Advertisement
Author: નોબત સમાચાર

૨૬૬૧ ભારતીય માછીમારોને વર્ષ-૨૦૧૪થી અત્યાર સુધીમાં પાકિસ્તાનથી સ્વદેશ પરત મોકલાયા

રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને વિદેશ રાજ્યમંત્રીનો જવાબઃ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૫: ભારત સરકારના સતત પ્રયાસોના પરિણામે, વર્ષ ૨૦૧૪થી અત્યારસુધીમાં ૨૬૬૧ ભારતીય માછીમારોને પાકિસ્તાનથી સ્વદેશ પરત મોકલાયા છે. રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલ નથવાણી દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાયેલા ગુજરાતના માછીમારોના સંદર્ભે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા વિદેશ રાજ્યમંત્રી શ્રી કીર્તિવર્ધનસિંહે રાજ્યસભામાં આ માહિતી આપી હતી.

મંત્રીએ જણાવ્યું હતું કે કેલેન્ડર વર્ષ ૨૦૨૫ દરમિયાન, અત્યારસુધીમાં ગુજરાતના ૧૮ માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાયા છે, જ્યારે ૦૧ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ ગુજરાતના અંદાજિત ૧૨૩ માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ હતા. જ્યારે કેલેન્ડર વર્ષ ૨૦૨૪માં ગુજરાતના એક પણ માછીમારને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાયા નહોતા, જે પૂર્વે ૨૦૨૩માં ૪૩૨ માછીમારોને મુક્ત કરાયા હતા.

આ અંગે વિગતવાર જણાવતા, મંત્રીએ વધુમાં ઉલ્લેખ કર્યો હતો કે, ભારતીય માછીમારોની સલામતી, સુરક્ષા અને કલ્યાણને ભારત સરકાર સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. પાકિસ્તાની અધિકારીઓ દ્વારા ભારતીય માછીમારોની ધરપકડની ઘટનાઓની જાણ થતાં જ, ઇસ્લામાબાદમાં ભારતીય હાઈકમિશન દ્વારા પાકિસ્તાન સરકાર પાસેથી કોન્સ્યુલર ઍક્સેસ મેળવવા તાત્કાલિક કાર્યવાહી કરાય છે. કોન્સ્યુલર ઍક્સેસ દરમિયાન, ભારતીય હાઈકમિશનના અધિકારીઓ પાકિસ્તાની જેલોમાં કેદ ભારતીય/ ભારતીય મનાતા માછીમારોની મુલાકાત લે છે જેથી તેમની સુખાકારી વિશે જાણી શકાય અને રોજિંદા વપરાશની ચીજોનું તેમનામાં વિતરણ કરી શકાય. ભારતીય માછીમારોને તેમની બોટ મુક્ત કરવા સહિત તેમની વહેલી મુક્તિ અને પરત સ્વદેશ મોકલવા માટે કાનૂની સહાયતા સહિતની તમામ શક્ય મદદ કરાય છે. પાકિસ્તાન સરકાર સમક્ષ સતત આ મુદ્દો ઉઠાવાય છે, જે દર્શાવે છે કે આ મુદ્દાને ફક્ત માનવતા અને આજીવિકા રળવાના પ્રયાસના ધોરણે વિચારણા હેઠળ લેવામાં આવે.

ભારત અને પાકિસ્તાન દર વર્ષે ૧ જાન્યુઆરી અને ૧ જુલાઈના રોજ એકબીજાની જેલમાં બંધ પરસ્પરના માછીમારો અને નાગરિક કેદીઓની યાદીઓનું આદાન-પ્રદાન કરે છે. ૦૧.૦૧.૨૦૨૫ના એકબીજાને અપાયેલી યાદીઓ અનુસાર, પાકિસ્તાને ૨૧૭ ભારતીય/ ભારતીય મનાતા માછીમારોની કસ્ટડી પોતાની પાસે હોવાનું સ્વીકાર્યું હતું. આ યાદીઓના આદાન-પ્રદાન પછી, માર્ચ ૨૦૨૫ સુધીમાં એક ભારતીય માછીમારનું મૃત્યુ થવાનો તેમજ ૨૨ ભારતીય માછીમારોને મુક્ત કરીને ભારત પરત મોકલાયા હોવાનો અંદાજ છે. હાલમાં પાકિસ્તાનમાં કેદ બાકીના ૧૯૪ ભારતીય/ ભારતીય મનાતા માછીમારોમાંથી, ૧૨૩ માછીમારો ગુજરાતી/ગુજરાતના હોવાનું મનાય છે. આ ૧૨૩માંથી ૩૩ માછીમારની ૨૦૨૧માં; ૬૮ માછીમારોની ૨૦૨૨માં; ૦૯ માછીમારોની ૨૦૨૩માં; અને ૧૩ માછીમારોની ૨૦૨૪માં ધરપકડ કરાઈ હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh