Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં ઉજવાયું જિલ્લા કક્ષાનું સ્વાતંત્ર્ય પર્વઃ કલેક્ટરના હસ્તે કરાયું ધ્વજવંદન

શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મચારીઓનું સન્માન, સાંસ્કૃતિક કાર્યક્રમ, વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાયાઃ

ખંભાળિયા તા. ૧પઃ દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર અશોક શર્માના અધ્યક્ષસ્થાને દ્વારકામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ હતી. સ્વાતંત્ર્ય પર્વની નાગરિકોને શુભકામના પાઠવતા જિલ્લા કલેક્ટર અશોક શર્માએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મચારીઓનું સન્માન કરાયું હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની સર્કીટ હાઉસ પાછળનું મેદાન, દ્વારકામાં કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર અશોક શર્માના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. બાદમાં કલેક્ટરે એએસપી રાઘવ જૈન સાથે પરેડનું નિરીક્ષણ કર્યું હતું. પરેડમાં પોલીસ, હોમગાર્ડ, ટ્રાફિક પોલીસ સહિતની ટૂકડીઓ સહભાગી થઈ હતી.

જિલ્લા કલેક્ટર અશોક શર્માએ નગરજનોને સ્વાતંત્ર્ય પર્વની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, આ શાનદાર ઉજવણીમાં ઉપસ્થિત રહેલા સર્વને અભિનંદન પાઠવું છું. સ્વામી રામતીર્થની પંક્તિ 'મેં ભારત હું, સંપૂર્ણ ભારત, ભારત કી ભૂમિ મેરા શરીર હૈ, કન્યાકુમારી મેરે ચરણ હૈ, હિમાલય મેરા મસ્તક હૈ'ને યાદ કરી હતી અને આગળ જણાવ્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવની પુર્ણાહૂતિ વધુ યાદગાર રહી છે. આપ સૌ જાણો છો કે તા. ૯ ઓગસ્ટથી સમગ્ર દેશમાં મારી માટી, મારો દેશ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. માટીને નમન, વીરોને વંદન સાથે માતૃભૂમિને નમન અને દેશના સપૂતોને શ્રદ્ધાંજલિ આપવાના આ અભિયાનમાં સામેલ થઈ આપણે સૌ આઝાદી કા અમૃત મહોત્સવની પૂર્ણાહૂતિને યાદગાર બનાવવા પ્રતિબદ્ધ છીએ. અનેક જાણીતા, અજાણ્યા સ્વાતંત્ર્ય સેનાનીઓના અમૂલ્ય બલિદાનને કારણે આપણે આ આઝાદી મળી છે, ત્યારે આ આઝાદીને જાળવી રાખવાની જવાબદારી આપણા સૌની છે.

જી-ર૦ એ વિશ્વનું એક શક્તિશાળી સંગઠન છે. જેનું અધ્યક્ષપદ આ વર્ષે ભારતને મળેલું છે. ગુજરાતમાં અને ભારતમાં યુવા સમિટ, મહિલા સમિટ અને શહેરી સમિટ યોજાઈ રહી છે. આ સમિટોના કારણે વિશ્વના અનેક તજજ્ઞો અને વિવિધ વિષયના નિષ્ણાતો ગુજરાતના મહેમાન બની રહ્યા છે. જેના કારણે આગામી સમયમાં ગુજરાતમાં ઉદ્યોગો, પ્રવાસન જેવા મહત્ત્વના ક્ષેત્રમાં ફાયદો થશે. વર્ષ ર૦ર૩-ર૪ માટે રાજ્યનું અત્યાર સુધીનું સૌથી મોટું રૃા. ૩ લાખ કરોડથી વધુનું બજેટની ફાળવણી કરીને ગુજરાતના વિકાસની નવતર ભાષા અંકિત કરવામાં આવી છે. તેમાં દ્વારકાધીશ મંદિર અને પરિસરનો સંપૂર્ણ વિકાસ કરવા માટે કોરિડોર બનાવવામાં આવશે. જેનાથી રોજગારીની તકો ઊભી થશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કૃષિના વિકાસ માટે સરકાર દ્વારા અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેનો લાભ આપણા જિલ્લાના ખેડૂતોને પણ મળી રહ્યો છે. જિલ્લાના અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે ત્યારે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતોને દેશી ગાય નિભાવ ખર્ચ આપવામાં આવી રહ્યો છે. પરેડ નિરીક્ષણ કરતી વખતે જોયું કે મહિલા પોલીસની પણ પ્લાટુન છે. જે મહિલા સશક્તિકરણ દર્શાવી રહ્યું છે. કૌશલ્યવાન યુવાઓને રોજગારી મળી રહે તે માટે રાજ્યમાં ૪૧ર જેટલા ભરતી મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં એક જ દિવસમાં રપ૦૦ થી વધુ કર્મયોગીઓને નિમણૂકપત્ર આપીને સરકારી સેવામાં જોડવામાં આવ્યા છે.

પ્રત્યેક નાગરિક સ્વસ્થ રહે તે માટે આયુષ્માન ભારત યોજના હેઠળ રપ લાખથી વધુ લાભાર્થીઓને વ્યક્તિગત આયુષમાન કાર્ડ આપવામાં આવ્યા છે. આ યોજના હેઠળની સહાય રૃા. પ લાખથી વધારીને રૃા. ૧૦ લાખ કરવામાં આવી છે. શહેરો પણ વધુ સ્માર્ટ બની રહ્યા છે. શિક્ષણ પ્રત્યે જાગૃતતા લાવવા માટે અને કન્યા કેળવણી માટે જિલ્લાનો શિક્ષણ વિભાગ સતત કાર્યરત છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સ્વપ્નનું ઘર મળી રહ્યું છે. બિપોરજોય વાવાઝોડા વખતે ઝીરો કેજ્યુઆલીટી રહી છે. જિલ્લા પ્રશાસન દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. આજે એ તમામ લોકોને અભિનંદન પાઠવું છું.

તેમણે અંતમાં જણાવ્યું હતું કે, આ જ તો ગુજરાતના વિકાસની ખુમારી, આફતોના મુકાબલા માટેની સજ્જનતાની, સૌના સાથથી સૌના વિકાસ કરવાની તમન્નાની, ગુજરાતને ભવ્ય અને દિવ્ય બનાવવાની પરિશ્રમ યાત્રાની સ્વાતંત્ર્ય પર્વની પુનઃ શુભકામના પાઠવું છું.

કાર્યક્રમ અંતર્ગત દ્વારકાના વિકાસ માટે રૃા. રપ લાખની રકમનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો. યોગનું મહત્ત્વ સમજાવતી, દેશભક્તિ દર્શાવતી કૃતિઓ સાંસ્કૃતિક કાર્યક્રમમાં રજૂ કરવામાં આવી હતી તેમજ સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું, શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું.

સ્વાતંત્ર્ય પર્વની આ ઉજવણીમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધનાણી, નિવાસી કલેક્ટર ભૂપેશ જોટાણિયા, દ્વારકા પ્રાંત અધિકારી પાર્થ તલસાણિયા, ડી.વાય.એસ.પી. પરમાર, ડી.વાય.એસ.પી. પ્રજાપતિ, ડી.વાય.એસ.પી. સમીર શારડા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, અગ્રણી યુવરાજસિંહ વાઢેર, રમેશભાઈ હેરમા, છાત્રો તેમજ નગરજનો જોડાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh