Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની સાયચા ગેંગ સામે ગુજસીટોક હેઠળ નોંધાયો ગુન્હોઃ છ શખ્સની ધરપકડઃ ચારનો જેલમાંથી લેવાશે કબજો

એકની હાથ ધરાઈ શોધખોળઃ ગેંગ સામે નોંધાયા છે ૭૪ ગુન્હાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: જામનગરના બેડી વિસ્તારમાં કાર્યરત્ એવી સાયચા ગેંગ દ્વારા વર્ષાેથી સામાન્ય નાગરિતમાં ભય પ્રસરે તેવા કૃત્ય કરવામાં આવતા હતા અને ગુન્હાકીય પ્રવૃત્તિ આચરી આ ટોળકી હત્યા, અપહરણ, ખંડણી જેવા ભારે ગુન્હાઓ આચરતી રહેતી હતી. આ ટોળકીની ક્રાઈમ કુંડળી એકત્ર કર્યા પછી ગઈકાલે ટોળકીના કુલ ૧૧ શખ્સ સામે ગુજસીટોક હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે. છની ધરપકડ કરાઈ છે, ચારનો જેલમાંથી કબજો લેવાની તજવીજ કરાઈ છે અને એક શખ્સની શોધ કરાઈ રહી છે.

જામનગર જિલ્લામાં એજાઝ ઉમર સાયચા તથા રઝાક નુરમામદ સાયચા નામના બેડીના શખ્સો દ્વારા કેટલાક સાગરિતોને પોતાની ટોળકીમાં સંગઠીત કરી હત્યા, હત્યા પ્રયાસ, અપહરણ, ખંડણી, ફાયરીંગ, વ્યાજ વટાવ, આર્મ્સ એક્ટ, મારી નાખવાની ધમકી, રાયોટીંગ, જમીન પર ગેરકાયદેસર કબજો, આપઘાતની દુષ્પ્રેરણા, જાહેરનામા ભંગ, દારૂબંધી ભંગ, જુગારધારા, હથિયરબંધી તેમજ મારામારી સહિતના ગુન્હાઓ આચરવામાં આવતા હોવાની વિગતો પોલીસ સુધી પહોંચી હતી. જેના પગલે પોલીસે આ ટોળકી દ્વારા આચરાયેલા ગુન્હાઓની વિગતો મેળવવાનું શરૂ કર્યું હતું. જેમાં જામનગર શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ઉપરાંત અમદાવાદના શાહપુર પોલીસ સ્ટેશનમાં બે ગુન્હા તેમજ ભાયાવદર પોલીસ સ્ટેશનમાં એક ગુન્હો અને રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પણ એક ગુન્હો મળી કુલ ૭૪ ગુન્હાઓ આચર્યા હોવાની વિગત પ્રકાશમાં આવી હતી.

તે વિગતના આધારે રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાય દ્વારા આ ટોળકી સામે કાયદાનો સકંજો કસવા માટે સૂચના આપવામાં આવતા જિલ્લા પોલીસવડા ડો. રવિમોહન સૈનીના માર્ગદર્શન અને સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના વડપણ હેઠળ એલસીબી પીઆઈ વી.બી. ચૌધરી, પીએસઆઈ એમ.વી. ભાટીયા, સિટી બીના પીઆઈ એન.એમ. ગઢવી તથા એસઓજી, પેરોલ ફર્લો ટીમ દ્વારા આ શખ્સોની ક્રાઈમ કુંડળી એકત્ર કરવામાં આવી હતી.

ત્યારપછી ગઈકાલે જામનગર એલસીબી પીઆઈ વી.બી. ચૌધરીએ આ ગેંગના ૧૧ શખ્સ સામે રાજ્યના આતંકવાદ અને સંગઠીત ગુન્હા નિયંત્રણ અધિનિયમ (ગુજસીટોક)-૨૦૧૫ની કલમો હેઠળ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે. આ ટોળકીના ગુલાબ જુસબ સાયચા, મહેબુબ જુસબ સાયચા, અસગર જુસબ સાયચા, હનીફ નુરમામદ સાયચા, ઈમ્તિયાઝ નુરમામદ સાયચા અને રઝાક દાઉદ ચાવડા ઉર્ફે રઝાક સોપારી તેમજ બશીર જુસબ સાયચા, સીકંદર નુરમામદ સાયચા, ઈમરાન નુરમામદ સાયચા, રઝાક નુરમામદ સાયચા, એજાઝ ઉમર સાયચા સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે.

ઉપરોક્ત આરોપીઓ પૈકીના ગુલામ સાયચા, મહેબુબ સાયચા, અસગર સાયચા, હનીફ સાયચા, ઈમ્તિયાઝ સાયચા, રઝાક દાઉદ ઉર્ફે રઝાક સોપારીની અટકાયત કરી લેવાઈ છે. જ્યારે  બશીર જુસબ, સીકંદર નુરમામદ, ઈમરાન નુરમામદ, રઝાક નુરમામદ નામના ચાર આરોપી હાલમાં જેલમાં રહેલા છે. તેઓની આ ગુન્હામાં જેલમાંથી કબજો મેળવી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અને આ ગેંગના એજાઝ ઉમર સાયચા નામના આરોપીની શોધ કરાઈ રહી છે.

ઝડપાઈ ગયેલા છ આરોપીઓને ગઈકાલે જિલ્લા પોલીસવડા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. આ ટોળકીના તમામ રીઢા ગુન્હેગારો ઘણાં વર્ષાેથી ગુન્હાહિત પ્રવૃત્તિ આચરી નાગરિકોમાં ભય તથા ત્રાસનું વાતાવરણ પ્રસરાવતા હતા. તેઓએ ગેરકાયદે પ્રવૃત્તિથી સ્થાવર તથા જંગમ મિલકતો વસાવી છે તેને વેરીફાઈ કરવામાં આવી રહી છે અને તે પછી આ મિલકતો ટાંચમાં લેવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવી એસપી ડો. સૈનીએ ઉમેર્યું હતું કે, આ આરોપીઓની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરનાર વ્યક્તિઓને આ ગુન્હામાં સંડોવાયેલા આરોપીઓ તરીકે તેઓની વિરૂદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, કેટલાક વર્ષ પહેલાં જામનગરમાં ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી એક યુવતીએ આ ગેંગના કેટલાક શખ્સના ત્રાસથી કંટાળી જઈ આત્મહત્યા વ્હોરી લીધી હતી. તેણીના ભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને આ યુવતીને ન્યાય અપાવવા માટે બેડીના હારૂનભાઈ પલેજા નામના એડવોકેટે તે કેસ સ્વીકારી કાનુની લડત આપવાનું શરૂ કર્યું હતુ. આ એડવોકેટને અદાલતના પટાંગણમાં ધમકી આપવા ઉપરાંત તેઓની બે વર્ષ પૂર્વે બેડી વિસ્તારમાં કરપીણ હત્યા કરી નાખવામાં આવી હોવાનો ગુન્હો પણ આ ગેંગના સદસ્યો સામે નોંધાઈ ચૂક્યો છે. જે તે વખતે કેટલાક આરોપીની ધરપકડ થઈ હતી અને કેટલાક આરોપીની મિલકતો પર જે તે વખતના એસપી પ્રેમસુખ ડેલુના વડપણ હેઠળ પોલીસે ડિમોલિશન પણ કર્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh