Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચીનમાં એક લાખ દીઠ અકસ્માતથી મૃત્યુદર ૪.૩, ભારતમાં ૧૧.૮૯ છે
નવી દિલ્હી તા. ૫: ભારતમાં દરરોજ સરેરાશ ૪૮૫ લોકોનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થાય છે. ૨૦૨૪માં માર્ગ અકસ્માતોથી ૧.૭૭ લાખ લોકોના મોત થયા હતા. પ્રતિ લાખ વસ્તી દીઠ મૃત્યુદરમાં ભારત ૧૧.૮૯ પર છે, જયારે ચીન ૪.૩ અને અમેરિકા ૧૨.૭૬ પર છે. દેશમાં માર્ગ સુરક્ષા માટે વધુ કડક અને ઝડપી પગલાં લેવાની જરૂરિયાત આજે પહેલાં કરતાં ઘણી વધારે છે. અત્યારે માર્ગ-સુરક્ષાના બણગાં ભલે ફૂંકાતા હોય, પરંતુ માર્ગસુરક્ષા તદ્ન નબળી છે.
ભારતમાં વર્ષ ૨૦૨૪ માર્ગ અકસ્માતો માટે સૌથી કાળું સાબિત થયું છે. દેશમાં માર્ગ અકસ્માતોમાં મરણ પામનારાઓનો આંકડો પહેલીવાર ૧.૭૭ લાખને પાર કરી ગયો છે. સરકાર દ્વારા લોકસભામાં રજૂ કરાયેલા આંકડાઓએ દેશની માર્ગ સુરક્ષા વ્યવસ્થાની ગંભીર ખામીઓ સામે મૂકી દીધી છે. દરરોજ સરેરાશ ૪૮૫ લોકો અકસ્માતના ભોગ બનતા હોય તેવો ભયાનક ટ્રેન્ડ જોવાઈ રહૃાો છે.
માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નિતિન ગડકરીએ જણાવ્યું કે આ પરિસ્થિતિ સૂચવે છે કે દેશમાં માર્ગ સુરક્ષા માટે વધુ કડક અને ઝડપી પગલાં લેવાની જરૂરિયાત આજે પહેલાં કરતાં ઘણી વધારે છે. ૨૦૨૩ની સરખામણીમાં ૨૦૨૪ના મૃત્યુઆંકમાં વધારો નોંધાયો છે. ૨૦૨૩માં ૧.૭૩ લાખ લોકોના મોત થયા હતા, જ્યારે ૨૦૨૪માં આ આંકડો ૧,૭૭,૧૭૭ સુધી પહોંચી ગયો.
ગડકરી મુજબ વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી મળેલી માહિતી સૂચવે છે કે આ મૃત્યુઆંકમાં પશ્ચિમ બંગાળના ઈડીએઆર પોર્ટલના ડેટાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આમાંથી આશરે ૫૪,૪૩૩ લોકો રાષ્ટ્રીય હાઈવે પર અકસ્માતના શિકાર બન્યા હતા, જે કુલ મૃત્યુઆંકનો લગભગ ૩૧ ટકા છે. આ આંકડા સ્પષ્ટ દર્શાવે છે કે રાષ્ટ્રીય હાઈવે પરનો ટ્રાફિક જોખમ અન્ય માર્ગોની તુલનામાં વધારે ઊંચો છે અને સુરક્ષા સુધારવાની અનિવાર્યતા વધી રહી છે.
ભારતનાં માર્ગ અકસ્માતોનો મુદ્દો માત્ર આંકડાઓ પૂરતો સીમિત નથી. તે દરેક પરિવાર, દરેક શહેર અને દરેક રાજ્યને અસર કરતો માનવીય સંકટ પણ છે. આટલી મોટી સંખ્યામાં દરરોજ લોકોના જીવ જતા હોવાનો અર્થ એ છે કે અનેક બાળકો પિતાઓને ગુમાવે છે, અનેક ઘરોમાં કમાઉ સભ્યોનું અકાળે અવસાન થાય છે અને મોટી સંખ્યામાં લોકો અપંગતા અને આર્થિક નુકસાનના ભોગ બને છે.
સરકાર દ્વારા અનેક અભિયાન શરૂ કરવામાં આવ્યા છે, પરંતુ અત્યાર સુધી તેમાં કોઈ નોંધપાત્ર ઘટાડો જોવા નથી મળ્યો. ચીન અને અમેરિકા જેવા દેશોની સરખામણી કરવામાં આવે તો સ્પષ્ટ થાય છે કે ભારત હજુ પણ માર્ગ સુરક્ષામાં પાછળ છે. ભારતની પ્રતિ લાખ વસ્તી દીઠ માર્ગ અકસ્માતોમાં મૃત્યુદર ૧૧.૮૯ છે, જ્યારે ચીનમાં આ દર માત્ર ૪.૩ છે. આથી સ્પષ્ટ થાય છે કે ચીનની માર્ગ નિયમો અને અમલની વ્યવસ્થા ભારત કરતાં ઘણી કડક અને અસરકારક છે. ચીન, અમેરિકા જેવી વિકસિત અર્થવ્યવસ્થા ધરાવતા દેશમાં આ દર ૧૨.૭૬ છે, જે ભારત કરતાં થોડો વધારે છે. આથી જણાય છે કે વિકાસશીલ અને વિકસિત દેશોમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ આજે પણ ઊંચું છે, પરંતુ ભારતમાં તે વધુ ગંભીર સ્તરે પહોંચી ગયું છે. ભારતે સ્ટોકહોમ ડિકલેરેશન પર હસ્તાક્ષર કરીને ૨૦૩૦ સુધીમાં માર્ગ અકસ્માતોથી થતા મૃત્યુઓને ૫૦ ટકા ઘટાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. પરંતુ વર્તમાન આંકડાઓને જોતા આ લક્ષ્ય હાંસલ કરવું સરળ જણાતુ નથી.
'ઇન્ડિયા સ્ટેટસ રિપોર્ટ ઑન રોડ સેફટી ૨૦૨૪' દ્વારા પણ ચેતવણી આપવામાં આવી છે કે હાલની પરિસ્થિતિ મુજબ આવનારા છ વર્ષમાં ૫૦ ટકા ઘટાડો લાવવા લગભગ અશક્ય છે. રિપોર્ટ મુજબ ગતિ નિયંત્રણનો અભાવ, હેલ્મેટ અને સીટબેલ્ટના નિયમોના નબળા અમલ અને રોડ ડિઝાઇનની ખામીઓ એ મુખ્ય કારણો છે જે મૃત્યુઆંક વધારવામાં યોગદાન આપે છે. ભારતમાં માર્ગ સુરક્ષાને લઈને પડકારો વિશાળ છે. વાહન વ્યવહાર વધતો જાય છે, રસ્તાઓ પર ભારે ભીડ છે અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનોમાં વધઘટ જોવા મળે છે.
જોકે સરકાર દ્વારા ઘણાં રાજ્ય સાથે મળીને 'ઝીરો ફેટાલિટી પ્રોગ્રામ', 'રોડ સેફટી ઓડિટ' અને 'સેફ સ્કૂલ ઝોન' જેવા ઉપક્રમો શરૂ કરવામાં આવ્યા છે, તેમ છતાં અસલ બદલાવ લાવવામાં લાંબો સમય લાગી શકે છે.
માર્ગ સુરક્ષા માત્ર સરકારનો નહીં પરંતુ દરેક નાગરિકનો મુદ્દો છે. જો લોકો નિયમોનું પાલન નહીં કરે તો સુરક્ષા વ્યવસ્થા કેટલીય સારી હોય, અકસ્માતોમાં ઘટાડો લાવવો મુશ્કેલ રહેશે. આ આંકડાઓ ફક્ત આઘાતજનક નથી પરંતુ ચેતવણીરૂપ છે. ભારત આગળ વધે તે માટે લોકોનું સુરક્ષિત મુસાફરીનો અધિકાર મહત્ત્વનો છે. જો ૨૦૩૦ના લક્ષ્યને હાંસલ કરવું હોય તો પરિવહન માળખામાં મોટા સુધારા, કડક નિયમોનો અમલ અને માર્ગ વપરાશકર્તાઓની જાગૃતિ આ બધું મળીને જ કામ કરશે. જો આ ત્રણેય સ્તંભ મજબૂત ન બનાવાય તો આવતા વર્ષોમાં પણ આવા ભયંકર આંકડાઓ જોવા મળશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial