Advertisement
Author: નોબત સમાચાર

અમેરિકા-કેનેડા ટ્રેડ ડીલ તૂટીઃ ટ્રમ્પે લાદ્યો ૫૦ ટકા ટેરિફ

કેનેડાના પી.એમ. માર્ક કાર્ની લાલઘૂમઃ વોશિંગ્ટનથી તત્કાળ પાછી બોલાવી લીધી ટીમઃ તંગદિલી વધી

                                                                                                                                                                                                      

વોશિંગ્ટન તા. ૨૧: અમેરિકન-કેનેડા વચ્ચે ટ્રેડ ડીલ તુટી ગઈ છે. તેના કારણે અમેરિકાએ ૫૦ ટકા ટેરિફ લગાવતા કેનેડાએ વેપાર કરાર સ્થગિત કરીને એક એક ડોલરનો હિસાબ લેવાનો રણકાર કર્યો છે.

અમેરિકા અને કેનેડા વચ્ચે ૫૦% ટેરિફ (આયાત શુલ્ક) મુદ્દે મોટો વેપારી સંઘર્ષ શરૂ થયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાના સામાન પર ૫૦% ટેરિફ લાદ્યો છે. તેના જવાબમાં કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ પણ અમેરિકાને 'એક-એક ડોલર'નો હિસાબ આપવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી બંને દેશોના વેપાર અને ગ્રાહકો પર આર્થિક બોજ પડશે. આ ટેરિફ અડધી રાતથી અમલમાં આવશે.

 વિશ્વ પટલ પર બે સૌથી વધુ નિકટના પડોશી દેશો વચ્ચે એક મોટો અને ગંભીર વેપારી સંઘર્ષ શરૂ થઈ ગયો છે. અમેરિકા અને કેનેડા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી ટ્રેડ ડીલ આખરે તૂટી ગઈ છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાના સામાન પર ૫૦ ટકાનો ભારે-ભરખમ ટેરિફ (આયાત શુલ્ક) લાદવાનો મોટો નિર્ણય લીધો છે. તેના જવાબમાં કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ પણ પાછળ ન હટવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરતા એલાન કર્યું છે કે તેમનો દેશ અમેરિકાને તેની જ ભાષામાં જવાબ આપશે, એટલે કે 'એક-એક ડોલર'નો પૂરેપૂરો હિસાબ લેવામાં આવશે. આ મોટા ટકરાવથી બંને દેશોના વેપાર, ત્યાં કામ કરનારા લોકો અને સામાન્ય ગ્રાહકોના ખિસ્સા પર ભારે આર્થિક બોજ પડવાનું નક્કી છે.

વોશિંગ્ટનમાં સતત ત્રણ દિવસ સુધી ચાલેલી મેરેથોન બેઠકો અને ગાઢ ચર્ચાઓ છતાં બંને દેશો વચ્ચે કોઈ સાર્થક સમજૂતી સધાઈ શકી ન હતી. આ બેઠકો નિષ્ફળ ગયા બાદ કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ પોતાના વાર્તાકારોને તુરંત જ ઓટાવા પરત બોલાવી લીધા છે. પ્રાપ્ત માહિતી મુજબ, અમેરિકા અંદાજે ૨૮ અબજ કેનેડિયન ડોલર (લગભગ ૨૦ અબજ અમેરિકન ડોલર) મૂલ્યના માલસામાન પર ૫૦ ટકાનો ટેરિફ અડધી રાતથી અમલમાં મૂકવા જઈ રહૃાું છે.

આ સમગ્ર વિવાદની શરૂઆત જુલાઈ મહિનામાં થઈ હતી, જ્યારે પ્રમુખ ટ્રમ્પે ૧૯૩૦ ના ટેરિફ એક્ટના 'સેક્શન ૩૩૮'નો ઉપયોગ કર્યો હતો. આ ખાસ કાયદો અમેરિકન પ્રમુખને એવા દેશોની આયાત પર ૫૦ ટકા સુધીનો ભારે ટેક્સ લગાવવાની સત્તા આપે છે, જેઓ અમેરિકન વેપાર સાથે ભેદભાવપૂર્ણ નીતિ અપનાવતા હોય. ટ્રમ્પે આ મામલે વાતચીતને એક તક આપવા માટે આ પ્રતિબંધોને ત્રણ દિવસ અગાઉ રોકી રાખ્યા હતા, પરંતુ હવે તે તમામ મુદત સંપૂર્ણપણે પૂરી થઈ ચૂકી છે.

કેનેડાએ છેલ્લા દોઢ વર્ષ દરમિયાન આ વાતની પૂરેપૂરી કોશિશ કરી હતી કે તેના વ્યવસાયો અને ઉદ્યોગોને અમેરિકન બજારોમાં કોઈપણ પ્રકારના વધારાના શુલ્ક વગર સરળતાથી એન્ટ્રી મળતી રહે. પરંતુ હવે વડાપ્રધાન માર્ક કાર્નીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે તેમને બરાબર સમજાઈ ગયું છે કે અમેરિકાની વેપારી નીતિઓ હવે સંપૂર્ણપણે બદલાઈ ચૂકી છે. તેમનું કહેવું છે કે અમેરિકા હવે પોતાના સૌથી નજીકના અને ભરોસાપાત્ર સહયોગીઓ પર પણ ટેક્સ લગાવી રહૃાું છે અને પોતાના વિશાળ બજાર સુધી પહોંચવા માટે ભારે કિંમત વસૂલી રહૃાું છે. પોતાના દેશના કામગારો, શ્રમિકો અને લઘુ-મધ્યમ ઉદ્યોગોને સુરક્ષિત રાખવા માટે કેનેડાએ હવે વળતી આક્રમક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. સરકારે છેલ્લા ૧૮ મહિનામાં સ્થાનિક વેપારીઓ અને ઉદ્યોગોને ૨૫ અબજ કેનેડિયન ડોલરની આર્થિક સહાય પૂરી પાડી છે, એટલું જ નહીં પરંતુ આગામી સમયમાં પણ નવા રાહત પેકેજો લાવવાની પૂરતી તૈયારીઓ ચાલી રહી છે.

આ સમગ્ર વિવાદ પર અમેરિકન પક્ષનું નિવેદન બિલકુલ અલગ પ્રકારનું સામે આવ્યું છે. અમેરિકન વેપારી પ્રતિનિધિ જામીસન ગ્રીયરનું એવું કહેવું છે કે તેમણે કેનેડાને એક અત્યંત શાનદાર અને લાભદાયી ઓફર રજૂ કરી હતી, જેનાથી તેને અમેરિકામાં અન્ય કોઈપણ નિકાસકાર દેશની તુલનામાં સૌથી શ્રેષ્ઠ અને અનુકૂળ સ્થિતિ મળી રહેતી. અમેરિકાનો એવો દાવો છે કે વાતચીત દરમિયાન કેનેડિયન ગાડીઓ પર લાગતો ટેરિફ ૨૫ ટકાથી ઘટાડીને ૧૫ ટકા કરવા તથા સ્ટીલ અને એલ્યુમિનિયમ પર તેને ૫૦ ટકાથી ઘટાડીને ૨૫ ટકા પર લાવવાની ખાસ ઓફર મૂકવામાં આવી હતી. જોકે, કેનેડા તરફથી અમેરિકન દારૂ (વાઈન) અને ડેરી ઉત્પાદનો પર અગાઉથી લાદવામાં આવેલી આયાત પ્રતિબંધોના મુદ્દા પર વાતચીતમાં મામલો ફસાયેલો રહી ગયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh