Advertisement
Author: નોબત સમાચાર

બિહાર અને પ.બંગાળમાં બે અલગ-અલગ દુર્ઘટનામાં ૧૩ શ્રદ્ધાળુઓના કરૂણ મૃત્યુઃ શોક

શ્રાવણના સોમવારની સવારે જ બે દૂર્ઘટનાઃ અશોકધામમાં નાસભાગથી ૭, બીરભૂમમાં આગ લાગતા ૬ શ્રદ્ધાળુઓના મૃત્યુ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૭: આજે શ્રાવણ મહિનાના પહેલા સોમવારે જ પ. બંગાળ અને બિહારની બે અલગ-અલગ ઘટનાઓમાં ૧૩ શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા છે અને ઘણાં લોકોને ઈજા થઈ છે. એક સ્થળે વીજ કરંટથી થયેલી નાસભાગ અને બીજા સ્થળે શોર્ટ સર્કિટથી થયેલી આગની આ બે દૂર્ઘટનાઓના કારણે શોકનો માહોલ છવાયો છે.

બિહારના લખીસરાય સ્થિત પ્રસિદ્ધ અશોકધામ મંદિરના બહારના પરિસરમાં શ્રાવણ મહિનામાં સવારે અચાનક નાસભાગ મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, આ કરૂણ અકસ્માતમાં ૭ શ્રદ્ધાળુઓના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે, જ્યારે ૮ થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે લખીસરાયની સદર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

તબીબોના જણાવ્યા મુજબ મૃત્યુઆંક હજુ પણ વધવાની આશંકા સેવાઈ રહી છે. મળતી માહિતી મુજબ, આ ઘટના અશોકધામ રેલ્વે સ્ટેશનથી મંદિર તરફ જતા મુખ્ય માર્ગ પર બની હતી. રવિવારે રાત્રે આ માર્ગ પર વીજળીનો એક થાંભલો વાયર સાથે નીચે પડી ગયો હતો.

સોમવારે સવારે મંદિરમાં જલાભિષેક કરવા માટે મોટી સંખ્યામાં કાવડયાઓ અને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આ દરમિયાન પડી ગયેલા વીજળીના થાંભલામાં કરંટ ફેલાયો હોવાની અફવા શ્રદ્ધાળુઓ વચ્ચે ફેલાઈ ગઈ હતી. આ અફવાને કારણે લોકોમાં ભારે ડરનો માહોલ સર્જાયો હતો અને લોકો પોતાનો જીવ બચાવવા માટે આમ-તેમ ભાગવા લાગ્યા હતા.

નાસભાગ દરમિયાન નાસભાગ સર્જાઈ હતી જેમાં અનેક શ્રદ્ધાળુઓ એકબીજાના પગ નીચે દબાઈ ગયા હતા. ઘટના બનતા જ સમગ્ર વિસ્તારમાં ચીસાચીસ અને કરુણ દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક લોકો અને અન્ય શ્રદ્ધાળુઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરીને દબાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત કામગીરી હાથ ધરી હતી.

અશોકધામ મંદિર 'શ્રી ઇન્દ્રદમનેશ્વર મહાદેવ મંદિર' તરીકે દેશભરમાં પ્રખ્યાત છે. અહીં પાલકાલીન સમયનું એક વિશાળ શિવલિંગ આવેલું છે, જે જમીનના ખોદકામ દરમિયાન મળી આવ્યું હતું. પવિત્ર શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારના કારણે અહીં સવારથી જ શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામી હતી.

બીજી તરફ પશ્ચિમ બંગાળના બીરભૂમથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શ્રાવણના સોમવાર માટે એકઠાં થયેલા શ્રદ્ધાળુઓની હોટેલમાં ભીષણ આગ લાગી જતાં ઊંઘમાં જ ૬ શ્રદ્ધાળુઓ મોતને ભેટી ગયા હતા. જોકે અનેક લોકો દાઝી ગયા હોવાની માહિતી સામે આવી છે. શોર્ટ સર્કિટને કારણે સવારે ૪ વાગ્યે આ દુર્ઘટના સર્જાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

અહેવાલો અનુસાર, બીરભૂમ જિલ્લામાં આવેલા તારાપીઠ પોલીસ સ્ટેશન નજીક આવેલી એક ખાનગી હોટલમાં સોમવારે (૧૭મી ઓગસ્ટ) વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં ૬ લોકોનાં મોત થયાં છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર હોવાથી તારાપીઠ મંદિરે ભગવાન શિવ અને મા તારાના દર્શન કરવા આવેલા યાત્રાળુઓથી હોટલ સંપૂર્ણપણે ખચોખચ ભરેલી હતી. આજે વહેલી સવારે જ્યારે મોટા ભાગના શ્રદ્ધાળુઓ ઊંઘમાં હતા ત્યારે અચાનક હોટલમાં આગ ભભૂકી ઊઠી હતી.

પ્રાથમિક વિગતો મુજબ, હોટલના ગ્રાઉન્ડ ફ્લોર પર શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ લાગી હોવાની આશંકા છે. ગ્રાઉન્ડ ફ્લોરથી આગ અને ઝેરી ધુમાડો ઝડપથી ઉપરના માળ સુધી પહોંચી જતાં લોકોને બહાર નીકળવાનો મોકો મળ્યો ન હતો, જેના કારણે ગૂંગળામણથી મોતના બનાવો બન્યા છે.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ૨ ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ હતી અને કલાકોની જહમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સ્થળ પરથી ૬ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી ચાલુ રાખવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh