Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શાસ્ત્રોમાં કહ્યું છે કે આપણે દરરોજ પહેલી રોટલી ગાયને આપવી જોઈએ અને બીજી કૂતરાને. સદીઓથી ચાલી આવતી આ પવિત્ર પરંપરાને હમણાં અદાલતી ચુકાદાઓનું ગ્રહણ લાગ્યું છે. અદાલતી ચુકાદાઓને કારણે આપણા શહેરોમાંથી રખડતા પશુઓને, ખાસ કરીને ગાય અને કૂતરાઓને સરકારે દૂર કર્યા છે. પરિણામે ઉનાળાની આ બળબળતી બપોરે રસોઈ કરવા કરતાં પણ, રોટલી આપવા માટે ગાય - કૂતરા શોધવા એ વધારે અઘરું છે.
જો કે ગાય કૂતરાને પહેલી રોટલી આપવાની વાત કરનાર શાસ્ત્રોમાં એ સ્પષ્ટતા ક્યાંય નથી કરી કે જો ગોતવા છતાં પણ ગાય કૂતરા ન મળે તો એ રોટલીનું શું કરવાનું ? સાચવી રાખવાની કે ફેંકી દેવાની ?
રવિવારનો દિવસ હતો. સવારના પહોરમાં ફાફડા જલેબીનો ભારે નાસ્તો કરીને આરામથી બેઠેલા નટુને પણ આવો જ પ્રશ્ન થયો કે, *ગાય કૂતરા આજુબાજુમાં ક્યાંય દેખાતા નથી, તો તેમના માટે બનાવેલી આ રોટલીઓનું શું થતું હશે ?*
નટુ તરત જ ઊભો થયો અને આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે ચોરપગલે રસોડા ભણી ચાલ્યો. રસોડા પાસે પહોંચીને જોયું તો અંદર શ્રીમતીજી એક હાથમાં મોબાઈલ લઈને તેના મમ્મી સાથે વાતો કરવામાં મશગુલ હતા. *હા મમ્મી, હું અહીં બિલકૂલ મજામાં જ છું...*
*શું કહ્યું, ગરમી ? અહીં અમદાવાદમાં ગરમી તો ખૂબ જ છે..*
*... નહીં, નહીં, લાઈટનો કોઈ પ્રોબ્લેમ નથી. એસી પણ બરાબર ચાલે છે.. *
*... આમ તો બધું બરાબર છે, પરંતુ રોટલી ખવડાવવા માટે ગાય કે કૂતરા કોઈ અહીં અમદાવાદમાં મળતા નથી..*
*... ના ના. ગાય કે કૂતરા ન મળે એટલે તેમના માટે બનાવેલી રોટલી નાખી થોડી દેવાય ? જો હું તો એવું કરૃં છું કે, ગાયને ખવડાવવાની રોટલી હું ખાઈ જાઉં છું, અને કૂતરાની રોટલી એમને ટિફિનમાં આપી દઉં છું..!! અન્નનો બગાડ તો ન કરાય ને..!*
નટુ તો આટલું સાંભળીને સડક થઈ ગયો. શું તે રોજ ટિફિનમાંથી કૂતરાને ખવડાવવાની રોટલી ખાતો હતો ? તે કશું જ બોલ્યો નહીં. તેણે રવિવાર આખો દિવસ મૌન રહીને પસાર કર્યો.
સોમવારે સવારે નટુએ રાબેતા મુજબ શાંતિથી ટિફિન લીધું, અને ઓફિસે ગયો. સાચો પ્રોબ્લેમ તો બપોરે લંચ ટાઇમે થયો. હંમેશાંની જેમ ટિફિનમાં દાળ ભાત શાક અને રોટલી હતા. રોટલીનું ખાનું ખોલતા જ તેને શ્રીમતીજીનો ગઈકાલે ફોનમાં સાંભળેલો અવાજ ફરીથી સંભળાયો, *.. ગાયની રોટલી હું ખાઈ જાઉં છું અને કૂતરાની રોટલી એમને ટિફિનમાં આપી દઉં છું ! ગાય કૂતરા ન મળે એટલે, અન્નનો બગાડ થોડો કરાય?*
હવે નટુ બરાબરનો ગોટે ચડ્યો. ટિફિનમાં ત્રણ રોટલી હતી, જેમાંથી એક કૂતરા માટે બનાવેલી રોટલી હતી. હવે આ ત્રણમાંથી કૂતરા માટેની રોટલી કઈ ? સૌથી ઉપલી ? કે પછી સૌથી નીચલી ?
નટુ કશું જ નક્કી ન કરી શક્યો એટલે પછી તેણે ઉપલી અને નીચલી બંને રોટલી જવા દીધી, અને બાકી વધેલી એક રોટલીથી કામ ચલાવ્યું.
એ સાથે જ નટુએ બીજી બે વાત પણ નક્કી કરી. એક, પોતાનું ટિફિન ભરાતું હોય ત્યારે હાજર રહેવું અને ધ્યાન રાખવું કે કૂતરાની રોટલી કઈ છે ? અને બીજું, આવતીકાલથી ટિફિનમાં એક રોટલી વધારે ભરવાનું કહેવું, જેથી કૂતરાની એક રોટલી કાઢી નાખ્યા પછી પણ પોતે ભૂખ્યા રહેવું પડે નહીં..
વિદાય વેળાએ : આજે એક મુરતિયાએ ચૂલા પર રાંધતા ફોટા મૂક્યા તો તેને ઢગલાબંધ માંગા આવ્યા.. સમયની માંગ છે, કે આફતને અવસરમાં ફેરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial