Advertisement
Author: નોબત સમાચાર

આગામી પાંચ વર્ષમાં અયોધ્યા વિશ્વનું સૌથી મોટું ધાર્મિક પ્રવાસન સ્થળ બનશે!

આગામી વર્ષોમાં મક્કા અને વેટિકનથી પણ વધુ સંખ્યામાં ભક્તો અયોધ્યામાં આવશે!

                                                                                                                                                                                                      

જય શ્રી રામ

નવા અંગ્રેજી વર્ષના સૌ વાચકો અને ચાહકોને રામ રામ.

નવા વર્ષના પ્રથમ અંકમાં ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યાનો આંખે દેખ્યો અહેવાલ રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. આઝાદીના સંગ્રામ બાદ સૌથી ગાજેલો ને મોટા પરિવર્તનો લાવતો મુદ્દો.. એટલે ઉત્તર પ્રદેશના બાબરી મસ્જિદ અને રામ મંદિર નિર્માણ કહી શકાય. ભારતમાં કોંગ્રેસ રાજનો અંત અહીથી શરૂ થયો. 'મંદિર વહીં બનાએંગે' ના નારા સાથે લાલકૃષ્ણ અડવાણી અને નરેન્દ્ર મોદીની રાજકીય યાત્રાની સફળ શરૂઆત થઈ હતી તેમ કહી શકાય. લાલજી મહારાજના રાજકીય રથનું પૈડું તો જમીનમાં ખૂંપી ગયું અને નરેન્દ્ર મોદી એ દિલ્હીની ગાદી સર કરી લીધી!

અયોધ્યા

ઉત્તર પ્રદેશના પર્યટન પર રામ મંદિરની બહુ મોટી અસર થઈ છે. બાબરી મસ્જિદ સમયે રડ્યા ખડ્યા હિન્દુઓ અહી ભાગ્યેજ આવતા હતા. રામલલ્લા નાના મંદિરમાં બિરાજતા હતા. ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ ના રામ મંદિરના ઉદ્દઘાટનથી અયોધ્યા ભારતના મુખ્ય ધાર્મિક પર્યટન સ્થળમાં નાટ્યાત્મક રીતે પરિવર્તિત થયું છે, જેના કારણે મુલાકાતીઓ અને આર્થિક પ્રવૃત્તિઓમાં અભૂતપૂર્વ જંગી વધારો થયો છે. ઉદ્દઘાટન બાદ મુલાકાતીઓની સંખ્યામાં જંગી વધારો થયો છે. ૨૦૨૦માં, અયોધ્યા જિલ્લામાં લગભગ ૨ કરોડ મુલાકાતીઓ આવ્યા હતા. ૨૦૨૨-૨૦૨૩ સુધીમાં, ચાલુ બાંધકામ અને અપેક્ષાને કારણે આ સંખ્યા વાર્ષિક આશરે ૪ કરોડ થઈ ગઈ હતી. આજે તે વર્ષિક ૫ થી ૬ કરોડ સુધી પહોંચી ગઈ છે.

ઉદ્દઘાટન પછી ૨૦૨૪માં સમગ્ર દેશમાં અયોધ્યા ધાર્મિક ભક્તોમાં છવાઈ ગયું. લોકોમાં અદમ્ય ઉત્સાહને કારણે અયોધ્યામાં આશરે ૧૩ થી ૧૪ કરોડ મુલાકાતીઓ નોંધાયા, જે તેને ઉત્તર પ્રદેશનું સૌથી વધુ મુલાકાત લેવાયેલું સ્થળ બનાવ્યું. તાજમહેલ (૧૩ કરોડ મુલાકાતીઓ)ને વટાવી ગયું.

અમે ડિસેમ્બરમાં ત્યાં મુલાકાત લીધી ત્યારે મને ઓકટોબર સુધીની વિગતો જાણવા મળી, જેમાં ઓક્ટોબર ૨૦૨૫ના મધ્ય સુધીમાં, મુલાકાતીઓની સંખ્યા ૨૨ કરોડને વટાવી ગઈ હતી. મંદિરના સંચાલકોના જણાવ્યા અનુસાર આખા વર્ષ માટે ૪૦ કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે. દૈનિક સરેરાશ હવે એક લાખથી લઈને દોઢ લાખ ભક્તોની વચ્ચે છે.

૨૦૨૪ ના પહેલા ભાગમાં, ૧૧ કરોડથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી, જે ઉત્તર પ્રદેશના કુલ પ્રવાસનનો એક તૃતીયાંશ હિસ્સો છે. ભક્તોના ધસારાએ અયોધ્યાને વેટિકન (૯ કરોડ વાર્ષિક) અને મક્કા (૩ કરોડ) જેવા વૈશ્વિક સ્થળો કરતા આગળ રાખ્યું છે, નિષ્ણાતોની આગાહી છે કે તે લાંબાગાળે વાર્ષિક ૫ કરોડથી વધુ આકર્ષિત કરી શકે છે.

કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ સરકારને આશા છે કે, આગામી પાંચ વર્ષમાં આયોધ્યાનું રામ મંદિર મુલાકાતીઓની સંખ્યાની બાબતમાં તાજમહાલ અને મક્કાને કાયમ માટે પાછળ રાખી દેશે! વિશ્વનું પ્રથમ શહેર બની જશે.

સરખામણી

ગુજરાતમાં હિન્દુ ધર્મના બે મોટા સ્થળો આવ્યા છે. સોમનાથમાં જ્યોતિર્લિંગ અને ભગવાન શ્રી કૃષ્ણની રાજધાની દ્વારકામાં આવી છે. મુલાકાતીઓની સંખ્યા ધારવા માટે બે માપદંડો જોવા જરૂરી છે. દ્વારકામાં મૂલાકાતીઓના મોબાઈલ અને કિમતી સમાન સાચવવા માટે ચારથી પાંચ કાઉન્ટર છે. સોમનાથમાં ૧૦ થી ૧૫ કાઉન્ટર છે. જ્યારે આયોધ્યાના રામ મંદિરમાં મોબાઈલ અને કિમતી સામાન સાચવવા માટે ૫૦ થી વધુ કાઉન્ટર છે. અમે સોમવાર જેવા આડા દિવસે ત્યાં મુલાકાત લીધી ત્યારે પણ આ કાઉન્ટર ઉપર લાંબી કતારો હતી અને ૧૫ થી ૨૦ મિનિટ પછી વારો આવતો હતો! દેશમાં વેકેશન નથી, જાહેર તહેવાર નથી, રામના જીવનનો કોઈ મહત્ત્વનો દિવસ નથી, છતાં સોમવારે ભારે ધસારો હતો.

મંદિર સંચાલકોના જણાવ્યા અનુસાર મહત્ત્વના દિવસોમાં ભીડને કાબૂ કરવી બહુ મુશ્કેલ હોય છે. પરિસ્થિતિ સામાન્ય બને ત્યારે સફાઇ કરવામાં આવે ત્યારે એક ટ્રેક્ટર ભરાય તેટલા જૂતા-ચપ્પલ લાવારીશ હાલતમાં મળે છે. જે ભક્તો ગીર્દીને કારણે જ્યાં ત્યાં છોડીને જતા રહે છે!

આર્થિક અસર

૨૦૨૮ સુધીમાં અયોધ્યાનું પ્રવાસન અર્થતંત્ર ૧૮,૦૦૦-૨૦,૦૦૦ કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે, જે ઉત્તર પ્રદેશના ૧ ટ્રિલિયન ડોલરના અર્થતંત્રના લક્ષ્યમાં નોંધપાત્ર યોગદાન આપશે. રાજ્યવ્યાપી, પ્રવાસન ખર્ચ વાર્ષિક ૪ લાખ કરોડથી વધુ થઈ શકે છે.

વ્યાપક અસરોઃ ધાર્મિક પ્રવાસનથી આતિથ્ય, છૂટક વેચાણ, પરિવહન અને નોકરીઓમાં વધારો થયો છે. નવી માળખાકીય સુવિધાઓમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, નવીનીકરણ કરાયેલ રેલ્વે સ્ટેશન, વિસ્તૃત રસ્તાઓ અને ડઝનબંધ હોટલનો સમાવેશ થાય છે. આનાથી હજારો રોજગારની તકો ઉભી થઈ છે અને હસ્તકલા અને ખાદ્ય સેવાઓ જેવા સંબંધિત ક્ષેત્રોને ઉત્તેજન મળ્યું છે.

રામ મંદિરે માત્ર આધ્યાત્મિક યાત્રાધામને પુનજીર્વિત કર્યું નથી પરંતુ અયોધ્યાને વૈશ્વિક પ્રવાસન કેન્દ્ર તરીકે પણ સ્થાપિત કર્યું છે.

રાજકારણ

લોકશાહીમાં દરેક કાર્યોનો સીધો ઉદ્દેશ ચૂંટણી જીતવાનો હોય તે સ્વાભાવિક હોય. પરંતુ નરેન્દ્ર મોદી માટે અયોધ્યા ખોટનો ધંધો થયો હોય તેવું પહેલી નજરે લાગે છે. અયોધ્યા ક્ષેત્રમાં રામ મંદિર નિર્માણ બાદ ૨૦૨૪માં થયેલી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં આશ્ચર્યજનક રીતે આ બેઠક ભાજપ હારી ગયું.

૨૦૨૪ની ભારતીય સામાન્ય ચૂંટણીમાં, સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અવધેશ પ્રસાદે ફૈઝાબાદ લોકસભા બેઠક જીતી હતી,  ફૈઝાબાદ બેઠક અયોધ્યાને આવરી લે છે. રામ મંદિરના હાઇ-પ્રોફાઇલ ઉદ્દઘાટનના થોડા મહિના પછી જ આ એક મોટી રાજકીય ઉથલપાથલ માનવામાં આવે છે.

૨૦૨૪ સંસદીય ચૂંટણીમાં અવધેશ પ્રસાદ (સમાજવાદી પાર્ટી) ભાજપના બે વખતના સાંસદ લલ્લુ સિંહ (ભારતીય જનતા પાર્ટી) સામે ૫૪,૫૬૭ મતથી જીતી ગયા. યોગી આદિત્યનાથ અને સ્થાનિક લોકોમાં લલ્લુ સિંહ સામે ભારે રોષ હોવા છતાં અમિત શાહના આગ્રહથી તેને ટિકિટ આપવામાં આવી હતી.

૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં, ઉત્તર પ્રદેશમાં એક મોટું રાજકીય પરિવર્તન જોવા મળ્યું, કારણ કે સમાજવાદી પાર્ટી રાજ્યમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી, તેણે ૮૦ માંથી ૩૭ બેઠક જીતી. સપા અને કોંગ્રેસ ગઠબંધનના નેતૃત્વ હેઠળના ઈન્ડિયા બ્લોકે સામૂહિક રીતે ૪૩ બેઠક જીતી, એનડીએની ૩૬ બેઠકોની સંખ્યાને વટાવી દીધી.

૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં, ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને ઉત્તર પ્રદેશમાં નોંધપાત્ર પરાજયનો સામનો કરવો પડ્યો, જે રાજ્યમાં તેનું એક દાયકા સુધી પ્રભુત્ત્વ હતું. જ્યારે પાર્ટી એક મુખ્ય શક્તિ રહી. આ ચૂંટણીમાં તેની બેઠકોની સંખ્યા અને મત હિસ્સામાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો.

ભાજપે લડેલી ૭૫ બેઠકોમાંથી ૩૩ બેઠકો જ જીતી શકી હતી. ૨૦૧૯માં ૬૨ બેઠકો પર જીતી હતી.

ઉત્તર પ્રદેશના મારા પ્રવાસ દરમિયાન જાણવા મળ્યું કે, અહી યોગી આદિત્યનાથ અને અમિત શાહ વચ્ચે રાજકીય ખેચતાણ ચાલે છે, તેને કારણે ભાજપને મોટું નુકસાન થઈ રહૃાું છે.

બાકી કામો

રામ મંદિર સંપૂર્ણ થતાં ત્યાં ધ્વજારોહણ કરવામાં આવ્યું. પરંતુ આ સમગ્ર સંકુલમાં હજુ ધમધોકાર નિર્માણ કાર્યો ચાલી રહૃાા છે. સીતા રસોઈથી લઈને પરિસરની બહાર નીકળવાના મોટાભાગના કાર્યો સંપન્ન થતાં ત્રણ વર્ષ લાગે તેમ છે. ઠેર ઠેર નિર્માણ કાર્યો ચાલતા હોવાનું જણાય છે. આ પરિસરમાં કોઈ પણ હિન્દુ મંદિરમાં હોય તેના કરતાં અતિ વિશાળ ભોજનશાળા નિર્માણ પામી રહી છે. હાલમાં, સીતા રસોઈમાં ભક્તો પ્રસાદ હાથમાં રાખી જ્યાં-ત્યાં ખાતા નજરે ચડે છે.

ડિસેમ્બર ૨૦૨૫માં, અયોધ્યામાં રામ મંદિરનું મુખ્ય બાંધકામ સત્તાવાર રીતે પૂર્ણ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિરના શિખર પર ધ્વજ (પવિત્ર ધ્વજ) ફરકાવ્યો ત્યારે એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ ઘટના બની હતી.

પ્રાથમિક ધાર્મિક માળખાં પૂર્ણ થયા પછી, કેટલાક સહાયક પ્રોજેક્ટ્સ હજુ ચાલુ છે.

હાલમાં બાંધકામ સંકુલ અને વહીવટી માળખાને પૂર્ણ કરવા તરફ આગળ વધી રહૃાું છે. સંકુલની આસપાસની ૩.૫ કિલોમીટર લાંબી બોર્ડર વોલ હજુ પણ નિર્માણાધીન છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ કાર્યાલય અને એક સભાગૃહનું બાંધકામ ચાલુ છે અને તેને પૂર્ણ થવામાં ૨૦૨૭ના અંત સુધીનો સમય લાગી શકે છે. શૌચાલય, વધારાના ગેસ્ટ હાઉસ અને કાયમી તબીબી/લોકર સુવિધાઓ જેવા પ્રોજેક્ટ્સને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહૃાું છે.

લેન્ડસ્કેપિંગનું મોટું કામ હજુ પેન્ડિંગ છે. સંકુલમાં સુંદરતા વધારવા માટે વિવિધ બગીચાઓ બની રહૃાા છે. પંચવટી નામાભિધાન સાથે ૧૦ એકરનો લીલો વિસ્તાર વિકાસ તબક્કાવાર પૂર્ણ થઈ રહૃાો છે, જેમાં મોટાભાગના લેન્ડસ્કેપિંગ ૨૦૨૭ ની શરૂઆતમાં તૈયાર થવાની અપેક્ષા છે.

રાજ્ય

ઉત્તર પ્રદેશ દેશમાં ધાર્મિક રાજધાની બની રહૃાું છે. અયોધ્યા, ચિત્રકૂટ, વારાણસી આખી સર્કિટ પ્રવાસીઓથી ધમધમે છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બહુ સરસ રીતે વિવિધ આયોજનો પાર પાડી રહૃાા છે. પ્રયાગરાજના મહાકુંભ મેળા પછી વર્તમાન સમયમાં માઘ મેળો ધામધૂમથી ઉજવાઈ રહૃાો છે, જે એક માસ ચાલશે. પ્રયાગરાજમાં માઘ મેળો ૩ જાન્યુઆરી, ૨૦૨૬ થી ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધી ત્રિવેણી સંગમમાં યોજાવાનો છે. ૪૪ દિવસના આ ઉત્સવમાં ઘણા શુભ સ્નાન (સ્નાન) દિવસોનો સમાવેશ થાય છે. માઘ સ્નાનને કારણે અયોધ્યામાં પણ ભક્તોનો પ્રવાહ મોટી સંખ્યામાં વધશે. રામ મંદિર વાર તહેવારે યાત્રિકોનું મુખ્ય આકર્ષણ રહે તે સ્વાભાવિક છે.

દાન

૨૦૨૫ના અંત સુધીમાં અયોધ્યા રામ મંદિર માટે દાન ૩,૦૦૦ કરોડ (૩૦ અબજ રૂપિયા)ને વટાવી ગયું છે, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે બાંધકામ, માળખાગત સુવિધાઓ અને વિકાસ પર લગભગ ૧,૫૦૦-૧,૮૦૦ કરોડ ખર્ચ્યા છે, જેના કારણે તે ભક્તોના યોગદાન અને વ્યાજમાંથી નોંધપાત્ર આવક સાથે ભારતના સૌથી વધુ કમાણી કરતા મંદિરોમાંનું એક બન્યું છે. ટ્રસ્ટે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે ૩૨૭ કરોડની આવક નોંધાવી હતી, જેમાં દાનમાંથી ૧૫૩ કરોડ અને વ્યાજમાંથી ૧૭૩ કરોડનો સમાવેશ થાય છે, જેમાં દૈનિક મુલાકાતીઓની સંખ્યા હજારો સુધી પહોંચી રહી છે, જે સતત યોગદાન આપી રહી છે. આ મંદિર માટે પ્રખર રામાયણી કથાકાર મોરારિબાપુ દ્વારા સૌથી વધુ રકમનું દાન કરવામાં આવ્યું છે.

'નોબત'ના તમામ વાચકો અને ચાહકોને જય શ્રી રામ

પરેશ છાંયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh