Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્ષ ૧૯૪૯માં સૌરાષ્ટ્ર તમિલોના પ્રતિનિધિ મંડળે સેવેલુ સ્વપ્ન સાકાર
ગાંધીનગર તા. ૧૫ઃ સોમનાથના સાંનિધ્યમાં તમિલ સૌરાષ્ટ્ર સંગમ કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે, ત્યારે કેટલીક સ્મૃતિઓ તાજી થઈ ગઈ છે. ભૂતકાળમાં ગઝની અને ખીલજીએ સોમનાથ પર કરેલા આક્રમણ બાદ ત્યાંથી મોટી સંખ્યામાં લોકો હિજરત કરી ગયા હતા. માનવ ઇતિહાસની સૌથી મોટી હિજરતો પૈકીની આ એક છે. ગઝનીના આક્રમણના કારણે વર્ષ ૧૦૨૪માં હિજરત કરી ગયેલા સૌરાષ્ટ્રવાસીઓના કેટલાક જૂથો દરિયામાર્ગ સુરત કે ભરૃચ થઇ એ કાળમાં લાટ પ્રદેશ તરીકે ઓળખાતા વિસ્તારમાં પહોંચ્યા હતા.
એમાંથી એક મોટા સમૂહે મરાઠા પ્રદેશમાં એ વખતે દેવગિરિ તરીકે ઓળખાતા અને હાલના દોલતાબાદમાં યાદવોના આશ્રયે રહ્યું હતું. ત્યાંથી કાળક્રમે તમિલનાડુના મદુરાઇ અને તેના આસપાસના વિસ્તારોમાં સ્થાયી થયા હોવાનું ઇતિહાસકાર જયમલ્લ પરમાર નોંધે છે.
હાલમાં સૌરાષ્ટ્રી તમીલો તરીકે પોતાની આગવી ઓળખ ધરાવતા આ સમુદાયે પોતાના અંતરમાં સૌરાષ્ટ્રને જીવંત રાખ્યું છે. સાત દાયક પૂર્વે થયેલા એક અભ્યાસ દરમિયાન મદુરાઇ અને આસપાસ કેટલીક સંસ્થાઓ તો સૌરાષ્ટ્રના નામથી બની હતી. સૌરાષ્ટ્ર સભા, સૌરાષ્ટ્ર સેન્ટ્રલ સભા, સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ, સૌરાષ્ટ્ર એલિમેન્ટરી હાઇસ્કૂલ, ઓલ્ડ બોયઝ હાઇસ્કૂલ અને તેની લાયબ્રેરી, સૌરાષ્ટ્ર સેવા સમાજ, સૌરાષ્ટ્ર ગોવિંદદાસ સભા, સૌરાષ્ટ્ર સહકારી મંડળ જેવી ધાર્મિક, આર્થિક, શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ થકી આ સમુદાયે સૌરાષ્ટ્રપણાને પોતાનામાં જીવંત રાખ્યું હતું.
આઝાદી બાદ સૌરાષ્ટ્ર નામનું અલગ રાજ્ય બન્યું ત્યારે સૌરાષ્ટ્રીય સમુદાયને ખ્યાલ આવ્યો કે હવે સાંસ્કૃતિ સંબંધો પુનર્જિવિત કરવાનો સમય આવી ગયો છે. ઉક્ત ઇતિહાસકારે નોંધ્યું છે કે, આઝાદી પૂર્વેના દોઢસો વર્ષ પૂર્વેથી સુરાષ્ટ્ર કે સૌરાષ્ટ્રની કાઠિયાવાડ તરીકેની ઓળખ પ્રચલિત હતી. એટલે સૌરાષ્ટ્રી તમિલો પણ વિસરી ગયા હતા. આઝાદી બાદ સૌરાષ્ટ્ર રાજ્ય બનતા ફરી વતનની યાદી જીવંત બની.
વર્ષ ૧૯૪૯માં સૌરાષ્ટ્રી તમિલોનું એક પ્રતિનિધિ મંડળ સૌરાષ્ટ્રમાં આવ્યું હતું. આ પ્રતિનિધિ મંડળમાં કોણ હતું, તેના નામો જાણવા મળતા નથી. પણ, તેઓ સૌરાષ્ટ્ર સંશોધન મંડળને મળ્યા હતા ત્યારે સૌરાષ્ટ્રના વિદ્વાનોને ખ્યાલ આવ્યો કે દાયકાઓથી આ સમુદાય દક્ષિણ ભારતમાં સૌરાષ્ટ્રની સંસ્કૃતિ, સંસ્કાર, ભાષા અને વતનપ્રેમ સંઘરીને બેઠા છે. સૌરાષ્ટ્ર તમિલોના આ પ્રતિનિધિ મંડળે વર્ષ ૧૯૪૯માં દક્ષિણ ભારતના સૌરાષ્ટ્રીઓ સાથે ફરી સાંસ્કૃતિક સંબંધો સ્થાપવા અને ભૂલાયેલા ભાંડુઓનો સંપર્ક સાધી સાંસ્કૃતિક એકતા સ્થાપવાનું વિચારવામાં આવ્યું હતું. હવે વિચાર કરો કે વર્ષ ૧૯૪૯માં જે વાતના બીજ રોપાયેલા હતા, તેને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ પ્રેરણારૃપી પાણીનું સિંચન કરી અંકુરિત કર્યા છે.
સૌરાષ્ટ્રી તમિલો ઉપર સૌ પ્રથમ વ્યવસ્થિત સંશોધન કરવાનું કામ ૧૯૫૪માં ડો. ઇશ્વરભાઇ ર. દવેએ કર્યું હતું. તેઓ જ્યારે તમિલનાડું ગયા ત્યારે ત્યાં સૌરાષ્ટ્રી તમિલોની વસતી સવા બે લાખની હતી. અંગ્રેજો વખતે થયેલી વસતી ગણતરીમાં આ સમુદાયની જનસંખ્યા સવા લાખની હતી. સદીઓ થઇ ગઇ હોવા છતાં તેમની રહનસહન, સંસ્કૃતિ અને રીતરિવાજ જાળવી રાખ્યા હતા. તેમણે આ બાબતો દક્ષિણ ભારતના સૌરાષ્ટ્રીઓ નામના દસ્તાવેજી પુસ્તકમાં ગ્રંથસ્થ કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી જ્યારે સોમનાથના સાંનિધ્યમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે, ત્યારે આ તમામ સદીઓ જુની સંસ્કૃતિ અને સાત દાયકા પહેલાં ઉત્પન્ન થયેલા વિચારની સ્મૃતિઓ તાજી થઈ ગઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag