Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'દેશમાં પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરાના ભાર હેઠળ મધ્યમ વર્ગ દબાઈ રહ્યો છે. ઈન્કમટેક્સ, ટોલટેક્સ તથા પરોક્ષ કરવેરા ચૂકવ્યા પછી પણ મધ્યમ વર્ગને કોઈ નોંધપાત્ર સરળતા કે સુવિધા મળતી નથી. દેશમાં ખરાબ-બિસ્માર માર્ગો, નબળી સાર્વજનિક શિક્ષણ સિસ્ટમ, અપૂરતી સ્વાસ્થ્ય સુરક્ષા જેવી સમસ્યાઓથી મિડલ ક્લાસ પીડાઈ રહ્યો છે. જો થોડું સારૂ શિક્ષણ મેળવવું હોય તો (મોંઘીદાટ) પ્રાઈવેટ સ્કૂલો તથા માતા-પિતાની સારી સારવાર માટે ખાનગી હોસ્પિટલો પર જ નિર્ભર રહેવું પડે છે, તેથી જ્યાં સુધી દેશમાં વર્લ્ડક્લાસ (વિશ્વકક્ષાની) ઉત્તમ સુવિધાઓ મળતી થાય નહીં, ત્યાં સુધી પગારદાર મધ્યમવર્ગ માટે પર્સનલ ઈન્કમ ટેક્સ ખતમ જ કરી દેવો જોઈએ. જો ગ્લોબલ દર મુજબ ટેક્સ ચૂકવતા હોઈએ તો સુવિધાઓ પણ ગ્લોબલ જ મળવી જોઈએ. મિડલ ક્લાસને ધોળે દિવસે લૂંટવામાં આવી રહ્યો છે. ભારતનો મધ્યમ વર્ગ (સરકાર માટે) માત્ર 'એટીએમ' બની ગયો છે!'
ઉપરોક્ત શબ્દો અત્યાર સુધી ભાજપ તરફથી તેજતર્રાર દલીલો કરતા રહેલા એક જાણીતા રાષ્ટ્રીય પ્રવક્તાના છે, જેમણે તાજેતરમાં જ 'અંગત' કારણોસર ભારતીય જનતા પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું. મોદી શાસનકાળના ૧ર વર્ષ પહેલાના ઉદયના સમયગાળામાં કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા આ યુવાનેતાનો મોહભંગ થયો કે પછી ખરેખર કોઈ પર્સનલ કારણો હોય, અને તેઓને અન્યત્ર કારકિર્દી બનાવવી હોય, તો પણ તેમની સોશિયલ મીડિયાના માધ્યમથી વ્યક્ત થયેલી વેદના ઘણું બધું કહી જાય છે...
થોડા દિવસોથી યોગગુરુ બાબા રામદેવના સૂર પણ થોડા બદલ્યા છે. તેઓ હવે પક્ષ-વિપક્ષ બન્નેની ટીકા કરીને પોતે કેવું ભારત જોવા માંગે છ ે, તેનું વિવરણ કરી રહ્યા છે, અને મીડિયાના માધ્યમથી પ્રવર્તમાન સિસ્ટમ સામે તથા પરોક્ષ રીતે સરકાર સામે આંગળી ચીંધી રહ્યા છે. ૧ર વર્ષ પહેલા કાળા નાણા પરત લાવવાની ઝુંબેશ ચલાવીને તથા ભ્રષ્ટાચાર વિરોધી મંતવ્યો આપીને સ્પષ્ટ રીતે તત્કાલિન સત્તાવિરોધી વલણ અપનાવનાર યોગગુરુ બાબા રામદેવ ફરીથી આંદોલન કરવાની તૈયારી બતાવી રહ્યા હોય, તો તે ઘણું ઘણું કહી જાય છે.
આપણે પ્રાથમિક શિક્ષણમાં એક નાની વાર્તા ભણ્યા છીએ, જેમાં 'છી, છી, આ દ્રાક્ષ તો ખાટી છે' તેવું મથાળું હતું, કાંઈક એવું જ હમણાંથી દેશમાં બની રહ્યું છે, અને ઘણાં લોકોનો ભ્રમ તૂટી રહ્યો છે. કિસાન આંદોલન અને હવે છાત્ર આંદોલન પછી કેટલાક એવા નિવેદનો આવવા લાગ્યા છે, જે બોલનાર વ્યક્તિવિશેષોની ભૂમિકા વર્ષ ર૦૧૪, વર્ષ ર૦૧૯ અને વર્ષ ર૦ર૪ ની ચૂંટણીઓ સુધી તો ભાજપ કે એનડીએની સરકાર તરફે રહી હતી, પરંતુ હવે તેઓનો કાં તો ભ્રમ ભાંગ્યો છે, અથવા તો 'છી... છી... દ્રાક્ષ તો ખાટી છે'ની જેમ ધાર્યા 'મધૂર ફળો' પ્રાપ્ત થતા નથી!
જો કે, જે હોય તે ખરૂ, પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી મધ્યમ વર્ગના જે મુદ્દા ઊઠાવાઈ રહ્યા છે, તે એકદમ સાચા છે, અને આજેદેશનો મધ્યમ વર્ગ ખરેખર પરેશાન થઈ રહ્યો છે, અને આ જ પ્રકારની વાતો થોડા દિવસો પહેલા યોગગુરુ બાબા રામદેવે પણ મીડિયા સમક્ષ કરી હતી, તે પછી આ મુદ્દાઓ ટોક ઓફ ધ નેશન બન્યા છે.
આ તરફ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ 'કેગ'ના રિપોર્ટને ટાંકીને રેલવે તંત્ર પર પ્રહારો કર્યા છે. 'કેગ'ના વર્ષ ર૦૧૯-ર૦ થી ર૦ર૪-રપ ના રિપોર્ટને ટાંકીને તેમણે કહ્યું છે કે, ૧ર વર્ષ પહેલા વર્ષ ર૦૧૪ માં બૂલેટ ટ્રેનના દાવા કરનાર સરકાર વર્ષ ર૦ર૬ સુધી સામાન્ય મુસાફરોને શુદ્ધ પીવાનું પાણી પણ પૂરૃં પાડી રહી નથી!
'કેગ'ને ટાંકીને તેમણે રેલવે તંત્ર તથા કેન્દ્ર સરકારને આડેહાથ લેતા કહ્યું છે કે, અમૃત ભારત સ્ટેશન યોજનામાં સમાવાયેલા અમદાવાદ અને સુરતના રેલવે સ્ટેશનોના આધુનિકરણના નામે અબજો રૂપિયા ખર્ચ્યા પછી પણ ત્યાં પીવાના શુદ્ધ પાણી અને શૌચાલયોની પર્યાપ્ત કે સંતોષકારક સુવિધાઓ જ ન હોય તો શું કામનું?
'કેગ'ના રિપોર્ટ મુજબ પાંચ વર્ષના નિયત સમયગાળામાં યાત્રિકોની સુવિધા માટે ફાળવાયેલી અગિયાર હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ જો વાપર્યા વિનાની જ પડી રહી હોય અને બીજી તરફ પ્રાઈવેટાઈઝેશન વધારીને જો મળતિયા ઈજારેદારોને લાભ પહોંચાડવાના કારસા રચાઈ રહ્યા હોય તો તે સરકારની ભેદી અને બોદી નીતિ દર્શાવે છે. આ ઉપરાંત ડો. મનિષ દોશીએ વર્તમાન સરકારે રૂ।. ત્રણથી રૂ।. પાંચની પ્લેટફોર્મ ટિકિટના દર કોરોના કાળમાં રૂ।. પ૦ સુધી વસૂલ્યો હતો, તેનો ઉલ્લેખ કરીને કહ્યું કે વર્ષ ર૦૧૯-ર૦ માં પ્લેટફોર્મ ટિકિટ દ્વારા જ રેલવે તંત્રને રૂ।. ૧૬૦ કરોડની આવક થઈ હતી. તે ઉપરાંત કડક નિયમો લાગુ કરીને છેલ્લા ચાર વર્ષમાં મુસાફરો પાસેથી રૂ।. ૬૧૧ર કરોડ વસૂલી લેવાયા છે. આ રીતે પેસેન્જરોને લૂંટવામાં આવી રહ્યા છે, અને સુવિધાઓના ક્ષેત્રે સતત મુસાફરોની ઉપેક્ષા થઈ રહી છે. 'કેગ'ના આ રિપોર્ટને ટાંકીને તેમણે કેન્દ્રિય રેલવે મંત્રીના રાજીનામાની માંગણી કરી છે.
બીજી તરફ એવા અહેવાલો પણ આવ્યા છે કે, 'કેગ'ના રિપોર્ટ પછી રેલવે તંત્રમાં દોડધામ મચી ગઈ છે. એવું કહેવાય છે કે આ રિપોર્ટ પછી કેન્દ્રિય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે તો તત્કાળ રેલવે બોર્ડના અધ્યક્ષ અને મુખ્ય એક્ઝિક્યુટીવ ઓફિસર સાથે રેલવે સ્ટેશનો પર પીવાના પાણીની વ્યવસ્થા અને શૌચાલયોની સુવિધા વિષયક સમીક્ષ કરીને તાબાના તંત્રોને તત્કાળ સ્થિતિ સુધારવાની તાકીદો કરી છે.
રેલવે તંત્રે આ મુદ્દે ચોખવટ કરવાનો પ્રયાસ કરતા કહ્યું છે કે કેગના રિપોર્ટમાં અમદાવાદ અને સુરત રેલવે સ્ટેશનોના સંબંધમાં ક્યાંય એવું નથી કહેવાયું કે આ બન્ને સ્ટેશનો પર મૂળભૂત યાત્રિક સુવિધાઓ કે પીવાનું પાણી તદ્ન ઉપલબ્ધ નથી. અમદાવાદ રેલવે સ્ટેશનના સંબંધમાં કેગના રિપોર્ટમાં પીવાના પાણીના નળ, સિટિંગ એરેજમેન્ટ અને વોટરકુલરની નિર્ધારિત સંખ્યા સામે થોડી ઉણપ દર્શાવી છે, જેનો અર્થ એવો નથી કે રેલવે સ્ટેશનો પર પીવાના પાણી અને બેસવાની વ્યવસ્થા જ નથી અથવા તેનો અભાવ છે!
જે હોય તે ખરૃં, પરંતુ રેલવેમાં મહત્તમ મુસાફરો ગરીબ અને મધ્યમવર્ગિય હોય છે. મધ્યમવર્ગને સ્પર્શતો આ મુદ્દો તો ભાજપના જ એક મોટા વર્ગને પણ સ્પર્શે છે, તેથી બાર વર્ષ પહેલા જે મોટા મોટા બુદ્ધિજીવીઓ, વ્યક્તિવિશેષો અને સપોર્ટરોએ વર્તમાન કેન્દ્ર સરકારની બુનિયાદ મજબૂત કરવામાં સહયોગ આપ્યો હતો અને ઘણાં યુવા ચહેરાઓ સહિત લબ્ધ-પ્રતિષ્ઠિત નેતાઓ વિવિધ ક્ષેત્રના વ્યક્તિવિશેષો અચ્છે દિનની આશામાં ભાજપમાં જોડાયા હતાં કે તે સમયના શાસકપક્ષને તિલાંજલિ આપીને ભાજપમાં આવ્યા હતાં, તેમજ યોગગુરુ જેવા કેટલાક નિષ્પક્ષ ચહેરાઓ સમર્થનમાં ખૂલ્લેઆમ મેદાને પડ્યા હતાં, તેઓની હવે અવગણના થઈ રહી હોય કે પછી મોહભંગ થયો હોય, તો માત્ર ભારતીય જનતા પક્ષ જ નહીં, પરંતુ એનડીએના સાથીદાર પક્ષો માટે પણ આત્મમંથનનો વિષય છે. અત્યારે તો 'મધ્યમવર્ગો' (સરકાર માટે) માત્ર એટીએમ બની ગયા હોવાનું કથિત નિવેદન જ 'ટોક ઓફ ધ નેશન' બન્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial