Advertisement
Author: નોબત સમાચાર

લાલપુરમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીઃ કલેકટરના હસ્તે ધ્વજવંદન

સાંસ્કૃતિક કાર્યક્રમો, દેશભક્તિના ગીતોઃ ૮ર કર્મીઓ, સંસ્થાઓનું સન્માન, સેલ્ફી પોઈન્ટ, જબરો ઉત્સાહ

જામનગર તા. ૧પઃ લાલપુરમાં જામનગર જિલ્લા કક્ષાના ઉમંગભેર ઉજવાયેલા સ્વાતંત્ર્ય દિને કલેકટર બી.એ. શાહના હસ્તે ધ્વજવંદન કરાયું હતું અને વિવિધાસભર કાર્યક્રમો યોજાયા હતાં.

જામનગર જિલ્લા કક્ષાના ૭૭ મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી લાલપુર રૃપાવટી નદીના કાંઠે આવેલ મેદાનમાં કરવામાં આવી હતી. જિલ્લાના કલેકટરશ્રી બી.એ.શાહના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજને સલામી આપી રાષ્ટ્રગાન બાદ કલેકટરએ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સાથે પરેડનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસ ઈન્સ્પેકટર શ્રી કે.આર. વાઘેલાની આગેવાની હેઠળ યોજાયેલ પરેડમાં જામનગર જિલ્લા પોલીસ, હોમગાર્ડ, એન.સી.સી. સહિતની ટુકડીઓ સહભાગી થઈ હતી અને તિરંગાને સલામી આપી હતી.

કલેકટર બી.એ. શાહે ૭૭મા સ્વાતંત્ર્યપર્વની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, આ શાનદાર ઉજવણીમાં ઉપસ્થિત રહેલા આપ સૌને પવિત્ર રાષ્ટ્રીય પર્વે અભિનંદન પાઠવું છું. જેમણે આઝાદીની લડતમાં પોતાના પ્રાણ ન્યોછાવર કરીને દેશને ગુલામીથી મુકત કરાવ્યો છે તેવા રાષ્ટ્રીય નેતાઓ, આર્મી, નેવી અને એરફોર્સના જવાનો આ સ્વાતંત્ર્યવીરોને નમન કરું છું. ૭૭મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ મારી માટી, મારો દેશ અને હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે તેમાં હર્ષભેર ભાગ લઈ રહેલા સૌ કોઈનો આભાર માનું છું. વિકાસના ફળ છેવાડાના માનવી સુધી પહોંચે અને સૌના સાથથી સૌનો વિકાસ થાય એ જ એક મંત્ર સાથે ગુજરાત આગળ ધપી રહ્યું છે. ગત છ મહિનામાં જામનગર જિલ્લામાં કુલ રૃા.૭૦૦ કરોડના ખર્ચે ૧૩પ કામો કરવામાં આવ્યા છે. જેમાં માર્ગ અને મકાન વિભાગ તેમજ જેટકો દ્વારા અગત્યના વિકાસ કાર્યો કરાયા છે.

એક વર્ષ દરમિયાન જામનગર જિલ્લામાં પૂર્ણ થયેલ, નવા શરૃ કરાયેલ તથા આગામી છ મહિનામાં શરૃ કરવામાં આવનાર કામો મળી કુલ રૃા. ર૦૯૦ કરોડની રકમના ૪૪૩ કામો હાથ ધરવામાં આવ્યા છે. બાગાયત વિભાગ દ્વારા રૃા. ર.પ કરોડની રકમના ૬ કામો, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ છેલ્લા ૬ મહિનામાં ૪૯૯પ લાભાર્થીઓને રૃા. ૧૩.૩ર કરોડની સહાય, પૂરક પોષણ યોજના અંતર્ગત પ૩૪૬ લાભાર્થીઓને લાભો પ્રદાન કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ પ૯૭૩ લાભાર્થીઓને લાભો પ્રદાન કરાયા છે. કૃષિ યાંત્રિકરણ યોજના હેઠળ ૪૮૦ લાભાર્થીઓને કુલ ર કરોડની રકમના લાભો, ટ્રેકટર સહાય યોજના હેઠળ ૧ર૦૦ થી વધુ લાભાર્થીઓને સહાય અર્પણ કરવામાં આવી છે. ગંગા સ્વરૃપા યોજના હેઠળ રૃા. ર૧ કરોડની સહાય લાભાર્થીઓને આપવામાં આવી છે. સરકારના સતત પ્રયાસોથી જામનગર જિલ્લો વિકાસની દિશામાં હરણફાળ ભરી રહ્યો છે.

આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ સેવા અને સિદ્ધિઓ બદલ ૮ર જેટલાં કર્મીઓ તથા સંસ્થાઓને કલેકટર તથા મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા હતાં. જેમાં એનક્યુએએસ અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જામવંથલી, પ્રશંસનીય સેવા બદલ જિલ્લા હોમગાર્ડ, શિક્ષકો, આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત કરેલ વિશિષ્ટ કામગીરી બદલ જી.જી. હોસ્પિટલ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ધ્રોલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જામ વંથલી, ઓશવાળ આયુષ હોસ્પિટલ, સેવીયર એવોર્ડ માટે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા, શ્રેષ્ઠ કામગીરી બદલ જામનગર જિલ્લા પોલીસ, જિલ્લા માહિતી કચેરી જામનગર, વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ ખેલાડીઓ તથા કલાકારો, બીપોરજોય વાવાઝોડા દરમિયાન ઉમદા કામગીરી કરેલ અધિકારીઓ તથા કર્મચારીઓ, સરકારની વિવિધ જાણ કલ્યાણની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા બદલ જિલ્લાના મહેસુલી કર્મચારીઓ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વગેરે મળી વિવિધ ક્ષેત્રના કર્મીઓનો સમાવેશ થાય છે. સાથે સાથે સ્વામીત્વ યોજના હેઠળ તૈયાર થયેલ પ્રોપર્ટી કાર્ડનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં લાલપુર તાલુકાશાળા દ્વારા સંદેશે આતે હે, એલએલ.એ. મહેતા કન્યા વિદ્યાલય દ્વારા ગરબા-રાસ તેમજ માધવ વિદ્યાલય લાલપુર દ્વારા માં તુજે સલામ કૃતિઓ રજુ કરાઈ હતી. આ દરમિયાન સમગ્ર વાતાવરણ દેશ ભક્તિના રંગે રંગાયું હતું. કાર્યક્રમના સ્થળે મેરી માટી મેરા દેશની થીમ આધારિત સેલ્ફી પોઈન્ટ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો જ્યાં સેલ્ફી લઈ સૌ નાગરિકોએ અનોખી રીતે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી હતી. કાર્યક્રમના અંતે કલેકટરશ્રી સહિતના મહાનુભાવો દ્વારા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

સ્વાતંત્ર્ય પર્વની આ ઉજવણીમાં જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા, હેમંતભાઈ ખવા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, ડી.આર.ડી.એ. નિયામક એન.એફ.ચૌધરી, જાડાના મુખ્ય કારોબારી અધિકારી જીજ્ઞાશાબેન ગઢવી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હારૃન ભાયા, શિક્ષણ અધિકારી મધુબેન ભટ્ટ, જિલ્લાના આયોજન અધિકારી, લાલપુર પ્રાંત અધિકારી એન.ડી.ગોવાણી, આગેવાનઓ, વિવિધ વિભાગના અધિકારીઓ, વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓ, સમાજના અગ્રણીઓ, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh