Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાવનગરમાં ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂએ કેટલાક લોકોના જીવ લીધા, તેના રાજ્યવ્યાપી પડઘા પડ્યા છે, અને આ નવી જ પ્રકારના ઘટનાક્રમે 'ઈંગ્લીશ લઠ્ઠો' પણ બની શકે છે તેવી ચર્ચાને જન્મ આપ્યો છે. ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી અથવા નશાબંધી લાગુ તો કરી દેવાઈ, પરંતુ તેનો કડક અમલ ક્યારેય થયો જ નહીં. ભૂતકાળમાં જુદી જુદી સરકારોના મુખ્યમંત્રીઓ તથા ગૃહમંત્રીઓએ આ માટે નિષ્ઠાવાન પ્રયાસો કર્યા, તેમ છતાં રાજ્યમાંથી દારૂનો વેપલો બંધ થયો જ નહીં, અને ડ્રગ્સની હેરાફેરી પણ થવા લાગી છે, તેથી રાજ્યની આભાસી દારૂબંધી માટે જવાબદાર કોણ? તેવા સવાલો પણ ઊઠી રહ્યા છે.
સોશિયલ મીડિયા અને પ્રેસ મીડિયાના માધ્યમોથી ભાવનગરના 'ઈંગ્લીશ લઠ્ઠા' સામે તડાપીટ બોલી રહી છે અને રાજ્યમાં જ્યારે 'દારૂબંધી' જ નકલી હોય, ત્યારે દારૂ પણ 'નકલી' જ વેંચાય ને? તેવા કટાક્ષો પણ થઈ રહ્યા છે.
કોંગ્રેસે આ મુદ્દે જિલ્લે જિલ્લે વિરોધ પ્રદર્શનો કર્યા અને ધરણાં પણ કર્યા. જામનગરમાં પણ કોંગ્રેસે ભાજપ સરકારની વિરૂદ્ધમાં ધરણાં સાથે વિરોધ પ્રદર્શિત કરીને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનું રાજીનામું માંગ્યું છે. એવા આક્ષેપો પણ થયા છે કે બૂટલેગરો પોલીસથી મુખ્યમંત્રી કાર્યાલય સુધી હપ્તા પહોંચાડે છે અને સમગ્ર સિસ્ટમ સડેલી છે. આ ઉપરાંત ગંભીર પ્રકારના સૂત્રોચ્ચાર સાથે બેનર્સ-પ્લેકાર્ડસ દર્શાવીને વિરોધ પ્રદર્શિત કર્યો, તેમાં એક અલગ જ જુસ્સો જોવા મળ્યો હતો.
જામનગરના વિરોધ-પ્રદર્શનનું નેતૃત્વ લઈને પૂર્વ સાંસદ અને વિપક્ષના નેતા વિક્રમભાઈ માડમે ભાવનગરમાં નકલી શરાબના કારણે આઠ-નવ લોકોના મૃત્યુ થયા, તેનો ઉલ્લેખ કરીને વિક્રમભાઈએ આખા રાજ્યના દરેક જિલ્લાના પોલીસ વડાઓને ચેલેન્જ કરીને કહ્યું કે એવો એક પણ જિલ્લો નથી, જ્યાં દારૂ વેંચાતો ન હોય, કે પીવાતો ન હોય. ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે. પ્રશાસનના નાકની નીચે ખૂલ્લેઆમ શરાબ વેંચાઈ રહ્યા છે અને હપ્તાખોરીની બોલબાલા છે. તંત્ર તદ્ન નિષ્ફળ ગયું છે, તેથી જવાબદારી સ્વીકારીને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તત્કાળ રાજીનામું આપી દેવું જોઈએ. ખારકડીમાં રોયલ સ્ટેગ બ્રાન્ડના નકલી શરાબમાં ૩૮ ટકાથી વધુ મિથાઈલ આલ્કોહોલ મળી આવ્યું, જે ઝેરી હોય છે. આ ઝેરી શરાબ બનાવનારા ફોર્મુલેટરનું પણ મોત થયું, તે આ સમગ્ર ઘટનાક્રમને વધુ પેચીદો અને રહસ્યમય બનાવે છે. આ આખું નેટવર્ક મધ્યપ્રદેશના ઉજ્જૈનથી ગુજરાતના અમદાવાદ સુધી વિસ્તરેલું હતું, તે પૂરવાર કરે છે કે આટલા વિશાળ નેટવર્કમાં તંત્રોની મિલીભગત અને કોઈ અદૃશ્ય ગોડફાધરોની મીઠી નજર હોવી જ જોઈએ. આમ પણ હવે ગુજરાતમાં અઘોષિતરીતે દારૂબંધી હટી જ ગઈ હોય, તેવી સ્થિતિ છે. આ કારણે જ કદાચ રાજ્ય સરકારના એક કેબિનેટ મંત્રીએ ભારપૂર્વક કહેવું પડ્યું હતું કે ગુજરાતમાંથી દારૂબંધી ક્યારેય હટવાની નથી. આ નિવેદનની સામે એવો વ્યંગ પણ થઈ રહ્યો છે કે તદ્ન બોદી અને નકલી દારૂબંધી હટાવી લેવાય તો કમ-સે-કમ 'નકલી' દારૂના કારણે લોકોના જીવ જતા તો અટકે!
આમ પણ આ નકલી ઈંગ્લીશ દારૂના નેટવર્કની તપાસ ગુજરાતની સ્ટેટ મોનિટરીંગ સેલને સોંપી દેવાઈ અને એકાદ ડઝનથી વધુ બૂટલેગરોને દબોચી લઈને હાલતુરત તો રાજ્ય સરકારે સખ્તાઈ બતાવી છે, પરંતુ દરવખતે થાય છે તેમ થોડા સમય પછી બધું 'જૈ સે થે' થઈ જશે, કારણ કે ગાંધીજીના ગુજરાતમાં ગાંધીછાપ ચલણી નોટોનો દુરૂપયોગ અને દુષ્પ્રભાવ પણ જેવો તેવો નથી!!
બીજી તરફ ભાજપ અને સરકારના પ્રવક્તાઓએ આ 'દુર્ભાગ્યપૂર્ણ' કૌભાંડને રાજનૈતિક રંગ આપવાનો વળતો આક્ષેપ કરીને કોંગ્રેસને સવાલ કર્યો છે કે, દારૂબંધી લાગુ થયા પછી દાયકાઓ સુધી શાસન કરનાર કોંગ્રેસની સરકારો હતી, ત્યારે શું દારૂ નહોતો પીવાતો? દેશીદારૂના અડ્ડા નહોતા ચાલતા? વિગેરે...
સરકારે વરતેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર તથા અન્ય ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે અને તપાસ પછી જે કોઈ જવાબદાર હશે, તેની સામે હત્યાની સમકક્ષ ગણીને કાનૂની કાર્યવાહી થશે, તેવા આશ્વાસનો આપ્યા છે. તે ઉપરાંત રાજ્યવ્યાપી દરોડાઓ પાડીને ઘણાં બૂટલેગરોને દબોચી લીધા છે. બીજી દૃષ્ટિએ જોઈએ તો જો આટલા સમયમાં જ આટલાબધા બૂટલેગરો દબોચાયા હોય, તો તે જ પૂરવાર કરે છે કે રાજ્યમાં દારૂ બનાવનારા, વેંચનારા અને પીનારાનું વ્યવસ્થિત નેટવર્ક ચાલી રહ્યું છે, અને તેની જાણ તંત્રને પણ હોવી જ જોઈએ. ભાવનગરના દારૂકાંડમાં એવો પર્દાફાશ થયો છે કે ઝેરી કેમિકલ્સ દિલ્હીથી આવ્યું હતું, જે દેશવ્યાપી નેટવર્કનો સંકેત આપે છે.
આ પહેલા પણ ગુજરાતમાં લઠ્ઠાકાંડો અને નકલી શરાબના કિસ્સા બન્યા છે. તે પૈકી સૌથી વધુ ખતરનાક અમે જીવલેણ કાંડોમાં વર્ષ ૧૯૮૯ માં વડોદરા લઠ્ઠાકાંડના ૧૩ર, વર્ષ ર૦૦૯ ના અમદાવાદ લઠ્ઠાકાંડમાં ૧૩૬ અને વર્ષ ર૦રર ના બોટાદ-અમદાવાદનું લઠ્ઠાકાંડમાં ૪ર મૃત્યુ થયા હતાં. વર્ષ ર૦રર ના લઠ્ઠાકાંડ સમયે પણ વિક્રમભાઈ માડમે કોંગ્રેસ તરફી જોરદાર અવાજ ઊઠાવ્યો હતો, જો કે 'ઈંગ્લીશ લઠ્ઠાકાંડ' જેવા શબ્દપ્રયોગો પહેલી વખત થઈ રહ્યા છે, કારણ કે નકલી ઈંગ્લીશ દારૂનું આખું નેટવર્ક ઝડપાયું છે, અને તેમાં દેશીદારૂના લઠ્ઠાકાંડ જેવા જ જીવલેણ ખતરનાક પરિબળો સામેલ છે.
બોટાદ-બરવાળા લઠ્ઠાકાંડ સમયે સરકારે જે આઈપીએલ અધિકારીઓને સસ્પેન્ડ કરવાના બદલે બદલી કરી હતી, તે અત્યારે ટોચની જગ્યાઓ પર છે, જે સરકારની બેવડી નીતિઓની 'અસલિયત' દર્શાવે છે.
જો ગુજરાતને ખરેખર જ નશામુક્ત કરવું હોય અને તેમાં પણ જીવલેણ લઠ્ઠા કે નકલી વિદેશી દારૂથી લોકોને બચાવવા હોય તો સ્વયં સમાજે આગળ આવવું પડશે. ગુજરાતમાં અત્યારે માત્ર વયસ્ક વ્યક્તિઓ નહીં, પરંતુ યુવાવર્ગમાં પણ દારૂ પીવાની આદત વધી રહી છે અને ઈંગ્લીશ દારૂની મહેફિલો કરવાને સ્ટેટ્સ સિમ્બોલ ગણવામાં આવી રહ્યું છે. એ ઉપરાંત યુવાવર્ગ જ નહીં, કિશોર વયજુથમાં પણ ગૂપચૂપ-માતાપિતાથી છૂપાવીને દારૂ પીવાની બદી વધી રહી છે અને આ કારણે જ કિશોરો-યુવાવર્ગ 'આઉટડોર' પીવા નીકળી પડતા હોવાથી કાયદો-વ્યવસ્થા તથા સામાજિક દુષ્કર્મો જેવી ગુનાખોરી પણ પનપી રહી છે, જેથી હવે સરકારે દંભી-આભાસી દારૂબંધીના બદલે અસલી અમલવારી કરવી પડશે, જેમાં દરેક સમાજે સહયોગી બનવું પડશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial