Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લીકેજ દરવાજાના રિપેરીંગના નામે નાટકો પછી પૂનનિર્માણના બહાને ૬-૬ વર્ષથી તોડી પડાયેલો ડેમ ખાલી ખમ...બારાડી-ઓખા મંડળનો જનાક્રોશ હવે રાજધાનીમાં
ભાટીયા તા. ૧૬: છેલ્લા ૩૦ વર્ષથી વધુ વર્ષોથી કલ્યાણપુર તાલુકાના નગરો તથા કુલ ૧૧૦ ગામ પીવાનું પાણી તેમજ ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરૂ પાડતો આવ્યો છે. ખબર નહીં બારાડી પંથક તથા ઓખા મંડળ પંથકના જીવાદોરી સમાન સાની ડેમને કોની નજર લાગી છે કે, સાની ડેમ તોડી પડાયાને છ વર્ષથી વધુ સમય થયો હોવા છતાં હજુ સુધી આ ડેમ બનતો જ નથી ! આ તે કેવું ગુજરાત છે, એ સમજાતું નથી ! ૧૧૦ ગામોની પ્રજા તરસી રહી છે અને હાલ નર્મદાના પાણી પર નિર્ભર છે, તેમાં પણ પીવાનું પાણી ૧૦ થી ૨૫ દિવસે કલ્યાણપુર-દ્વારકા બન્ને તાલુકાને મળી રહ્યું છે. અને લોકો ત્રાહિમામ ત્રાહિમામ પોકારે છે.
સાની ડેમના પૂર્નનિર્માણનું કામ માત્ર એક-દોઢ વર્ષમાં પૂરૂ થવું જોઈએ પણ તે કામ હજુ પણ એકાદ વર્ષ કાઢી નાંખે તેવી નોબત છે, ત્યારે ખૂબ જ દૂઃખ થાય છે કે આપણા વિસ્તારના નેતાઓ કેમ સુષુપ્ત છે. ?
આ પ્રજાલક્ષી કામ હતું પ્રજા માટે હતું છતાં આટલા વર્ષ કેમ લાગે ? આટલા વર્ષ નીકળી ગયા ત્યારે ગયા વર્ષે ફરી નવું ટેન્ડર અને ભાવ વધારી કામ આપવામાં આવ્યું હવે કયારે આ કામ પૂર્ણ થશે, એ તો ભગવાન જાણે, પણ વાસ્તવિકતા એક પત્રકાર તરીકે જોઉં તો કલ્યાણપુર તાલુકામાં જાગૃતતાનો ખૂબ જ અભાવ દેખાય છે, પ્રજા ભોળી અને લાગણીશીલ છે. કયારેય કોઈ જાહેર હિતના કામોમાં એકત્ર થવુ એ સૂઝયુ નથી એટલે જ કદાચ સાની ડેમ આટલા સમય સુધી બન્યો નથી. કેનાલો બંધ છે, પાક વીમો બંધ છે, વીજળી સમયસર મળતી ન હોય, રસ્તાઓના લીરેલીરા ઉડેલા છે. ગંદકી સહિતના પ્રશ્નો હોય પણ બધુ જ સહન કરીને જીવ્યા રાખે કયારેય ફરિયાદ પ્રજાનો સમૂહ કરવા નથી આવ્યો. બસ આજ કદાચ નબળાઈના હિસાબે આ તાલુકામાં અનેક એવા કામો થયા નથી કે પછી અધુરા પડયા છે...
સાની ડેમ કલ્યાણપુર-દ્વારકાના ૧૧૦ ગામોને પીવાનુ પાણી પૂરૃં પાડતો ડેમમાં પાણી હોય ત્યા સુધી પાણી પણ પૂરતુ નિયમિત મળતું આજે વર્ષો થયા ડેમ ખાલી છે. ખેડૂતોને સિંચાઈનું પાણી નથી મળતું અને પ્રજાને પીવાનું પાણી અનિયમિત મળે છે, નર્મદાના પાણી પર નિર્ભર રહેવું પડે છે. નવી પેઢીએ શિક્ષિત થઈ પોતાના વિસ્તારના પ્રશ્નોને લઈ જાગૃત થવુ પડશે. નહિતર કલ્યાણપુર તાલુકાના પ્રશ્નો કયારેય ઉકેલાશે નહીં. સ્ટેચ્યુ ઓફ યુનિટી ઝડપી બની શકે. તો સાની ડેમ તો ૧૧૦ ગામોની જીવાદોરી કહેવાય આને બનાવવામાં આટલો સમય લાગવો એ પ્રજા અને પ્રજાના પ્રતિનિધિ સહિત બધાની નબળાઈ બતાવે છે.
સાની ડેમ બે વર્ષમાં તો બનીને તૈયાર થઈ જવા જોઈએ પણ કોઈ નેતાએ આ ડેમની બાબતમાં પહેલેથી વ્યકિતગત રસ દાખવી કર્યુ જ નહીં એટલે જ કદાચ કામ પહેલેથી બગડયું અને કામ સમયસર પૂર્ણ થયુ નહીં, હવે કયારે પૂર્ણ થશે. એ સવાલ પણ સ્વાભાવિક થાય અને આશા રાખીએ કે આ ડેમનું કામ ખૂબ ઝડપી થાય અને નેતાઓ ધ્યાન આપે. તંત્રના અધિકારીઓ પણ પોતાની મીલીભગત પણામાંથી બહાર આવી અને હાલ કાચબા ગતિએ ચાલી રહેલા કામને યુદ્ધના ધોરણે વ્હેલાસર આગળ વધારે તે પણ ખાસ જરૂરી છે. સરપંચો તેમજ પ્રજાના પ્રતિનિધિઓ પણ આ મામલે રસ દાખવી નેતાઓ સુધી આ મામલે વાસ્તવિકતા જણાવે તો કામ ખરેખર જલદી પૂરૂ થાય.
તાલુકાના બધા જ ગામોને પાણી પીવાનું આ ડેમ આપતો હતો અને જાગૃત લોકોએ તેમજ પ્રજાએ પણ આ મામલે જાગૃતતા દાખવી કામ ઝડપી પૂર્ણ થાય તે દિશામાં હકારાત્મક વિચારો સાથે આગળ વધી ડેમ બાબતે સંવેદનશીલતા દાખવવી જોઈએ છેલ્લા વર્ષોમાં લાખો રૂપિયાની નુકસાની ખેડૂતોને થઈ કેટલીએ મોસમો બરબાદ થઈ હવે જલદીથી જાગી ખેડૂતો અને પ્રજા માટે વિચારી આ ડેમ વ્હેલાસર બને તેવી એક મૂહિમ સ્વયંભૂ લોકો ઉપડે તે ખાસ જરૂરી છે.
લોકો પંચાયત- તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા વિધાનસભા, લોકસભા સુધી અવાજ પહોંચાડવા પોતાનો અવાજ બુલંદ કરી આ ડેમ જલદી બને તેવુ આયોજન કરવુ જરૂરી છે. કોઈ રાજકારણ લાવ્યા વગર દરેક ગામના લોકો આ મામલે જાગૃત બને તે ખૂબ જરૂરી છે. આખરે આ નર્મદાની જેમ સાની ડેમ પણ આપણી માં છે, જેનો આપણે વર્ષો સુધી તરસ છિપાવી આપણા ખેતરોને લીલાછમ રાખી આપણામાં પ્રાણ પૂર્યા છે.
સાની ડેમના કામ અંગે મેં લગત અધિકારીઓ ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેર પરમાર તથા સાની ડેમના ઈન્ચાર્જ ચુડાસમા સાથેની વાતચીતમાં ભાટીયાની નાગરિક સમિતિ વતી મારે વાતચીત થતા તેઓએ મને જણાવેલ કે સાની ડેમ જુના કોન્ટ્રાકટર વેલજી રત્ના એસ. પ્રા. લિ. અંજારને રૂ. ૧૯.૦૪ કરોડમાં ૨૪ માસ માટે સોંપાયુ હતું, જેમાં બંને કાંઠાના જંકશને હયાત રાખીને ડેમની કામગીરી કરવાની જોગવાઈ કરવામાં આવેલ હતી. પરંતુ ડેમના બકેટના ભાગને ડિઝાઈનમાં ઉંડો લઈ જતા બકેટનું ખોદાણમાં પાયાનો પથ્થર એકદમ સખત પ્રકારને હાર્ડગ્રેક મળતો હોવાથી, હાર્ડગ્રેકમાં ખોદાણ માટે પેક બ્રેકરથી વારંવાર પ્રયત્નો કરવા છતાં જરૂરી માત્રાનું અપેક્ષીત પરિણામ મળી શકતુ ન હોય, હાર્ડરોકને સ્ટ્રેટા જોતા ખોદાણની કામગીરી બ્લાસ્ટીંગથી કરવા બંને કાંઠાના જંકશનને નવા કરવાથી, ટેન્ડરની આઈટમોના જથ્થોમાં અપ્રમાણસર વધારો થાય. તદઉપરાંત સંપૂર્ણ કામ પૂર્ણ કરવા માટે નવી બાબતોનો પણ સમાવેશ થાય. આથી આ બધા જ કામ ચાલુ કોન્ટ્રાકટમાં કરાવવા જતા ટેન્ડરની જોગવાઈઓ અનુસાર ઘણી બધી બાબતોમાં ચેન્જ ઓફ સ્કોપ થાય. હયાત કામના ઈજારદારશ્રી પાસે કામ કરાવવા જતા ઈજારાને લગતા ઘણાં પ્રશ્નો ઉદભવે તેમ છે. આથી એકંદરે કામ વિલંબમાં મુકાવાની શકયતાઓ રહેલી હોઈ, સરકારના સમિતિ દ્વારા હયાત કામની એજન્સીને કામમાંથી મુકત કરવી અને બાકી રહેતુ કામ, નવા કરવાના થતા કામ ઉપરાંત રીવાઈઝડ હાઈડ્રોલોજી મુજબ બાકી રહેતા કામો માટે અલગથી અંદાજો બનાવી, ટેન્ડર પ્રક્રિયા કરી, એજન્સી નકકી કરવી અને સ્પીલવેના બન્ને કાંઠાની દીવાલ તોડી, આલેખન મુજબ દિવાલ બનાવી, ફરીથી દિવાલ તથા માટીબંધના જંકશન તૈયાર કરવા, દીવાલ સાથેના માટીબંધનું કામનું આલેખ અને જુના- નવા માટીબંધના પ્રોપર બીન્ડીંગ માટેનું આલેખ કરાવ્યા બાદ, તે મુજબ કરવું. સ્પીલવેના તથા બકેટના ભાગનું રોકનું ખોદાણકામ ઓપન બ્લાસ્ટીંગથી કરાવવું.
સાની ડેમના નવા કોન્ટ્રાકટર નવા કામની વિગતોમાં મે. બેકબીન પ્રોજેકટસ લિ. અમદાવાદ રૂ. ૩૧.૧૯ કરોડ ૨૪ માસ પૈકી હાલ સ્પીલવે પીયર્સની કામગીરી પ્રગતિ હેઠળ છે અને કામ ૮૦ ટકા પૂર્ણ થયેલ છે, અને રૂ. ૧૭.૩૦ કરોડ ખર્ચાયા છે.
ઉપરોકત વિગતે સાની ડેમની પ્રથમ કોન્ટ્રાકટ અને નવા કોન્ટ્રાકટર દ્વારા હાલની છેલ્લી પરિસ્થિતિ છે.
સાની ડેમના વિલંબમાં પડેલા કામ અંગે લોકમુખે એવી પણ ચર્ચા ચાલે છે કે, અધિકારીઓની મીલીભગત આમાં દેખાઈ આવે છે ? અને કયાંકને કયાંક આમાં મોટો ભ્રષ્ટાચાર પણ થયો હોવાનું કામ ઢીલી ગતિએ અને સેટીંગથી ચાલતુ હોવાના કારણે દેખાઈ આવે છે.
ઉપરોકત સાની ડેમ પ્રશ્નનો વ્હેલાસર કામ પૂર્ણ કરી અને યોગ્ય સમય મર્યાદા-કવોલિટી બાબતે કોઈ નિરાકરણ નહી આવે તો ભાટીયા નાગરિક સમિતિના નિલેશભાઈ કાનાણી સહિત સમિતિના આગેવાનો આ પ્રશ્ને બીન રાજકીય રીતે ભાટીયા ગામ તથા તાલુકાના આગેવાનોને સાથે રાખી મુખ્યમંત્રી સહિતના ઉચ્ચ પદાધિકારીઓ તેમજ અધિકારીઓને રજુઆત કરવામાં આવશે. અને વ્હેલાસર દ્વારકા-કલ્યાણપુર (બારાડી-ઓખામંડળ)ના ૧૧૦ ગામો તથા નગરોને સાની ડેમનું પાણી ડેમ રીપેર થઈને મળે તેમ નાગરિક સમિતિના નિલેશભાઈ કાનાણીએ જણાવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial