Advertisement
Author: નોબત સમાચાર

સૌની યોજનાનું પાણી છોડવા તથા ઘાસચારાની વ્યવસ્થાની માંગણી સાથે લાલપુરમાં ખેડૂત રેેલી

ખેડૂત હિત રક્ષક સમિતિના જિલ્લા પ્રમુખ અને લાલપુર-જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવાના નેતૃત્વમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. રરઃ ખેડૂત હિત રક્ષક સમિતિ જામનગર જિલ્લાના પ્રમુખ અને લાલપુર-જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાની આગેવાનીમાં આજે લાલપુરમાં સૌની યોજનાનું પાણી છોડવા, માલધારીઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવા અને સૌની યોજનાથી વંચિત ગામમાં નવા વાલ્વ મૂકવા માટે સર્વે કરવાની માંગ સાથે આજે લાલપુરમાં ખેડૂતોની વિશાળ રેલી નીકળી હતી, અને નારેબાજી સાથેની રેલી પ્રાંત અધિકારી કચેરીએ પહોંચી ત્યાં મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખાયેલુ આવેદનપત્ર પાઠવાયું હતું.

ખેડૂત હિત રક્ષક સમિતિના પ્રમુખ અને ધારાસભ્ય હેમંત ખવાએ જણાવ્યું છે કે, ઓણ, ચોમાસુ મોડું થયું છે. આથી સિંચાઈ માટે ખેડૂતોને પાણીની ખૂબ જ જરૂરિયાત છે. આથી સૌની યોજના અન્વયે પાણી છોડવામાં આવે તેમજ માલધારીઓને ઘાસચારાનું વિતરણ કરવામાં આવે તેવી માંગણી સાથે આજે લાલપુરમાં ખેડૂતોની વિશાળ રેલી નીકળી હતી, અન પ્રાંત અધિકારી કચેરી-લાલપુર પહોંચી હતી ત્યાં મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખાયેલું આવેદનપત્ર પાઠવાયું હતું.

જેમાં એવી રજૂઆત અને માંગણી કરવામાં આવી હતી કે, જગતનો તાત ગણાતો ખેડૂત આજે અત્યંત મુશ્કેલ અને વિકટ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. લાલપુર-જામજોધપુર તાલુકાના ખેડૂતો લોહી-પરસેવાની કમાણીથી મોંઘા બિયારણ અને ખાતર નાંખીને વાવેતર કર્યું છે, તો અમુક ગામડામાં તો હજુ વાવણી થઈ નથી. આવી સ્થિતિમાં ખેડૂતોને સિંચાઈના પાણીની અછતના કારણે વાવેલો પાક સૂકાઈ રહ્યો છે.

લાલપુર-જામજોધપુર તાલુકાના વિસ્તારમાંથી જ સૌની યોજનાની લીંક-૧ અને લીંક-૩ ની મુખ્ય પાઈપલાઈન પસાર થાય છે. પોતાના જ ઘરઆંગણેથી પાણીની લાઈન પસાર થતી હોવા છતાં સ્થાનિક ખેડૂતો પાણી વિના ટળવળી રહ્યા છે.

આથી લાલપુર-જામજોધપુરના ગામડાઓમાં ખેડુતોને સિંચાઈ માટે પાણી છોડવામાં આવે તેથી પાક બચાવી શકાય અને જ્યાં વાવણી થઈ નથી ત્યાં વાવણી કરી શકાય.

ચાલુ વર્ષ ઓછો વરસાદ તા માલધારીઓ પોતાના પશુધન બચાવવા લાચાર બન્યા છે. આવા સંજોગોમાં મફત અથવા રાહતદરે ઘાસ વિતરણ શરૂ કરવું જોઈએ. તંત્રની બેદરકારી અને અણઘડ નીતિના કારણે દર વર્ષે લાખો ટન ઘાસ ગોડાઉનમાં જ સડી જાય છે, પરંતુ વિતરણ વ્યવસ્થા કરવામાં આવતી નથી. આ બાબતે ગાંધીનગરમાં અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ કર્યવાહી કરવામાં આવી નથી. આથી સત્વરે ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ કરવાની જરૂર છે.

સૌની યોજનાની જાહેરાત વર્ષ ર૦૧ર માં કરવામાં આવી હતી, પરંતુ ૧૪ વર્ષ વિતી જવા છતાં બહુ ઓછા ગામડાનેે આ યોજનાનો લાભ મળ્યો છે.

સૌરાષ્ટ્રના મોટાભાગના ગામડાને હજુ સૌની યોજનાના પાણીથી વંચિત છે. સરકારે વાલ્વ મૂકવાની જાહેરાત તો ખૂબ કરી પણ હજુ સુધી તેનું રાર્વે પણ કરવામાં આવ્યું નથી. ગાંધીનગરમાં પણ અનેક વખત રજૂઆતો કરી છે, પરંતુ દાદ આપવામાં આવતી નથી.

અંતરિયાળ વિસ્તારના જે ગામડાઓ સૌની યોજનાના સિંચાઈના પાણીના લાભથી વંચિત રહી ગયા છે, ત્યાં સિંચાઈના પાણી પહોંચાડી શકાય તે માટે નવા વાલ્વ મૂકવા તાત્કાલિક સર્વે હાથ ધરવાની જરૂરી છે.

ખેડૂતોના હક્કનું સિંચાઈ પાણી મેળવવા અને માલધારીઓને ઘાસ વિતરણ કરવા આજે ખેડૂતો એકત્ર થયા છે અને જનઆક્રોશ રેલી મારફત આવેદન પત્ર પાઠવી પ્રતીક ભૂખ હડતાલનું આયોજન કરવામાં આવ્યું છે.

જો આગામી દિવસોમાં આ માંગણી સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન, રસ્તા રોકો આંદોલન, તાળાબંધી જેવા કાર્યક્રમો યોજવામાં આવશે તેવી ચિમકી પણ આપવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh