Advertisement
Author: નોબત સમાચાર

નવરાત્રિના તહેવારો દરમ્યાન સરકારી નિયમોનો સરેઆમ ભંગ!

શું... 'જામનગર' ગુજરાતમાં નથી??

જામનગર તા. ૧૩ઃ જામનગર શહેરમાં દર વરસે નવરાત્રિના તહેવારોની ઉજવણી તથા માતાજીની આરાધના અર્થે અનેક વિસ્તારોમાં નાની-મોટી ગરબીના આયોજન થાય છે.

આ વરસે પણ આવા ગરબીના આયોજનોમાં જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, કોર્પોરેશન, વીજતંત્ર સહિતના વિભાગોની મીઠી નજર હેઠળ સરકારી નિયમોનો સરેઆમ ભંગ થઈ રહ્યો હોય તેમ જણાય છે.

ગુજરાતના અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત જેવા મહાનગરોમાં સંબંધિત તંત્રો દ્વારા રાત્રે ૧૨ વાગ્યે લાઉડસ્પીકર ફરજીયાતપણે બંધ કરી દેવા માટે કડકમાં કડક પગલાં લેવામાં આવે છે. પણ આપણાં જામનગરમાં તો નવરાત્રિ દરમ્યાન શહેરના રહેણાક, ગીચ વિસ્તારોમાં રાત્રે દોઢ-બે-અઢી વાગ્યા સુધી જોરશોરથી કાન ફાડી નાખે તેવા મોટા અવાજમાં લાઉડ સ્પીકરો ગાજતા હોય છે. દર વરસે આ પરિસ્થિતિ સર્જાય છે છતાં સંલગ્ન તંત્ર દ્વારા સરકારના નિયમો જ નહીં પણ સર્વોચ્ચ અદાલતના હુકમનો પણ ભંગ કરવામાં આવે છે.

એટલું જ નહીં જામનગરમાં પંચેશ્વર ટાવર રોડ પર ત્રિશાલી પાઉંભાજીથી ગોવાળની મસ્જીદ સુધી, લીમડાલેન, જલાની જાર, હવાઈ ચોક વિગેરે વિસ્તારોમાં ગરબીના આયોજન જાહેર માર્ગ ઉપર થઈ રહ્યા છે. પરિણામે આ માર્ગો પર આડશો મૂકી દેવામાં આવી છે, બેરીકેટ બાંધવામાં આવ્યા છે. અને સતત પંદર દિવસ સુધી રસ્તા બંધ જેવી સ્થિતિ સર્જાઈ છે. માત્ર રાત્રે ગરબી શરૃ થાય ત્યારે જ નહીં પણ દિવસના ભાગે પણ આવી આડશો-બેરીકેટના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય છે. જાહેર માર્ગ ઉપર મોટા સ્ટેઈજ, બેઠક વ્યવસ્થા સાથેના આયોજનને મંજુરી જ કેવી રીતે મળી શકે?

લાઉડ સ્પીકરોના અતિશય ઘોંઘાટના કારણે મોડી રાત્રી સુધી આસપાસના રહેવાસીઓ, વૃદ્ધો, વિદ્યાર્થીઓને ભારે પરેશાની થાય છે અને માથાના દુખાવા જેવી સ્થિતિમાં મોડી રાત્રિ સુધી ઉજાગરા કરવા પડે છે.

જામનગરમાં સંબંધિત વિભાગો દ્વારા આ વરસે નિયમોની કડકમાં કડક અમલવારી થાય તેવી પ્રબળ લોકમાંગણી ઉઠવા પામી છે.

બાકી તો દર વરસે લોકોના મનમાં પ્રશ્ન ઉઠે જ છે કે જો રાજ્યના અન્ય શહેરોમાં રાત્રે ૧૨ વાગ્યે તંત્ર ભૂંગળા બંધ કરાવી શકે તો જામનગરમાં કેમ નહીં? શું જામનગર ગુજરાતમાં નથી?

ખાસ કરીને પંચેશ્વર ટાવર રોડ, સુમેર ક્લબ રોડ, સુપર માર્કેટથી ગોવાળની મસ્જીદ સુધી, ભાજપ કાર્યાલય સામે તો અસંખ્ય ઢોર રાત્રે પણ પડ્યા પાથર્યા રહેતા હોવાથી ઢોર ભડકવા ઢોરની ઢીકે ચઢવાની પણ સતત દહેશત રહે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh