Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ર૪ કલાકમાં ૩૧ હજારનું સ્થળાંતરઃ ૬ જિલ્લામાં રેડ એલર્ટઃ ૧ર૦૦ થી વધુ રોડ બંધઃ જળાશયોમાં પાણીની ધીંગી આવકઃ ર૬પ તાલુકામાં મેઘમહેર
અમદાવાદ તા. રપઃ ગુજરાતમાં આજે પણ ઠેર-ઠેર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધુ વરસાદ સાંતલપુરમાં ૧પ ઈંચ નોંધાયો છે. અનેક સ્થળે ૧૦ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જળાશયોમાં નવા નીરની ધીંગી આવક થઈ રહી છે. અનેક માર્ગો બંધ છે અને જનજીવન ખોરવાયું છે. ર૮૬પ તાલુકામાં આજે બપોર સુધીમાં મેઘમહેર થઈ છે.
રાજ્ય ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા છેલ્લા ૨૪ કલાકના (સવારે ૦૬.૦૦થી સવારે ૦૬.૦૦ વાગ્યા સુધીના) વરસાદી આંકડા અનુસાર, ગુજરાતના કુલ ૨૬૫ તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. રાજ્યના ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, જેમાં પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં સૌથી વધુ ૧૫ ઈંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે.
ઉત્તર ગુજરાતના પાટણ અને વાવ-થરાદ જિલ્લાના વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. પાટણના સાંતલપુરમાં ૧૫ ઈંચ અને રાધનપુરમાં ૧૩.૪૬ ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વાવ-થરાદના ભાભરમાં ૧૧.૩ ઈંચ તથા દિયોદરમાં ૧૦.૮૩ ઈંચ વરસાદ પડ્યો છે. મધ્ય ગુજરાતના ખેડા જિલ્લાના નડિયાદમાં પણ ૧૦.૩૧ ઈંચ અને મહેમદાવાદમાં ૮.૩૯ ઈંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો છે.
આ સિવાય બનાસકાંઠાના દાંતીવાડામાં ૭.૦૯ ઈંચ, સુરેન્દ્રનગરના થાનગઢમાં ૭.૦૯ ઈંચ, મોરબીના વાંકાનેરમાં ૬.૯૩ ઈંચ અને સુઈગામમાં ૬.૮૧ ઈંચ વરસાદ નોંધાયો છે. ગાંધીનગરના દહેગામમાં ૫.૭૧ ઈંચ, અમદાવાદ શહેરમાં ૨.૪૪ ઈંચ અને સુરત શહેરમાં ૩.૨૩ ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના બાકીના તાલુકાઓમાં ૧ ઈંચથી લઈને ૫ ઈંચ સુધીનો હળવાથી ભારે વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાની પરિસ્થિતિ સર્જાઈ છે.
આજે રાજકોટ,અમરેલી જિલ્લા સાથે મોરબી, જામનગર જિલ્લામાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. સૌરાષ્ટ્રમાં મોરબી,જામનગર જિ.માં મોસમમાં પ્રથમવાર ભારે વરસાદથી લોકોમાં અને ખેડૂતોમાં ખુશીની લહર દોડી ગઈ છે. સવારના ૧૨ વાગ્યાથી આજે રાત્રિના ૮ વાગ્યા સુધીના ૨૦ કલાકમાં વાંકાનેર અને વડિયામાં ૧૦ ઈંચ, જામકંડોરણામાં ૯ ઈંચ તથા જેતપુર, બગસરા, મોરબી તાલુકામાં ૭ ઈંચ, ગોંડલ, માળિયામિયાણા, વીરપુરમાં ૬ ઈંચ સાથે ૩૦થી વધુ તાલુકાઓમાં ૨ ઈંચથી ૧૦ ઈંચ વરસાદ નોંધાયો છે.
રાજ્યની પડોશે દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન ઉપર લો પ્રેસર તેમજ ભારે વરસાદ લાવતું મોન્સૂન ટ્રફ, ગુજરાતથી કર્ણાટકના કાંઠા સુધી ઓફશોર ટ્રફ સહિત સીસ્ટમ સક્રિય થતા અને ગત ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત અને ગઈકાલે ઉત્તર ગુજરાત ઉપર રહેલી ભારે વરસાદની સીસ્ટમ આંશિક રીતે સૌરાષ્ટ્ર તરફ પણ ખસતા આજે સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધ્યું હતું. છ જિલ્લાઓમાં નોંધપાત્ર મેઘવર્ષાથી ખેતીવાડીનું ચિત્ર સુધર્યું છે અને હરખની હેલી જોવા મળી છે. જો કે હજુ કચ્છ,પોરબંદર,દ્વારકા જિ.માં વરસાદની વાટ જોવાય છે.
છેલ્લા ૨૪ કલાકમાં વલસાડમાંથી સૌથી વધુ ૧૪૦૮૩, નવસારીમાંથી ૧૨૩૬૭, સુરતમાંથી ૨૮૧૦, અમદાવાદમાંથી ૪૧૭ લોકો પાણીમાં ફસાયેલા હોવાથી અન્યત્ર સ્થળાંતર કરવું પડ્યું હતું. એક દિવસમાં વલસાડમાંથી ૨૬૬૫ વ્યક્તિનું રેસ્ક્યુ કરાયું હતું. ૧ જૂન ૨૦૨૬ થી ૨૩ જુલાઈ ૨૦૨૬ દરમિયાન રાજ્યના ૪૦૬૬૫ વ્યક્તિનું સ્થળાંતર કરાયું છે જ્યારે ૬૭૬૬નું રેસ્ક્યુ કરાયું છે. ઉત્તર ગુજરાતમાં વરસાદનું વધારે પ્રભુત્વ રહૃાું હતું. પાટણના સાંતલપુરમાં ૧૨.૨૫ ઈંચ, પાટણના રાધનપુરમાં ૯.૫૦, વાવ-થરાદમાં ૭.૧૫ ઈંચ, બનાસકાંઠાના દાંતીવાડામાં ૭ ઈંચ વરસાદ ખાબક્યો હતો.
ભારે વરસાદને પગલે ગુજરાતનું જનજીવન ખોરંભે ચડ્યું છે. હાલ રાજ્યના ૧૨૦૪ રસ્તા વાહનવ્યવહાર માટે બંધ છે, જેમાં વલસાડ જિલ્લાના સૌથી વધુ ૪૬૧ રોડનો સમાવેશ થાય છે. હાલ જે રસ્તા વાહનવ્યવહાર માટે બંધ છે તેમાં ૩૦ સ્ટેટ હાઈવે, ૧૧૧૯ પંચાયત માર્ગ, ચાર નેશનલ હાઈવે, ૩ નેશનલ હાઈ-વે જ્યારે ૪૮ અન્ય માર્ગનો સમાવેશ થાય છે. જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો નવસારીમાં ૨૪૮, સુરતમાં ૨૪૪, તાપીમાં ૧૯૦, ડાંગમાં ૧૯, સુરેન્દ્રનગરમાં ૧૧, અમદાવાદના ૮ હાઈવેનો સમાવેશ થાય છે.
વરસાદથી ૪૦૯૫ ગામડામાં અંધારપટ છવાયો હતો. આ પૈકી ૩૭૬૨ ગામડામાં વીજપુરવઠો પૂર્વવત થયો છે અને ૩૩૩માં હજુ અંધારપટ છે. ૮૨૦૭ ફીડર્સ, ૭૮૮૨ પોલ્સ અને ૪૦૯ ટ્રાન્સફોર્મેશન સેન્ટરને ભારે વરસાદથી નુકસાન થયેલું છે.
ગુજરાતના મોટાભાગના સ્થળે વરસાદને પગલે જળસ્તરમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે. હાલ ૧૦ જળાશયો છલોછલ છે જ્યારે ૧૫ જળાશયો હાઈએલર્ટ હેઠળ છે. ગુજરાતના ૨૦૭ જળાશયોમાં હાલ સરેરાશ ૫૨.૭૨ ટકા જળસ્તર છે. જેમાં દક્ષિણ ગુજરાતમાંથી પાંચ જ્યારે સૌરાષ્ટ્રમાંથી પાંચ એમ ૧૦ જળાશયો સંપૂર્ણ ૧૦૦ ટકા ભરાયા છે. રીજિયન પ્રમાણે જોવામાં આવે તો સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૩૯.૮૯ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૨૩.૮૯ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૪૪.૮૦ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૮.૭૨ ટકા, ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૩૮.૬૩ ટકા જળસ્તર છે. રાજ્યના ૨૪ જળાશયોમાં ૭૦ ટકાથી ૧૦૦ ટકા, ૨૨ જળાશયોમાં ૫૦ ટકાથી ૭૦%, ૫૦ જળાશયોમાં ૨૫ ટકાથી ૫૦ ટકા જળસ્તર છે જ્યારે ૧૦૦ જળાશયમાં જળસ્તર ૨૫ ટકાથી ઓછું છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં હાલ ૬૮.૩૩% જળસ્તર છે.
કચ્છ, પાટણ, બનાસકાંઠા, વાવ-થરાદ, મહેસાણા, સાબરકાંઠા તેમજ સરેન્દ્રનગર અને મોરબી સહિતના સમગ્ર ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ ગુજરાતના ભાગોને લાલ રંગ (રેડ ઝોન) દર્શાવવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં આગામી સમયમાં અત્યંત ભારેથી અતિભારે વરસાદ અને પૂરની શકયતાઓને ધ્યાને રાખી એલર્ટ આપવામાં આવ્યું છે.
મધ્ય ગુજરાત (અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ) તેમજ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કેસરી રંગ (ઓરેન્જ ઝોન) દર્શાવાયો છે, જયાં ભારે વરસાદી ઝાપટાં ચાલુ રહેવાની શકયતા છે.
દક્ષિણ-પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અમુક ભાગોમાં પીળો રંગ (યેલ્લો ઝોન) દર્શાવવામાં આવ્યો છે. જયાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial