Advertisement
Author: નોબત સમાચાર

રિઝર્વ બેંકે આપી રાહતઃ વ્યાજદરોમાં ૦.રપ%નો ઘટાડોઃ સસ્તાદરે મળશે લોન

મોનેટરી પોલિસી કમિટીના આ નિર્ણયથી ઈએમઆઈ પણ ઘટશે

                                                                                                                                                                                                      

મુંબઈ તા. પઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં મોટો નિર્ણય લેવાયો અને ૦.રપ% ના ઘટાડા સાથે નવો રેપોરેટ પ.રપ% ઈએમઆઈ ઘટશે અને લોન સસ્તી મળશે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં આજે એક મોટો અને રાહત આપનારો નિર્ણય લેવામાં આવ્યો છે. એમપીસીના તમામ સભ્યોની સર્વસંમતિથી વ્યાજ દરોમાં ૦.રપ% નો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડા સાથે રેપોરેટ હવે ઘટીને પ.રપ% પર આવી ગયો છે. આ પગલું સ્પષ્ટ સંકેત આપે છે કે આરબીઆઈ હાલમાં મોંઘવારીના નિયંત્રણ કરતા આર્થિક વૃદ્ધિ (ગ્રોથ) ને ટેકો આપવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ઉલ્લેખનિય છે કે, આરબીઆઈની મોનિટરી પોલિસીની બેઠક ૩-ડિસેમ્બરે શરૂ થઈ હતી અને આજે પ-ડિસેમ્બરે બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરવામાં આવી છે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ બેઠકમાં લેવાયેલા નિર્ણયની જાણકારી આપી હતી.

આરબીઆઈ દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો થવાથી ગ્રાહકોને બે મોરચે રાહત મળવાની શક્યતા છે. રેપોરેટ ઘટવાથી બેંકોને આરબીઆઈ પાસેથી સસ્તા દરે લોન મળશે. જેનો ફાયદો ગ્રાહકોને હોમ લોન, કારલોન અને અન્ય લોનના ઈએમઆઈમાં ઘટાડો થવાના રૂપમાં મળી શકે છે. વ્યાજદરોમાં ઘટાડો બજાર અને બેંકીંગ સેક્ટર માટે મોટો સકારાત્મક સંકેત માનવામાં આવે છે. જે બજારમાં તરલતા વધારશે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેની તાજેતરની મોનેટરી પોલિસીની જાહેરાત દરમિયાન ભારતીય અર્થવ્યવસ્થા માટે જીડીપી ગ્રોથના અનુમાનમાં વધારો કર્યો છે. આરબીઆઈ હવે માને છે કે, નાણાકીય વર્ષ-ર૦ર૬ માં દેશનીઅર્થવ્યવસ્થા ૭.૩% ના દરે વૃદ્ધિ કરશે. જે અગાઉના ૬.૮% ના અંદાજ કરતા ઘણો વધારે છે. આ વધારો સંકેત આપે છે કે આરબીઆઈને આશા છે કે, ભારતીય અર્થતંત્ર અપેક્ષા કરતા વધુ ઝડપ પકડી શકે છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેની નવી નાણાકીય નીતિની જાહેરાતમાં ગ્રાહક ભાવ સૂચકાંક (સીપીઆઈ) આધારિત ફૂગાવાના અનુમાનમાં મોટો ઘટાડો કર્યો છે. તાજેતરના આંકડાઓ મુજબ નાણાકીય વર્ષ ર૦ર૬ માટે સરેરાશ સીપીઆઈ હવે માત્ર ર ટકા રહેવાની અપેક્ષા છે. જ્યારે અગાઉ આરબીઆઈ આ આંકડો ર.૬% માનીને ચાલચું હતું. ફૂગાવાના અનુમાનમાં આ નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે કે, મોંઘવારી પરનું દબાણ ઘણું ઓછું થતું દેખાઈ રહ્યું છે, અને આ જ કારણ છે કે, આરબીઆઈનો અભિગમ હવે વધુ આત્મવિશ્વાસ પૂર્ણ જણાય છે.

આરબીઆઈનું કહેવું છે કે, તાજેતરના મહિનાઓમાં ફૂગાવો ઝડપથી નીચે આવ્યો છે અને સપ્લાય-સાઈડની સ્થિતિ પણ સુધરી રહી છે. આનાથી આગામી સમયમાં સીપીઆઈ સ્થિર રહેવાની અપેક્ષા છે. જો કે આરબીઆઈએ સ્પષ્ટતા કરી છે કે, વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને કોમોડિટીના ભાવો હજી પણ જોખમી બની રહેલા છે. તેથી સાવધાની રાખવી જરૂરી છે.

વ્યાજદરોમાં ઘટાડા સાથે આરબીઆઈએ બજારમાં લિક્વિડિટી (તરલતા) મેનેજમેન્ટ માટે એક મોટી જાહેરાત પણ કરી છે. આરબીઆઈ ડિસેમ્બર મહિનામાં રૂ. ૧ લાખ કરોડના સરકારી બોન્ડ ખરીદશે. આ ખરીદી ઓપન માર્કેટ ઓપરેશન દ્વારા કરવામાં આવશે. આનાથી બજારમાં વધારાની નાણાકીય પ્રવાહ આવશે. અને બોન્ડ યીલ્ડ પર પણ સકારાત્મક અસર જોવા મળી શકે છે. એક તરફ સામાન્ય માણસના ઈએમઆઈ ઓછા થવાની આશા મજબૂત કરી છે, અને બીજી તરફ સરકારી બોન્ડની ખરીદી દ્વારા નાણા બજારમાં મોટી તરલતાની તૈયારી દર્શાવી છે.

આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ અગાઉ પણ અનુમાન વ્યક્ત કર્યુ હતું કે, આરબીઆઈ રેપોરેટમાં ઘટાડો કરી શકે છે. જો કે, અગાઉ ર૦રપ ના આ ચાલુ વર્ષમાં ૩ વખત રેપોરેટમાં ઘટાડો કરાયો હતો. હાલમાં ચાલુ વર્ષે રેપોરેટ ૬.રપ% થી ઘટીને પ.પ૦% સુધી આવી ચૂક્યો હતો. જે આજના ઘટાડા સાથે પ.રપ% પર પહોંચી ગયો છે.

રેપોરેટ એટલે કે જેના પર દેશની સેન્ટ્રલ બેંક અન્ય બેંકોને લોન આપે છે અને પછી એના આધારે બેંક ગ્રાહકોને લોન આપે છે. એવામાં જો રેપોરેટમાં ઘટાડો થાય તો તેની સીધી અસર લોન પર થાય છે. ફ્લોટીંગ રેપોલિંક બેઝ્ડ લોન પર રેપોરેટમાં ઘટાડા સાથે જ તમારી હોમલોન, કાર લોન વિગેરેમાં ઈએમઆઈમં કે પછી લોન મુદ્દતમાં ઘટાડો થઈ શકે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh