Advertisement
Author: નોબત સમાચાર

ઝુકતી હૈ દુનિયા, ઝુકાને વાલા ચાહિયે... સંગઠન શક્તિ હૈ મહાન, ઈરાદા નેક હોના ચાહિયે...

                                                                                                                                                                                                      

સીજેઆઈની એક ટિપ્પણીના શબ્દોને પકડીને જ્યારે કોકરોચ જનતા પાર્ટીની ઓનલાઈન ઝુંબેશ ચાલી, ત્યારે કોઈએ તેને ગંભીર ગણી નહોતી, અને મજાક ઊડાવાઈ રહી હતી. અભિજિત દીપકેને અવગણીને સત્તાધીશો મધ્યસ્ત હતાં અને નીટના કૌભાંડમાં સંડોવાયેલાઓ કદાચ 'ગોડ ફાધરો'ના ભરોસેે નિશ્ચિંત હતાં, જો કે દબાણ વધતા કેટલાક અધિકારીઓ તથા શંકાસ્પદોની અટકાયતો થઈ, તપાસના નાટકો ચાલ્યા, પરંતુ જ્યારે એક તરફ વિપક્ષનું દબાણ અને બીજી તરફ જંતરમંતર પર યુવાઓના આંદોલનને વેગ મળવા લાગ્યો અને હજારોની સંખ્યામાં સ્ટુડન્ટ્સ ત્યાં આવવા લાગ્યા, ત્યારે કદાચ સંબંધિત ઉચ્ચ અધિકારીઓની ઊંઘ ઊડી, પરંતુ ત્યાં સુધીમાં ઘણું જ મોડું થઈ ગયું હતું.

'બાર બાર વરસે નવાણ ગળાવ્યા, નવાણે નીર ન આવ્યા જી રે...' જેવી એક કાવ્યપંક્તિને અનુરૂપ પ્રવર્તમાન કેન્દ્ર સરકારને બાર વર્ષ થયા, છતાં આ દેશવ્યાપી પેપરલીક સમસ્યાનો અંત આવ્યો જ નહીં, અને નીટ પેપરલીક પછી નિંભર રહેલા તંત્રો અને 'વહેમ'માં રહેલા નેતાઓની આંખ યુવાશક્તિએ ઊડાડી દીધી, અને આંદોલનકારીઓની માંગણીઓ સરકારે સ્વીકારવી પડી. આ આખા ઘટનાક્રમમાં સોનમ વાંગચૂકની ભૂમિકા પણ મહત્ત્વપૂર્ણ રહી હતી. સરકારે તમામ માંગણીઓ સ્વીકારવા છતાં આંદોલનકારી મક્કમ રહેતા કેન્દ્રિય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું જ પડ્યું, અને ત્યાંથી જ આ આંદોલનને પોલિટિકલ કલર લાગ્યો હોવાની આક્ષેપબાજી પણ થઈ. મોદી સરકારના શાસનકાળમાં ૧ર વર્ષમાં પહેલી વખત આવી રીતે કોઈ મંત્રીએ રાજીનામું આપવું પડ્યું. આ આખા ઘટનાક્રમ દરમિયાન વિપક્ષોની ટોચની નેતાગીરીએ નિવેદનો દ્વારા સમર્થન આપ્યું અને પ્રથમ તથા બીજી હરોળના કેટલાક નેતાઓએ જંતરમંતર પર આંદોલન કરી રહેલા તથા ઉપવાસ પર ઉતરેલા સોનમ વાંગચુકને મળીને ટેકો આપ્યો.

સોનમ વાંગચૂકના ર૬ દિવસના ઉપવાસ પછી તેઓને જબરદસ્તી હોસ્પિટલે ખસેડાયા, તે પછી તેમણે સરકાર પર વિશ્વાસ મૂકીને પારણા કર્યા, પરંતુ કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન શિક્ષણમંત્રીના રાજીનામા સુધી ચાલ્યું હતું.

આ પ્રચલીત ઘટનાક્રમ એટલા માટે યાદ આવી ગયો કે ઝારખંડમાં પણ લગભગ સમાન પ્રકારના મુદ્દાઓને લઈને ચાલી રહેલા આંદોલન સામે હવે ઝારખંડની સરકારે પણ ઝુકવું પડ્યું છે અને જેના ટેકાથી હેમંત સોરેનની સરકાર સત્તામાં છે, તે કોંગ્રેસ પાર્ટીના હાલના સર્વેસર્વા ગણાતા નેતા રાહુલ ગાંધીના અનુરોધ પછી સોરેન સરકારને પણ જીદ છોડવી પડી છે.

ઝારખંડમાં પણ જેએસએસસી, સીજીએલ અને ટીડીપીએલ દ્વારા લેવાયેલી તમામ પરીક્ષાઓ રદ્ કરવી પડી છે. લગભગ રપ દિવસથી ચાલી રહેલા વિદ્યાર્થીઓના આંદોલન પછી હેમંત સોરેન સરકારે વિદ્યાર્થીઓની મહત્ત્વપૂર્ણ માંગણી સ્વીકારીને રિટાયર્ડ જજની અધ્યક્ષતામાં તટસ્થ સમિતિને પરીક્ષાઓમાં ગેરરીતિની તપાસ સોંપવાની જાહેરાત કરી છે. આ સમિતિ માત્ર આ ત્રણ-ચાર પરીક્ષાઓ નહીં, પરંતુ ઝારખંડમાં લેવાયેલી વર્ષ ર૦૧૪ થી અત્યાર સુધીની ૧ર વર્ષની તમામ પરીક્ષાઓની પણ તપાસ કરશે.

કોકરોચ જનતા પાર્ટીના આંદોલનનું કેન્દ્ર નવી દિલ્હીનું જંતર-મંતર રહ્યું હતું અને તેનું નેતૃત્વ અભિજિત દીપકે, સોનમ વાંગચૂક, પ્રકાશ રાજ, અતુલ કુલકર્ણી, મહુઆ મોઈત્રા અને મુખ્ય પ્રવક્તા સૌરભદાસ તથા આશુતોષ રાંકા હતાં, જ્યારે ઝારખંડના રાંચીમાં જયપાલસિંહ મુંડા સ્ટેડિયમમાં ચાલતા આંદોલનમાં દેવેન્દ્રનાથ મહતો (વિદ્યાર્થી નેતા) અને નીટના સ્ટુડન્ટ મેઘા મુખ્ય ચહેરા છે. બન્ને આંદોલનના ઉદેશ્યો, માંગણીઓ અને તેની ફલશ્રૂતિની સરખામણી કરવામાં આવે, તો બન્ને આંદોલનો સામે સંબંધિત સરકારોને ઝુકવું પડ્યું છે, જો કે હેમંત સોરેન સરકારે સીબીઆઈની તપાસના બદલે રિટાયર્ડ જજની અધ્યક્ષતામાં તપાસ સમિતિની રચનાનો નિર્ણય લીધો છે, અને બીજી તરફ સંબંધિત મંત્રી કે મુખ્યમંત્રીએ રાજીનામું આપવું પડ્યું નથી, જો કે આંદોલનકારીઓએ પણ એવા ભાજપના છાત્રનેતાઓએ શિક્ષણ મંત્રી અને સી.એમ.ના રાજીનામાની માંગણી કરી હતી, પરંતુ તેના પર બહુ ભાર મૂક્યો હોય તેમ જણાયું નહોતું, તેથી ગઈકાલે રાત્રે ઝારખંડ સરકારે કરેલી જાહેરાત પછી આજે તેના જે પ્રત્યાઘાતો આવી રહ્યા છે, તે ઘણાં જ મહત્ત્વપૂર્ણ, રસપ્રદ અને મનોમંથન કરવા જેવા છે. બીજી તરફ કોઈનું રાજીનામું માંગ્યા વિના આંદોલનકારીઓએ પારણા કરી લીધા અને ભૂખ હડતાલ ખતમ થઈ છે, તેવા અહેવાલો વચ્ચે તાજા અહેવાલો મુજબ રાંચીમાં આંદોલન સંપૂર્ણપણે ખતમ નહીં કરવાનો કેટલાક છાત્ર નેતાઓએ નિર્ણય લીધો છે, અને સીબીઆઈની તપાસની માંગણી કરી રહ્યા છે.

જો કે, ઝારખંડમાં જેપીએસસી-જેએસએસસી રિફોર્મ્સ મંચ દ્વારા નૈતિક આધાર પર રાજીનામાઓની માંગણી થયા પછી સોરેન સરકાર પર દબાણ વધ્યું હતું, અને કોંગ્રેસ અને રાહુલ ગાંધીના બદલાયેલા વલણ પછી ઝારખંડની ગઠબંધન સરકાર સામે રાજકીય પડકાર પણ ઊભો થયો હતો. જંતરમંતરના આંદોલનને સમર્થન આપ્યા પછી ઝારખંડમાં પણ વિદ્યાર્થીઓની તરફેણમાં સ્ટેન્ડ લેવું એ કદાચ રાજકીય મજબૂરી હતી અને જેના ટેકાથી સરકાર ટકી છે, તે કોંગ્રેસની અવગણના કરવી એ સેલ્ફગોલ કે રાજકીય આત્મઘાત કરવા જેવું હતું, તેથી હેમંત સોરેન સરકારને પણ કેન્દ્ર સરકારની જેમ અંતે ઝુકવું જ પડ્યું છે. હજુ જોઈએ આગે આગે ક્યા હોતા હૈ...!

નીટ પેપરલીક મામલામાં પ્રારંભથી પરિણામ સુધીમાં ઘણાં અધિકારી-કર્મચારીઓ તથા પદાધિકારીઓના રાજીનામા પડ્યા હતાં અને તેની પરાકાષ્ટા કેન્દ્રિય શિક્ષણમંત્રીના રાજીનામા સુધી પહોંચી હતી. ઝારખંડમાં પણ જેપીએસી ચેરમેન, ત્રણ સભ્યોના રાજીનામા પડ્યા છે. બન્ને સ્થળે સંબંધિત તંત્રોના જવાબદાર ઓફિસરો-કર્મચારીઓ પર પણ વધુ કડક પગલાં લેવાઈ રહ્યા છે. 'બીજી તરફ' દિમાગી નક્સલ પાર્ટીના પણ લાખો ઓનલાઈન ફોલોઅર્સ ઊભા થતા નેતાગીરીની ઊંઘ ઊડી ગઈ હશે.

'બુરે કામ કા બુરા નતીજા, ક્યું ભાઈ ચાચા, સુન ભતીજા' હિન્દી ગીતની પંક્તિ મુજબ કેન્દ્ર અને રાજ્ય સરકારોએ હવે એ સમજી લેવાની જરૂર છે કે, ફરીથી એક વખત દેશની યુવાશક્તિ જાગૃત થઈ ગઈ છે. પેપરલીક, પરીક્ષાઓમાં ગરબડ, સરકારી નોકરીઓની ભરતીમાં ગરબડ ગોટાળા, પરીક્ષાચોરી અને તદ્વિષયક લાંચ, રૂશ્વત, ગેરરીતિ, ભ્રષ્ટાચાર સામે યુવાશક્તિ ઝઝુમવાની જ છે, પછી ભલે સરકાર કોઈપણ પક્ષ, ગઠબંધન કે પ્રભાવશાળી નેતૃત્વની હોય... ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિયે... સંગઠન શક્તિ હૈ મહાન... ઈરાદા નેક હોના ચાહિયે...

આ સફળતાઓ પછી શિક્ષણ, પરીક્ષાઓ તથા સરકારી નોકરીઓમાં ભરતીના ક્ષેત્રે યુવાશક્તિ સતત વોચડોગની જેમ જાગૃત રહેવાની છે, અને તેનો હેતુ પોલિટિકલ નહીં હોવાથી યુવાશક્તિના દેશવ્યાપી સમર્થન માટે સફળ આંદોલનકારીઓએ પણ પોતાની હવે પછીની દિશા અને તટસ્થ રણનીતિ નક્કી કરવી પડશે. સત્તાધીશો લૂલો બચાવ કરે કે ગમે તેવા લાંછન લગાડે, કે તંત્રો તિક્કડમ્ ઊભા કરે તો પણ રાજ્યોથી લઈને દિલ્હી સુધી એક પવિત્ર ભાવના તથા સ્પષ્ટ, તટસ્થ ઉદ્દેશ્યથી દેશવ્યાપી દિમક (ઉધઈ) ની ગાંધીપથ પર ચાલીને સાફસુફી કરવાની છે...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh