Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જંગ ઔર પ્યાર મેં સબ જાયઝ હૈ... રાજનીતિ હવે જનસેવા નહીં, 'જંગ' બની ગઈ છે
પેપરલીકના મુદ્દે સીજેપી એટલે કે કોકરોચ જનતા પાર્ટીએ બીજેપી એટલે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે જંતરમંતર પર આદરેલી ચળવળમાં ટ્વીસ્ટ આવ્યું, અને પેપરલીકના મુદ્દે પી.એમ. હાઉસ તરફ કૂચ કરી રહેલા કોંગી નેતા રાહુલ ગાંધીની જે રીતે 'ઢસડી'ને અટક કરવામાં આવી, તેની સામે વિપક્ષના નેતાઓ આક્રોશિત છે અને મોદી સરકાર સામે આક્રોશ ઠાલવી રહ્યા છે.
સામાન્ય રીતે કોંગ્રેસના સ્ટેન્ડથી અલગ અને ભાજપ સરકાર તરફ નરમ વલણ અપનાવતા રહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કેરળથી સાંસદ શશિ થરૂરે પણ જે રીતે રાહુલ ગાંધીની અટકાયત કરી, તેનો સખત શબ્દોમાં વિરોધ કર્યો છે. તેમના પ્રત્યાઘાત મુજબ રાહુલ ગાંધી તથા અન્ય સાંસદોને જે રીતે ઢસડીને અટકમાં લેવાયા તેથી દેશના દરેક નાગરિકનું દિલ દુભાયું હતું.
તેમણે જંતરમંતર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને સમર્થન આપતા કહ્યું કે અહિંસક વિરોધ કરવો એ લોકતાંત્રિક અધિકાર છે, બ્રુટલ લાઠીચાર્જ, રાહુલ ગાંધીની બળજબરીથી અટકાયત અને પોલીસના ભયાનક વર્તનથી દેશના કાયદાનું પાલન કરતા સંનિષ્ઠ નાગરિકોમાં ઘોર નિરાશા વ્યાપી ગઈ છે. સરકારે પોતાની જવાબદારીઓથી દૂર ભાગવા માટે પોલીસ અત્યાચારનો સહારો લેવો ન જોઈએ.
તેવી જ રીતે ઉગ્ર પ્રત્યાઘાતો આપતા કોંગીનેતા જયરામ રમેશે આ તમામ બાબતે ગૃહમાં ચર્ચા થાય, તેવી પ્રિયંકા ગાંધીની લાગણી અને માંગણીનું સમર્થન કર્યું... કે.સી. વેણુગોપાલે પણ કાંઈક એવું જ મંતવ્ય વ્યક્ત કર્યું, તો રેણુકા ચૌધરી, રાજીવ શુક્લા, દિપેન્દ્રસિંહ હુડ્ડા, જોથીમણી વગેરેએ તીવ્ર પ્રત્યાઘાતો આપ્યા તો કેટલાક સાંસદોએ શિક્ષણ મંત્રી રાજીનામું ન આપે, તો તેને બરતરફ કરવાની માંગણી કરી.
વાંગચૂકની ભૂખહડતાલ અને દીપકેના પ્રચંડ પ્રતિકાર પછી સીજેપી પેપરલીકના મુદ્દે મોદી સરકારને પડકારી રહી હતી, અને જંતરમંતર પર આ ચળવળ ચાલી રહી હતી, તથા ચળવળકારોનો સંસદ તરફ કૂચ કરવાનો પૂર્વ-ઘોષિત કાર્યક્રમ હતો, તેવામાં લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના દિગ્ગજ રાહુલ ગાંધીએ પી.એમ. હાઉસ સામે ધરણાં કરીને પેપરલીક્સ મુદ્દે સિક્સર ફટકારી દીધી છે, અને આ આંદોલનની લીડરશીપ સંભાળી લીધી હોય તેમ જણાય છે.
આ આંદોલન શરૂ કરનાર કોકરોચ જનતા પાર્ટીના ખૂબ જ લોકપ્રિય બની ગયેલા પ્રવક્તા વિજેતા દહિયાએ તો એવું નિવેદન આપી દીધું કે તેનો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ ગયો, અને બર્ગર ખાવાના મુદ્દે તેમણે જે કહ્યું, તેની ચોતરફથી ટીકા થઈ અને અંતે કોકરોચ જનતા પાર્ટીએ તેમને પ્રવક્તાપદેથી હટાવીને તમામ જવાદારીથી મુક્ત કર્યા. આ કારણે સીજેપીની પણ છબિ ખરડાઈ. વાંચચૂકને ઊઠાવીને હોસ્પિટલમાં જે રીતે દાખલ કરી દીધા તથા હવે રાહુલ ગાંધી સહિતના વિપક્ષના નેતાઓને જે રીતે હટાવાયા, તે રીત-રસમોને વખોડવામાં આવી રહી છે, તેેવામાં કેજરીવાલે કરેલા તાજા નિવેદને ળતામાં ઘી હોમ્યું છે અને પેપરલીકનો મુદ્દો હવે પોલિટિકલ હથિયાર બની ગયો હોય, તેમે જણાય છે. જો આ મુદ્દો પેપરલીક પોલિટિક્સમાં ફેરવાઈ જશે, તો મૂળ સમસ્યા વિસરાઈ જશે, તેવી દહેશત પણ રહે છે.
કેજરીવાલે તો જંતરમંતર પર પહોંચીને શિક્ષણમંત્રીના બદલે પી.એમ. મોદીને જ હટાવવાની જરૂર જણાવીનેે 'મોદી હટાવો, દેશ બચાવો'નો નારો આપ્યો, અનેે આમ આદમી પાર્ટી સીજેપીની સાથે જ છે, તેવો રણકાર કર્યો. 'આપ'ના સાંસદ સંજયસિંહે અત્યંત તીખા તમતમતા પ્રતિભાવો આપ્યા અને જે આરોપ મૂક્યો, તેના કારણે પેપરલીક પોલિટિક્સમાં નવો વળાંક (ટ્વીસ્ટ) આવ્યો છે.
પી.એમ. હાઉસ સામે રાહુલ-પ્રિયંકાના ધરણાં અંગે સંજયસિંહે એવો સણસણતો આક્ષેપ કર્યો છે કે તેથી નવો જ વિવાદ ઊભો થઈ ગયો. તેમણે કહ્યું કે કોકરોચ જનતા પાર્ટીના લોકતાંત્રિક આંદોલનને નબળુ પાડવા મોદીજીએ જ આ ખેલ રચ્યો અને રાહુલ ગાંધીને તેમના (પી.એમ.ના) ઘર સામે જ ધરણાં પર બેસાડી દીધા છે!
સંજયસિંહ અને આતિશીએ તે પછી સોશિયાલ મીડિયામાં જે જુદી જુદી પોસ્ટ કરી તે સમજવા જેવી છે. સંજયસિંહે વાંગચૂકના ર૩ દિવસના ઉપવાસ અને જંતરમંતર પર સીજેપીના નેતૃત્વમાં પેપરલીકના મુદ્દે વિદ્યાર્થીઓની ચળવળ પર પોલીસ દમનનો ઉલ્લેખ કરીને લખ્યું કે કોંગ્રસે મોદીજીના ઈશારે જંતરમંતર પર ધરણાં કે સંસદ કૂચના બદલે પી.એમ. હાઉસ તરફ આંદોલનને વાળી દીધુ છે. જંતરમંતરના આંદોલનમાં સામેલ થવાના બદલે કોંગ્રેસે નવી દિશા ખોલીને વિદ્યાર્થીઓના આંદોલનને નબળુ પાડવાનો આક્ષેપ કરતા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને 'આપ'ના તેજતર્રાર નેતા આતિશીએ પણ એ જ પ્રકારની વ્યંગાત્મક પોસ્ટ કરીને રાહુલ ગાંધીના ધરણાં, અટકાયત અને પછી છોડી મૂકવાની ઘટનાને ભાજપ-કોંગ્રેસની જુગલબંધી ગણાવી છે!
'આપ'ના નેતાઓના આ આક્ષેપો સરળતાથી કોઈનાયે ગળે ઉતરે તેવા નથી, અને ભાજપને મદદ કરવા કોંગ્રેસ આ પ્રકારે નવું આંદોલન આદરે, તેવી સંભાવના જ નહીંવત્ ગણાય, પરંતુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પેપરલીક પોલિટિક્સના મુદ્દે ભાજપને ઘેરીને આગામી ચૂંટણીઓ તથા ખાસ કરીને પંજાબ પોલિટિક્સમાં રાજકીય વ્યૂહ અપનાવી રહ્યા હોય, તેવું બની શકે છે. બાકી તો જંગ ઔર પ્યાર મેં સબ જાયઝ હે... હવે રાજનીતિ પણ જનસેવાના બદલે જંગ જ બની ગઈ છે ને?
બીજી તરફ તે પછી રાહુલ ગાંધીએ ફરીથી 'એક્સ' પર કરેલી પોસ્ટ પછી પરીક્ષા પદ્ધતિ તથા શિક્ષણ સુધારણાના મુદ્દા જ વિસરાઈ ન જાય તો સારૂ, તેવા પ્રત્યાઘાતો પડ્યા.
ભાજપના સાંસદ સંબિત પાત્રાએ રાહુલ ગાંધએ એલઓપી જેવા બંધારણીય પદ પર હોવા છતાં નિયમો-કાયદા તોડીને વડાપ્રધાનના નિવાસ સામે જઈને ધરણાં કરવાની હરકતને વખોડી, તો ભાજપની મહિલા સાંસદોએ પોલીસે ઢાલ બનીને સાંસદોનું રક્ષણ કર્યું હોવાનો મત વ્યક્ત કર્યો, તો સંખ્યાબંધ સાંસદોએ લોકતંત્રમાં વિરોધ-પ્રદર્શન જરૂરી છે, પરંતુ તેની પદ્ધતિ તથા ઉદ્દેશ્યને લઈને સવાલો ઊઠાવ્યા.
ત પછી આજે પણ સડકથી સંસદ સુધી જે કાંઈ બની રહ્યું છે, મોદી સરકારની નિષ્ફળતા છે કે કોઈ વિશિષ્ટ પ્રકારનું ઊંડુ રાજકારણ છે? તેવો સવાલ પણ ઊઠી રહ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial