Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાતમાં પણ સંખ્યાબંધ ફલાઈટ રદ્ થતાં ઈન્ડિગોનો હુરિયો બોલાવાયોઃ દેશભરમાં અફરાતફરીઃ
નવી દિલ્હી તા. ૫: આજે સતત ત્રીજા દિવસે પણ ગુજરાત સહિત દેશભરમાં ઈન્ડિગોની સેંકડો ફલાઈટો રદ્ કરી દેવાતા હજારો મુસાફરો રઝળી પડયા છે. અને લોકોમાં ઈન્ડિગો પ્રત્યે પ્રચંડ જનાક્રોશ ફાટી નીકળ્યો છે. ઘણાં એરપોર્ટ પર હુરિયો બોલાવાઈ રહ્યો છે.
આજે ગુરુવારે સતત ત્રીજા દિવસે વિમાનના પ્રવાસીઓની મુશ્કેલીઓનો અંત આવ્યો ન હતો. દેશના ત્રણ મહત્વના એરપોર્ટ પરથી ઇન્ડિગોએ ૫૫૦ થી વધુ ફ્લાઇટસ ગુરુવારે રદ કરી હતી. મુંબઇ, દિલ્હી, બેંગ્લુરુ, ચેન્નઇ, હૈદ્રાબાદ, અમદાવાદ, કોલકાતા એમ તમામ એરપોર્ટસ પર પ્રવાસીઓ હેરાન થયા હતા. તેઓ ધારેલા આયોજનોમાં પહોંચી શક્યા ન હતા.
જોકે આ તમામ ગરબડ માટે ઈન્ડિગોએ તમામ મુસાફરોની માફી માગી હતી. સોશિયલ મીડિયા પર મોટાં એરપોર્ટના ટર્મિનલ પર પ્રવાસીઓનાં ટોળાં જામ્યા હોય અને ઈન્ડિગોના સ્ટાફ સાથે બોલાચાલી કરી રહૃાાં હોય તેવાં દૃશ્યો વાયરલ થયાં હતાં. કેટલાય પ્રવાસીઓએને ફલાઈટ માટે છથી ૧૨ કલાક સુધી રાહ જોવાનો વારો આવતાં તેમનાં બીપી વધી ગયાં હતાં તો કેટલાક પ્રવાસીઓ તેમના મહત્ત્વના આયોજનો ખોરવાઈ જતાં રડી પડયાં હતાં.
લોકોએ સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટસ તથા વીડિયો વાયરલ કરી સરકાર પાસે આ પરિસ્થિતિમાંથી ઉગરવા માટે મદદની પોકાર કરી હતી. જોકે, ઈન્ડિગો સત્તાવાળાઓએ હાથ ઊંચા કરી દીધા હતા. સેંકડો પ્રવાસીઓ નિર્ધારિત ડોમેસ્ટિક એરપોર્ટ પર પહોંચી શક્યા ન હોવાથી કનેક્ટિંગ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટસ પણ ચૂકી ગયા હતા. એવિયેશન રેગ્યુલેટર ડીજીસીએ ઇન્ડિગો એરલાઇન્સનો જવાબ માગ્યો હતો. ફ્લાઇટસ ખોરવાઇ રહી છે તે બાબતમાં પ્લાન લઇને આવવાનું ઇન્ડિગોને કહેવામાં આવ્યું હતું.
દિલ્હીના ઈંદિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગુરુવારે ૪૪ ઇનકમિંગ અને ડિપાર્ટિંગ ફ્લાઇટસ રદ કરાઇ હતી. એક પ્રવક્તાએ કહૃાું કે ગઇકાલના ચેકઇન સિસ્ટમ ખોરવાઇ હતી તે પછી એરલાઇને એરપોર્ટને અને ગ્રાહકોને જાણ કરી હતી. બેંગ્લુરુના કેમ્પેગોવડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કુલ ૭૦ ફ્લાઇટસ રદ થઇ હતી જેમાં ૪૦ ડિપાર્ટિંગ અને ૩૦ ઇનકમિંગ ફ્લાઇટસ રદ કરાઇ હતી.
મુંબઇ એરપોર્ટ પર ૮૬ ફ્લાઇટસ રદ કરાઇ હતી જેમાં ૪૫ ડિપાર્ટિંગ અને ૪૧ ઇનકમિંગ ફ્લાઇટસ હતી. ચેન્નઇ એરપોર્ટ પર ૧૩ ડિપાર્ટિંગ અને ૧૩ ઇનકમિંગ ફ્લાઇટસ રદ થઇ હતી.
અમદાવાદમાં ઈન્ડિગોની ફલાઈટ ડિલે થતાં એરપોર્ટ પર મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. મુસાફરોએ ઈન્ડિગો ચોર હૈ, ઈન્ડિગો મુર્દાબાદના નારા લગાવ્યા હતા. આ સાથે જ સમસ્યા અંગે મુસાફરોને એરપોર્ટ ઓથોરિટીને રજૂઆત કરી હતી. થોડીવાર માટે એરપોર્ટ પર માહોલ તંગ બન્યો હતો.
વડોદરાથી મુંબઈ, દિલ્હી, પુણે અને ગોવા જતી ઈન્ડિગોની ફલાઈટ રદ કરવામાં આવી છે. ગઈકાલે પણ ૨ ફ્લાઇટ રદ્ કરાઈ હતી અને ૨ ફ્લાઇટ મોડી પડી હતી. ફ્લાઇટ રદ્ થતાં મુસાફરો અટવાઈ ગયા છે. બીજી તરફ વડોદરા એરપોર્ટ પર ફસાયેલા મુસાફરોને સુવિધા આપવા માટે એર ઇન્ડિયા આજે અને કાલે દિલ્હી-વડોદરા-દિલ્હી સેક્ટર પર વધારાની બે ફ્લાઇટ્સનું સંચાલન કરી રહી છે. આજની એર ઇન્ડિયાની ફ્લાઇટ દિલ્હીથી વડોદરા ૧૩:૪૫ વાગ્યે પહોંચશે અને ૧૫:૦૫ વાગ્યે વડોદરાથી દિલ્હી માટે રવાના થશે.
રાજકોટ-અમદાવાદ હાઈવે ઉપર ચોટીલા પાસે આવેલા હીરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી હાલ ૧૨ ફ્લાઈટ ઉડાન ભરી રહી છે, પરંતુ ઈન્ડિગો એર લાઇન્સની છેલ્લા બે દિવસથી અનેક ફ્લાઈટ મોડી પડી રહી છે અથવા તો કેન્સલ થઈ છે. આજે પણ રાજકોટ એરપોર્ટથી ઉડાન ભરતી ઈન્ડિગોની આઠ ફ્લાઈટ રદ થઈ છે. હાલ એર ઇન્ડિયાની મુંબઈની ૨ અને દિલ્હીની ૧ ફ્લાઇટ ઉડાન ભરી રહી છે.
રાજકોટ એરપોર્ટ પરથી ૮.૦૫ વાગ્યાની દિલ્હીની ફ્લાઈટ કેન્સલ થઈ છે. આ ઉપરાંત ૯.૦૦ વાગ્યાની મુંબઈ, ૧૨.૦૫ વાગ્યાની ગોવા, ૩.૫૫ વાગ્યાની હૈદરાબાદ, ૪.૧૫ વાગ્યાની બેંગલુરુ, ૪.૫૫ વાગ્યાની મુંબઈ, ૫.૫૫ વાગ્યાની દિલ્હી, ૭.૫૫ વાગ્યાની મુંબઈની ફ્લાઈટ કેન્સલ થઈ છે. ઈન્ડિગોની મોટા ભાગની ફ્લાઈટ છેલ્લા બે દિવસથી કેન્સલ અથવા તો મોડી પડતાં મુસાફરો ભારે પરેશાન થઈ ગયા છે.
રાજકોટથી ૩૬ કિલોમીટર દૂર આવેલા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જ્યારે મુસાફરો પહોંચે તો ખ્યાલ આવે છે કે આજે તો ફ્લાઈટ કેન્સલ છે, જેને કારણે તેમનો સમય, શક્તિ અને નાણાંનો વ્યય થાય છે, જોકે હવે મુસાફરોને થોડા સમય પહેલાં ફ્લાઇટ કેન્સલ થયાની એડવાન્સમાં જાણ કરવામાં આવતાં એરપોર્ટ સુધીનો ધક્કો તો બચે છે, પરંતુ મેડિકલ ઈમર્જન્સી સહિતના કેસમાં રાજકોટથી અન્ય રાજ્યમાં અથવા તો કનેક્ટિંગ ફ્લાઈટમાં વિદેશ જવા માગતા દર્દીઓ સહિતના મુસાફરોને ખૂબ જ મોટી હાલાકીનો સામનો કરવો પડી રહૃાો છે. ફ્લાઈટ કેન્સલ થતાં હવે રાજકોટથી દિલ્હી અને મુંબઈ જવા માટે મુસાફરો ટ્રેનનો સહારો લઈ રહૃાા છે.
સવારે હૈદરાબાદથી સુરત આવતી ઈન્ડિગોની ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે. આ સાથે જ દિલ્હીથી સુરત આવતી ઇન્ડિગોની ફ્લાઈટને બેંગલુરુ ડાઇવર્ટ કરી દેવામાં આવી છે. આ સાથે જ આજે બપોર બાદની બેંગલુરુ, જયપુર, ગોવા અને કોલકાતાથી સુરત આવતી ફ્લાઈટનું પણ કોઈ ઠેકાણું નથી, જેના પગલે સુરતથી દિલ્હી, બેંગલુરુ, જયપુર, ગોવા, અને કોલકાતા જતી ફ્લાઈટોનું પણ હજુ કોઈ શિડ્યૂલ સામે આવ્યું નથી.
એવિએશન સેક્ટરમાં નવા સલામતી નિયમોને કારણે દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો સતત ચોથા દિવસે ક્રૂની અછતનો સામનો કરી રહી છે. આનાથી ઇન્ડિગોના સંચાલન પર ગંભીર અસર પડી છે. ડીજીસીએ એ ૧ નવેમ્બરથી પાઇલટ્સ અને અન્ય ક્રૂ-મેમ્બર્સનાં કામ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા છે. આ ફેરફારોને ફ્લાઇટ ડ્યૂટી ટાઇમ લિમિટેશન નામ આપવામાં આવ્યું છે. આને બે તબક્કામાં લાગુ કરવામાં આવ્યા છે. પ્રથમ તબક્કો ૧ જુલાઈના રોજ લાગુ થયો હતો, જ્યારે ૧ નવેમ્બરથી બીજો તબક્કો લાગુ થયો છે, જેના પછી એરલાઇન કંપનીઓ ખાસ કરીને ઇન્ડિગોની ફ્લાઇટ્સ પર અસર દેખાવા લાગી છે.
ઇન્ડિગો પાસે સૌથી વધુ ૪૩૪ વિમાન છે. એક દિવસમાં ૨૩૦૦થી વધુ ફ્લાઇટ્સ છે. દેશની ૬૦%થી વધુ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ તેની પાસે છે. હાલ તેની પાસે ૫૪૫૬ પાઇલટ અને ૧૦૨૧૨ કેબિન ક્રૂ-મેમ્બર છે. ૪૧ હજારથી વધુ કાયમી કર્મચારીઓ છે. ઇન્ડિગોનું કહેવું છે કે નવા ફ્લાઇટ ટાઇમ લિમિટેશન નિયમોને કારણે પાઇલટ અને ક્રૂની અછત સર્જાઈ છે. નવા નિયમોમાં પાઇલટોના ઉડાન ભરવાના નિયમો ઘટાડીને દરરોજ ૮ કલાક કરી દીધા છે. નાઇટ લેન્ડિંગ ૬થી ઘટાડીને ૨ કરી દીધી છે. ક્રૂ માટે ૨૪ કલાકમાં ૧૦ કલાક આરામનો સમય રાખ્યો છે. કંપની સૂત્રોનું કહેવું છે કે ઇન્ડિગોની શિડ્યૂલિંગ સિસ્ટમ આ બદલાવ પછી હજુ સંપૂર્ણપણે સ્થિર થઈ નથી, જેના કારણે ઘણાં મહત્ત્વપૂર્ણ રૂટ્સ પર અચાનક ક્રૂની ભારે અછત સર્જાઈ છે.
ઈન્ડિગો દ્વારા ઓછી ભરતીના કારણે સંકટઃ પાયલોટ સંગઠન
ચેન્નાઇ : ઇન્ડિગો ઘણા સમયથી ક્રૂની ઓછી ભરતી કરવાનું વલણ અપનાવી રહૃાું છે અને પાયલોટસની ભરતી તો લગભગ બંધ કરી દીધુ તેવું ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલોટસ (એફઆઇપી)એ ગુરુવારે કહૃાું હતું. એફઆઇપીએ એવિયેશન રેગ્યુલેટર ડીજીસીએને પત્ર લખીને જણાવ્યું હતું કે ઇન્ડિગોએ ઇન્ડસ્ટ્રીના વલણથી વિપરીત ઓછા મેનપાવર વ્યૂહરચના અપનાવી છે, પાયલોટસના આરામના કલાકો અને ડયુટી- સમયમાં ફેરફારોના નિયમો અંગે કંપનીને જાણ હતી અને ભરતી કરવા બે વર્ષનો સમય મળ્યો હતો. પણ ખર્ચ ઘટાડવા પાયલોટસની નવી ભરતી બંધ કરી હતી. અન્ય એરલાઇન્સના પાયલોટસને નહીં લેવા અંગેના કરારો કર્યા હ તા પાયલોટસના પગાર વધારો અટકાવ્યો હતો.
નવા ક્રૂ- રોસ્ટિંગ ધારા ધોરણે અમલમાં આવ્યા અને શિયાળો, પ્રતિકૂળ હવામાન, એરપોર્ટસનું કન્જેશન વિગેરે પરિબળોના લીધે બફર કેપેસિટી (વધારાના કર્મચારીઓ)ની જરૂર પડી હતી ત્યારે તકલીફ પડી ગઇ છે. ટુંકા ગાળાના નિર્ણયો અને કાર્યક્ષમ ભરોસાપાત્ર નીવડવાને બદલે એરલાઇને ખર્ચ ઘટાડવા પર ધ્યાન આપ્યું હોવાથી આવી કટોકટીનું નિર્માણ થયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial