Advertisement
Author: નોબત સમાચાર

જાપાનના નાગરિકોએ પર્યાવરણ જાળવવામાં નિષ્ફળ જવા બદલ કોર્ટમાં સરકાર સામે દાવો કરી વળતર માંગ્યું!

૪પ૦ જેટલા વાદીઓએ 'નિષ્ક્રિય' તંત્રે જીવ જોખમમાં મૂક્યો હોવાની દલીલ કરી

                                                                                                                                                                                                      

ટોકિયો તા. ૧૮: જાપાનના ૪પ૦ જેટલા નાગરિકોએ ત્યાંની અદાલતમાં કરેલો વળતરનો દાવો વૈશ્વિક ચર્ચાનો વિષય બન્યો છે અને પર્યાવરણની સુરક્ષા તથા ક્લાઈમેટ ચેઈન્જના મુદ્દે ત્યાંની સરકાર સામે કાનૂની જંગ છેડ્યો છે, જેના પડઘા ભારતમાં પણ પડી શકે છે.

જાપાનમાં આજે એક અભૂતપૂર્વ અને ઐતિહાસિક કાયદાકીય લડાઈની શરૂઆત થઈ છે. બદલાતી આબોહવા અને પર્યાવરણના રક્ષણ માટે સરકારની નિષ્ક્રિયતા સામે રોષે ભરાયેલા નાગરિકોએ હવે અદાલતના દ્વાર ખખડાવ્યા છે.

આશરે ૪પ૦ જેટલા વાદીઓએ જાપાનની સરકાર સામે દાવો દખાલ કરીને આબોહવા સંકટને રોકવામાં નિષ્ફળતા બદલ વળતરની માગ કરી છે. અહેવાલો અનુસાર ગુરુવાર (૧૮ ડિસેમ્બર) ના દાખલ કરવામાં આવેલા આ મુકદમામાં નાગરિકોએ સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. વાદીઓનું કહેવું છે કે, સરકારની ઉદાસીનતાને કારણે તેમના શાંતિપૂર્ણ જીવન જીવવા અને સ્થીર વાતાવરણનો આનંદ માણવાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. સતત વધી રહેલા ગરમીના મોજાને કારણે શ્રમિકોની કાર્યક્ષમતા પટી રહી છે અને વ્યવસાયોને આર્થિક નુક્સાન થઈ રહ્યું છે.

ઉલ્લેખનિય છે કે, ચાલુ વર્ષે જાપાને ૧૮૯૮ પછીનો સૌથી ગરમ ઉનાળો અનુભવ્યો છે, જેના કારણે ખેતીના પાકને નુક્સાન થયું છે અને અનેક લોકોના હીટસ્ટ્રોકથી મૃત્યુ થયા છે. રિપોર્ટ અનુસાર જાપાનમાં ગરમીનું પ્રમાણ એટલું અસહ્ય બની ગયું છે કે ખેતરોમાં કામ કરતા ખેડૂતો અને બહાર કામ કરતા મજૂરો માટે જીવનું જોખમ ઊભું થયું છે. અનેક કિસ્સાઓમાં લોકો ગરમીને કારણે કામના સ્થળે જ ઢળી પડ્યા હોવાના અહેવાલો છે.

વાદીઓનું કહેવું છે કે, આ માત્ર કુદરતી આફત નથી, પરંતુ સરકારની ક્લાઈમેટ ચેન્જ સામેની અપૂરતી લડાઈનું પરિણામ છે. સરકારના આબોહવા પરિવર્તનના પગલાં સંપૂૃણપણે અપૂરતા છે. આ સ્થિતિ નાગરિકોના સુરક્ષિત ભવિષ્ય સાથે ચેડાં સમાન છે.

ક્યોટો યુનિવર્સિટીના પ્રોફેસર માસાકો ઈચિહારાના જણાવ્યા અનુસાર જાપાનમાં અગાઉ પણ પાવર પ્લાન્ટ્સ સામે પર્યાવરણને લગતા કેસ થયા છે, પરંતુ આ પહેલીવાર છે જ્યારે કોઈ સમૂહે આબોહવા પરિવર્તનને સંબોધવામાં નિષ્ફળ રહેવા બદલ સીધું જ સરકાર પાસે વળતર માગ્યું હોય. આ કેસ માત્ર જાપાન જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે એક ઉદાહરણ બની શકે છે કે કેવી રીતે જનતા હવે પર્યાવરણીય સુરક્ષા માટે સરકારોને જવાબદાર ઠેરવી રહી છે.

ભારતની રાજધાની દિલ્હી સહિત દેશભરમાં હવાઈ પ્રદૂષણની ચર્ચા થઈ રહી છે, અને ભારતમાં પણ આ મુદ્દો અદાલતોની અટારીએ પહોંચ્યો હતો, તેથી આ પ્રકારનો કેસ થયા પછીની સ્થિતિના આધારે તેના પડઘા આપણા દેશમાં પણ પડી શકે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh