Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં રહેણાંક મકાનમાં ઘરફોડ ચોરી ઉપરાંત લૂંટ તથા વાહનચોરી આચરનાર ત્રણ શખ્સ ઝડપાયા

ચોથા સાગરિતનું એલસીબીએ નામ ઓકાવ્યું: પોણા ચાર લાખનો મુદ્દામાલ કબજેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: જામનગર એલસીબીએ બે મહિના પહેલાં રણજીતસાગર રોડ પર ઘરફોડ ચોરી અને લૂંટ તેમજ બાઈકચોરી કરનાર ગેંગના ત્રણ શખ્સને દબોચી લીધા છે. આ શખ્સોએ ચોથા સાગરિતનું નામ આપ્યું છે. રોકડ, સોના-ચાંદીના દાગીના સહિત રૂ।.૩,૮૫,૨૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ શખ્સો સામે જામનગર ઉપરાંત રાજકોટ, મોરબી, અમરેલી જિલ્લામાં ગુન્હા નોંધાયેલા છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી જે.જે. જશોદા સોસાયટીમાં વસવાટ કરતા પ્રફુલભાઈ લખમણભાઈ ભાડજા નામના આસામીના મકાનમાં ગઈ તા.૧૨-૧૦-૨૫ની રાત્રે તેમના માતા જબુબેન સૂતા હતા ત્યારે ઘરમાં ઘૂસી ગયેલા બે અજાણ્યા શખ્સે આ વૃદ્ધાને ઈજા પહોંચાડી રૂ।.૫૦ હજારના સોનાના દાગીનાની લૂંટ કરી હતી.

તે ઉપરાંત જે.જે. જશોદા સોસાયટીમાં મનોજભાઈ છગનભાઈ લીંબાસીયા નામના આસામીના મકાનમાં આગલી રાત્રે ચોરી થઈ હતી. મનોજભાઈ ઉપરના માળે સુતા હતા ત્યારે મકાનના નીચેના ભાગમાં દરવાજાના નકૂચા તોડી બે શખ્સે રોકડ રકમ, ડાયમંડ જવેલ્રી, સાડીઓ ચોરી કરી હતી અને બાજુમાં આવેલા નિકુંજભાઈ મહેશભાઈ મોલીયાના મકાન પાસેથી જીજે-૩-એલએ ૫૧૪ નંબરના બાઈકની  ઉઠાંતરી કરી હતી.

ઉપરોક્ત ગુન્હામાં ચાલી રહેલી તપાસમાં એલસીબીના દિલીપભાઈ તલાવડીયા, કાસમ બ્લોચ, હિતેન્દ્રસિંહ, મયુરસિંહ, ઋષિરાજસિંહ, યુવરાજસિંહને મળેલી બાતમીના આધારે પીઆઈ વી.એમ. લગારીયાની સુચનાથી એલસીબી ટીમ દ્વારા મોરકંડા પાટીયા પાસેથી ત્રણ શખ્સને દબોચી લેવામાં આવ્યા છે. મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના નિલેશ ઉર્ફે લીલેશ કેલસિંગ આમલીયાર, જોબટ તાલુકાના રામસિંગ ઉર્ફે જુવાનસિંગ ઉર્ફે બિલામ દરિયાસિંગ ગણાવા તથા માનુ ઉર્ફે નાનકો કુંવરસિંગ મેડા નામના આ શખ્સોએ પોતાના ચોથા સાગરિત જોબટ ગામના જ સાલમ પરમસિંગ ગણાવા સાથે મળી ઉપરોક્ત ચોરી, લૂંટ આચર્યાની કબૂલાત આપવા ઉપરાંત મોરબીના માળીયા તથા અમરેલીના વડીયામાં ચોરી કરવા ઉપરાંત કુલ પાંચ ઘરફોડ ચોરીની કબૂલાત આપી છે.

આ શખ્સો પાસેથી ૨૪.ર૦૦ મીલી ગ્રામ વજનના સોનાના દાગીના, ૭૪૩.૮૦૦ મીલી ગ્રામ ચાંદીના દાગીના, રૂ।.૨૦ હજાર રોકડા, રૂ।.૧૦ હજારના બે મોબાઈલ, છત્તર, ઝૂમર સહિતની ચાર કિલો વજનથી વધુની પંચધાતુ ઉપરાંત ડીસમીસ, ગણેશીયો, કટ્ટર પણ ઝબ્બે લેવામાં આવ્યા છે.

આરોપી પૈકીના લીલેશ સામે માળીયા મિયાણા પોલીસ મથકમાં અને રામસિંગ ઉર્ફે જુવાનસિંગ સામે વર્ષ ૨૦૨૩માં પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયેલો છે. આ શખ્સ સામે ધ્રોલ, મોરબીના માળીયા મીયાણા ઉપરાંત રાજકોટના કુવાવડા તથા પડધરી પોલીસ મથકમાં પણ ગુન્હાની નોંધ છે. આ શખ્સો જે તે શહેરમાં અને સોસાયટીમાં દિવસ દરમિયાન જઈ બંધ મકાન શોધી કાઢી તે મકાનમાં રાત્રે ચોરી કરી લેતા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh