Advertisement
Author: નોબત સમાચાર

અધિક માસનું કથામૃતઃ નિષ્કામ ભક્તિનું ફળ

                                                                                                                                                                                                      

એક વખત અર્જુનને લઇ ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વીલોક પર ફરવા નિકળ્યા હતા. ફરતા ફરતા તેઓ એક જંગલમાંથી પસાર થઇ રહ્યા હતા. ત્યાં રસ્તામાં એક ગાયને જોઇ. એ ગાય પીડાતી હતી અને વિચિત્ર અવાજ કરી રહી હતી. ત્યાં અર્જુનનું મન આ દ્રશ્ય જોઈ અને ખીન્ન થઇ ગયું તેણે ભગવાન શ્રી કૃષ્ણને વિનંતી કરી, "હે પ્રભુ, આ કોઇ રોગથી પીડાઇ રહેલ ગાયને મુક્તિ આપો. તમે આ ગાય ઉપર દયા કરો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, "પૂર્વ જન્મમાં તેણે જે કર્મો કરેલા છે, તેના ફળ તે ભોગવી રહી છે. તેમ છતાં જો તને દયા આવતી હોય તો તું એક કામ કર. તે કોઈ મારું તપ કર્યું હોય તો તેનું ફળ તું આ ગાયને સંકલ્પ કરીને આપ તો તે ગાય જરૂર મુક્તિને પામશે."

આમ, કહેવા પાછળનો ભગવાન શ્રી કૃષ્ણનો આશ્રય અર્જુન સમજી ન શક્યો. અર્જુનને મનમાં અભિમાન હતું કે, મારા જેવા જપ-તપ તો કોઇએ નથી કર્યા. તેથી ભગવાન શ્રી કૃષ્ણ તેનું અભીમાન ઉતારવા માંગતા હતા. તેથી અર્જુને સંકલ્પ કર્યો કે, "જે જપ - તપ મેં કર્યા છે તેનું ફળ આ ગાયને અર્પણ કરું છું." પણ તેના અભિમાનને કારણે ગાયની અવસ્થામાં કંઈ જ ફેર ન પડ્યો એટલે અર્જુન મુંઝાઈ ગયો. પછી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તું મારી સાથે ચાલ તારી ઇચ્છા આજે આપણે પૂર્ણ કરશું.

આમ કહી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સાથે લઇ અને પાસેના એક ગામમાં ગયા. ત્યાં એક ઘર પાસે ઊભા રહ્યા. તે ઘરમાં એક મોટી ઉંમરના ડોશીમાં રહેતા હતા. તેની નજર ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન પર પડી તેથી તેને લાગ્યું કે, કોઇ યાચક આવ્યા લાગે છે. તેથી તેને આપવા માટે ઘરમાંથી કશુક લઇને ડોશીમાં બહાર આવ્યા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, "અમને ભીક્ષામાં કોઇ વસ્તુ નથી જોઇતી પરંતુ જુદા જ પ્રકારની ભીક્ષા અમને જોઇએ છે. તમે આપશો ?" ડોશીમાં કહે છે, "તમને જે જોઇતું હોય તે આપવા માટે હું તૈયાર જ છું. જે વસ્તુ મારી પાસે હશે તે આપવા હું તૈયાર છું."

જુઓ, પાસેના જંગલ વિસ્તારમાં એક બિમાર ગાય પડી છે. તેને મુક્તિ મળે તે માટે તમે તમારા પુણ્યમાંથી ફળ આપો તો તે ગાયની મુક્તિ થઇ જાય અને તેને લીધે પીડામાંથી તેને મુક્તિ મળે.  ડોશીમાં કહે છે, "બીજું તો મેં શું તપ કર્યું હોય ? પરંતુ હું સતત ભગવાનનું નામસ્મરણ કરતી રહું છું અને આજ દિવસ સુધી મેં સતત પુરુષોત્તમ માસ નીતિ નિયમ પૂર્વક કર્યા છે. આમ છતાં પણ મારાથી એ વ્રતમાં ભૂલ ચૂક રહી ગઈ હોય છતાં મારું કંઈ પુણ્ય હોય તો તે ગાયને મુક્તિ અપાવવા મદદરૂપ થાય તો તેને તે ફળ આપવા હું તૈયાર છું." પછી ભગવાન શ્રી કૃષ્ણ, અર્જુન અને તે ડોશીમાં એ ત્રણેય ગયા સીધા ત્યાં જ્યાં ગાય પીડાતી હતી. પછી જમણા હાથમાં પાણી લીધું અને સંકલ્પ કર્યું, મેં આજ દિવસ સુધી અધિકમાસનું વ્રત નિષ્ઠા અને શ્રધ્ધા પૂર્વક કર્યું હોય અને તેનું જો મને કંઇ ફળ પ્રાપ્ત થયું હોય તો તે પુણ્ય ફળમાંથી ફળ અર્પણ કરવાથી આ ગાયને મુક્તિ મળે તો તે માટે હું મારા પુણ્યનું ફળ આપવા અંતઃકરણ પૂર્વક સંકલ્પ કરું છું.

આ સંકલ્પ ચાલી રહ્યો હતો ત્યારે પણ અર્જુન વિચાર કરી રહ્યો હતો કે, મારી ભક્તિ પાસે આ ડોશીમાની ભક્તિ શું વિસાત માં...? પરંતુ ડોશીમાં આ સંકલ્પ પૂર્ણ કર્યો અને ગાય તો સદેહે સ્વર્ગના માર્ગે ઉપડી ગઈ. આ દ્રશ્ય જોઇને આખરે અર્જુનને રહસ્ય સમજાયું. તેનું અભિમાન ઉતરી ગયું અને તરત જ પોતાની ભૂલ સમજાતા તે પ્રભુના ચરણોમાં દંડવત પ્રણામ કરી અને કહ્યું, "હું સમજી ગયો છું કે, તમે મારું અભિમાન ઉતરવા માટે જ આ લીલા કરી હતી." ત્યારે પોતાના પરમ ભક્તોમાના એક એવા અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણએ ઊભો કરી અને પોતાની છાતી સરસો ચાપી તેના વાસામાં વાત્સલ્ય ભર્યો હાથ ફેરવ્યો અને કહ્યું, " હે પાર્થ, મને મારો ભક્ત અભિમાન કરે તે જરાય ન ગમે. માટે હું મારા ભક્તોનું સૌ પ્રથમતો અભિમાન ઉતારું છું પછી જ મારું શરણ આપું છું.

વળી, જે ભક્ત મારી ભક્તિ કરી તે ભક્તિનું અભિમાન કરે તેની ભક્તિ પણ નિષ્ફળ જાય છે. પછી ભગવાને અને અર્જુને પોતાના અસલી સ્વરૂપે પ્રગટ કરી અને ડોશીમાને દર્શન આપ્યા અને તે ડોશીમાને ગૌલોકમાં પ્રવેશ આપ્યો.

:: આજનું ભજન ::

શ્રીકૃષ્ણ શરણં મમ એ મંત્ર સદાયે તું જપતો જા.

આવ્યો છે તો આ સંસારે સફળ જન્મ તું કરતો જા.

મન વાણી કાયા વશ રાખી (૨)

મમતાનો બોજો દૂરનાખી

ધન દીધું જો ધણીએ તુજને,

પેટ ભૂખ્યાના ભરભરતો જા. આવ્યો છે તો...

આ જગતમાં તું મહાન કહાવે (૨)

આશા કરી કોઇ આંગણે આવે,

દીન દુઃખીયાની વાતો તારા

કર્ણપટે તું ધરતો જા. આવ્યો છે તો...

હું પદની ગ્રંથીને છેદી (૨)

માયાના ઘેરા ગઢ ભેદી ,

પ્રકાશમય શ્રી પ્રભુના પંથે,

હળવે હળવે તું સરતો જા. આવ્યો છે તો...

" ગોવિંદ " ગુરૂના શરણ ગ્રહીલે (૨)

દુ : ખ પડે તો દુઃખ સહી લે,

માન સાગરના મોંઘા મોતી.

હિંસ બનીને ચરતો જા. આવ્યો છે તો...

સંકલન : શ્રીમતી રમણતારા કે. વ્યાસ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh