધી ખોદકામ કરાવતા બારેક ફૂટ ઉંડા ખાડામાંથી નરકંકાલ મળી આવ્યું છે તેને ફોરેન્સિક તપાસ માટે મોકલાયું છે જે યુવાનનું મૃત્યુ થયું છે તે યુવાનના પત્ની તથા તેના પ્રેમી અને પ્રેમીના મિત્રની પોલીસે ધરપકડ કરી છે. લવમેરેજ કરનાર યુવતીએ લગ્ન પહેલાં જ સંપર્કમાં રહેલા જૂના પ્રેમી સાથે મળી પોતે જ્યારે ગર્ભવતી હતી ત્યારે પ્રેમી સાથે મળી પતિને દારૂમાં કાતિલ ઝેર પીવડાવી દઈ મોતને ઘાટ ઉતાર્યા પછી મૃતદેહનો આ ખાડામાં નિકાલ કર્યાનું ખૂલતા ખળભળાટ મચ્યો છે. ત્રણેય આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે.
જામનગર સહિત રાજ્યભરના સંસ્કારી ૫રિવારોને હચમચાવી દેનાર આ બનાવની વધુ વિગત મુજબ જામનગરના હાપા પાસે મોટરના એક શો-રૂમ પાછળ મુખ્યમંત્રી આવાસની એ-વીંગમાં સાતમા માળે બ્લોક નં.૭૦૨માં વસવાટ કરતા અશોકભાઈ ધરમશીભાઈ માવદીયા નામના પ્રજાપતિ પ્રૌઢે આ બાબતની પોલીસ ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું છે કે, પોતાના ભાઈ જીજ્ઞેશભાઈ ધરમશીભાઈ માવદીયાના લગ્ન થોડા વર્ષ પહેલા મૂળ દ્વારકાની પૃથ્વી ઉર્ફે ભૂમિ નામની યુવતી સાથે થયા પછી ગઈ તા.૩૧-૫-૨૦૨૪ના દિવસે ભૂમિ તેમજ તેના પ્રેમી નિલેશ મનસુખભાઈ કછટીયાએ જીજ્ઞેશભાઈની હત્યા નિપજાવી હતી અને નિલેશે પોતાના સાગરિત બલવીર દેવીરામ વર્મા સાથે મળી જીજ્ઞેશભાઈના મૃતદેહને દરેડ જીઆઈડીસીમાં આવેલા શિવમ્ પાર્ક-૬માં શેરી નં.૧૨/ બીમાં અંદાજે બારેક ફૂટ ઉંડો ખાડો ખોદી તેમાં મૃતદેહ દફનાવી દીધો હતો.
જીજ્ઞેશભાઈ તથા પૃથ્વી ઉર્ફે ભૂમિના લગ્ન થયા પછી આ દંપતીને સંતાનમાં પુત્રીની પ્રાપ્તિ થઈ હતી. પ્રેમલગ્ન કરનાર આ દંપતી દરેડમાં વસવાટ કરતું હતું. તે દરમિયાન જીજ્ઞેશભાઈ ગુમ થઈ જતા તેમના ભાઈ અશોકભાઈ તથા અન્ય પરિવારજનો તેની શોધખોળ કરતા હતા. તે દરમિયાન ભૂમિનો સંપર્ક કરવામાં આવતા તેણીએ નોકરી માટે જીજ્ઞેશભાઈ ઓસ્ટ્રેલીયા ગયા હોવાનંુ જણાવી દીધુ હતું.
શરૂઆતમાં ભૂમિ દ્વારા જણાવવામાં આવ્યું તે માની લેવામાં આવ્યું હતું પરંતુ બે વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં જીજ્ઞેશ સાથે વાત થતી ન હોય તેના ભાઈ અશોકભાઈ સહિતના પરિવારજનો વહેમાયા હતા. તે દરમિયાન જીજ્ઞેશભાઈના પિતરાઈ ભાઈ કામ અર્થે ઓસ્ટ્રેલીયા જવાના હોવાથી ફરીથી ભૂમિનો સંપર્ક કરાયો હતો અને જીજ્ઞેશનો સંપર્ક નંબર આપવા માટે કહેવાતા ભૂમિએ જે કંપનીમાં જીજ્ઞેશ નોકરી કરે છે ત્યાં મોબાઈલ એલાઉડ નથી તેમ જણાવી વાતને ટાળવાનો પ્રયાસ કર્યાે હતો. તેથી અશોકભાઈ સહિતના વ્યક્તિઓને કંઈક અજુગતું બન્યું હોવાની આશંકા પ્રબળ બનવા પામી હતી અને ગયા રવિવારે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અશોકભાઈએ પોતાના ભાઈ જીજ્ઞેશભાઈ બે વર્ષથી લાપતા હોવાની જાણ કરી હતી. જેના પગલે આ યુવાનનો ફોટો, વર્ણન વગેરે મેળવી તપાસ શરૂ કરાઈ હતી.
આ બનાવમાં પોલીસે તપાસ દરમિયાન પૃથ્વી ઉર્ફે ભૂમિબેનનો સંપર્ક કરતા તેણીએ કરેલી વાતચીતમાં પણ અજુગતું બન્યાની પોલીસને ગંધ આવી હતી તેથી આ મહિલાની વિશેષ ઢબે પૂછપરછ શરૂ કરાઈ હતી. જેમાં આ ચોંકાવનારા બનાવ પરથી પરદો ઉંચકાયો હતો.
પોલીસ સમક્ષ આ યુવતીએ જણાવ્યા મુજબ જીજ્ઞેશ તથા તેણીના પ્રેમલગ્ન હતા. બનાવ વખતે ભૂમિ પ્રેગનન્ટ હતી. તે દરમિયાન ભૂમિનો સંપર્ક તેના અગાઉના પ્રેમી નિલેશ મનસુખભાઈ કછેટીયા સાથે ફરીથી સ્થપાયો હતો. લગ્ન પહેલાં નિલેશ સાથે સંપર્કમાં રહેલી ભૂમિએ તે પછી જીજ્ઞેશ સાથે લવમેરેજ કર્યા હતા. તે વખતે શરૂઆતના દિવસોમાં નિલેશ તથા ભૂમિનો સંપર્ક તૂટ્યો હતો જે થોડા સમય પછી ફરીથી જોડાયો હતો અને આ ખતરનાક કાવતરાને અંજામ આપવાનું આ પ્રેમીયુગલે નક્કી કરી લીધુ હતું.
ભૂમિ તથા નિલેશે આડખીલીરૂપ બનતા જીજ્ઞેશને હટાવી દેવા માટે કારસો રચ્યા પછી જીજ્ઞેશના પરિચયમાં પણ આવેલા નિલેશે એક દિવસે જીજ્ઞેશને દારૂની મહેફિલ માટે આમંત્રણ આપ્યું હતું. કાવતરા અંગે કંઈ ન જાણતા જીજ્ઞેશને દારૂના ગ્લાસમાં અગાઉથી અત્યંત પ્રાણઘાતક એવા સાઈનાઈડ ઝેરમાં દારૂ ભેળવી પીવડાવી દેવાયો હતો અને સાઈનાઈડ પેટમાં જતા જ જીજ્ઞેશનું તરફડીને મૃત્યુ નિપજ્યું હતું.
ત્યારપછી ભૂમિ તથા નિલેશે મૃતદેહને ઠેકાણા પાડવા માટે અગાઉથી નક્કી થયા મુજબ નિલેશના મિત્ર બલવીરનો સાથ લીધો હતો. આ વ્યક્તિઓએ એક કારખાનામાં મશીન ફીટ કરવાનું છે તેમ કહી કેટલાક મજૂરોને કામ પર બોલાવ્યા હતા અને શિવમ્ પાર્ક-૬માં નિલેશ કછેટીયાએ ભાડે રાખેલા કારખાનામાં મજૂરો આવ્યા હતા અને તેઓએ નિલેશ તથા બલવીરના કહેવા મુજબ મશીનના ઈન્સ્ટોલેશન માટે ફાઉન્ડેશનનો ખાડો ખોદી આપ્યો હતો તે ખાડામાં જીજ્ઞેશના મૃતદેહને દફનાવી દઈ તેની માથે માટી, પથ્થર વગેરે નાખી દઈ સિમેન્ટથી સ્લેબ પણ બનાવી નખાયો હતો. આવી રીતે જીજ્ઞેશના મૃતદેહનો નિકાલ કરી નખાયો છે તેમ પોલીસ સમક્ષ ભૂમિએ કબૂલી લેતા સિટી બી ડિવિઝનના પીઆઈ એન.એમ. ગઢવી ચોંકી ગયા હતા. તેઓએ તરત જ સિટી ડીવાયએસપીનો સંપર્ક કર્યા પછી એલસીબી પીઆઈ વી.બી. ચૌધરી અને પંચકોશી બી ડિવિઝનના પીઆઈ વી.જે. રાઠોડ સહિતની ટીમ હરકતમાં આવી હતી.
આ મહિલાએ જે સ્થળે નિલેશનું ભાડાનું કારખાનુ હતું તે સ્થળે ધસી જઈ ગઈકાલે સવારથી બ્રેકર સાથેના મજૂરોને ખાડો ખોદવા માટે સૂચના આપી હતી અને સવારના ૧૦ વાગ્યાથી રાત્રિના ૧૦ વાગ્યા સુધી ખોદકામ કરાતા બારેક ફૂટ ઉંડા ખાડામાંથી જીજ્ઞેશના મૃતદેહના અવશેષો-કંકાલ મળી આવ્યા હતા.
એકદમ કઠોર રીતે આચરવામાં આવેલા આ અપરાધ અંગે વિગતો જાણી પોલીસ પણ ચોંકી ગઈ છે. પોલીસે કંકાલને તપાસણી માટે ફોરેન્સિક લેબમાં મોકલી આપવા ઉપરાંત આરોપીઓની ધરપકડ માટે તજવીજ કર્યા પછી આજે સવારે આરોપી ભૂમિબેન ઉર્ફે પૃથ્વીબેન તેમજ તેના પ્રેમી નિલેશ કછેટીયા અને સાગરિત બલવીર વર્માની ધરપકડ કરી છે.
ઉપરોક્ત બનાવે જામનગર શહેર તથા રાજ્યભરમાં અરેરાટી પ્રસરાવી દીધી છે. સંભવિતઃ રીતે આ રીતે પ્રેમી સાથે મળી પતિને પતાવી દઈ ઉંડો ખાડો ખોદી તેના મૃતદેહનો નિકાલ કરવાનો પ્રથમ બનાવ જિલ્લામાં નોંધાયો છે. પોલીસે ત્રણેય આરોપીઓના રિમાન્ડ માટે તજવીજ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial