Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઈકાલે પી.એમ. હાઉસ સામે કોંગ્રેસના વિરોધ-પ્રદર્શન દરમિયાન રાહુલ ગાંધીની ધરપકડનો વિરોધ
નવી દિલ્હી તા. ૨૨: ગઈકાલે પી.એમ. હાઉસ સામે કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન રાહુલ ગાંધી સહિતના નેતાઓની ધરપકડના વિરોધમાં આજે કોંગ્રેસના સાંસદો કાળા કપડાં પહેરીને સંસદ ભવન પહોંચ્યા હતાં. અને શિક્ષણમંત્રીના રાજીનામા સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. બીજી તરફ વડાપ્રધાને મૌન તોડીને નીટ પેપરલીકને મહાપાપ ગણાવી દોષિતોને કડક સજાની વાત કરી છે, તો આ તરફ આ મુદ્ે હોબાળો થતા સંસદની કાર્યવાહી બપોર સુધી સ્થગિત છે.
આ મુદ્ે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૌન તોડયુ હતું. અને સાંસદોની 'મંગલ મિલન' બેઠકમાં જણાવ્યું કે, યુવાનોના ભવિષ્ય સાથે ચેંડા કરનારા નીટ પેપર લીકના ઘોર પાપમાં સંડોવાવયેલા લોકો સામે આકરાં પગલાં લેવાશે. તેમને છોડવામાં નહીં આવે. પેપર લીક રોકવું એ માત્ર કેન્દ્ર સરકારની જવાબદારી નથી, પરંતુ બધા રાજ્યો અને પક્ષોએ સાથે મળીને આ દુષણ સામે લડવું પડશે. આ રાષ્ટ્રીય હિતનો મુદે છે. આ બાબતમાં પક્ષીય રાજકારણ ના થવું જોઈએ. નીટ પેપર લીકના સમાચાર સામે આવતા સરકારે તુરંત કાર્યવાહી કરી હતી અને આ બાબતે ૧૩ લોકોની ધરપકડ કરાઈ અને તેમને જેલમાં ધકેલી દેવાયા છે. આ સિવાય વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર ના થાય તે માટે નીટની પુનઃ પરીક્ષાને પણ પ્રાથમિકતા અપાઈ અને સફળતાપૂર્વક તેને પૂરી કરાઈ હતી. નીટ પેપર લીકના દોષિતોને આકરામાં આકરી સજા થવી જોઈએ અને તેના માટે ટોચના વકીલોએ આગળ આવવું જોઈએ. જેથી ભવિષ્યમાં પેપર લીક જેવી ઘટનાઓ ના થાય. નીટ પેપર લીક માત્ર રાજ્યો કે કેન્દ્ર સરકારનો મુદે નથી. આ દેશમાં જયાં પણ પેપર લીક થયા છે અને જે લોકો પણ પેપર લીકના ધંધામાં સંડોવાયેલા છે તેમને સજા અપાવવા માટે બધા જ પક્ષોએ એક થવું પડશે.
નીટ કૌભાંડ અને પેપર લીક મુદ્દે કોંગ્રેસ સહિતના વિપક્ષોએ કેન્દ્ર સરકાર સામે મોર્ચો માંડ્યો છે. રાહુલ-પ્રિયંકા ગાંધી સહિતના સાંસદો કાળા કપડાં પહેરી સંસદ પહોંચ્યા, જ્યાં તેમણે શિક્ષણ મંત્રી સામે સૂત્રોચ્ચાર કર્યા. વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી અને લાઠીચાર્જનો વિરોધ કરતા નેતાઓએ સરકારને ડરપોક ગણાવી.
દિલ્હીમાં માર્ચ દરમિયાન રાહુલ-પ્રિયંકાની અટકાયત થઈ હતી, તેથી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અન્ય વિપક્ષી સાંસદો આજે કાળા કપડાં પહેરીને સંસદ ભવન પહોંચ્યા હતા. જયાં તેમણે ફરીથી સરકાર અને શિક્ષણ મંત્રીનું રાજીનામુ માંગ્યુ હતું.
કોંગ્રેસના આ મોટા વિરોધ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનો અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલા આ સંવેદનશીલ મુદ્દા પર સરકારનું ધ્યાન દોરવાનો અને કડક સંદેશ આપવાનો છે. પાર્ટીના તમામ સાંસદોએ એકજૂથ થઈને પોતાની રણનીતિ મુજબ વિરોધ નોંધાવ્યો હતો. કાળા કપડાં પહેરીને સંસદ પહોંચેલા પ્રિયંકા ગાંધીએ મીડિયાને જણાવ્યું હતું કે, તેઓ હિંસાની વિરુદ્ધમાં છે અને તેમની વિચારધારા હિંસાને ક્યારેય સહન કરતી નથી.
કોંગ્રેસ સાંસદ સૈયદ નસીર હુસૈને જણાવ્યું કે તમામ વિપક્ષી સાંસદો પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ અને નેતાઓ પર થયેલા પોલીસ બળપ્રયોગના વિરોધમાં કાળા કપડાં પહેરીને આવ્યા છે. વિપક્ષની માંગ છે કે સરકાર પોતાનું હઠાગ્રહ છોડીને વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરે અને સમગ્ર શિક્ષણ વ્યવસ્થામાં સુધારો કરે. અન્ય એક કોંગ્રેસ સાંસદ પ્રમોદ તિવારીએ ૨૦ જુલાઈના રોજ વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ સામે ભારે રોષ વ્યક્ત કરતા સવાલ ઉઠાવ્યો હતો કે શું વિપક્ષ આવી બર્બરતા પર ચૂપ બેસી રહે?
વિદ્યાર્થી આંદોલન, વિરોધ પ્રદર્શન અને અટકાયત બાદ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રથમ વખત વીડિયો સંદેશ જાહેર કરીને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી, અને દેશની શિક્ષણ વ્યવસ્થા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી. રાહુલ ગાંધીએ પોતાના સંદેશમાં કહૃાું કે, ભારતની શિક્ષણ વ્યવસ્થા સતત કમજોર બની રહી છે, અને તેને તાત્કાલિક સુધારવાની જરૂર છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, વિદ્યાર્થીઓના પ્રશ્નોને અવગણવાને બદલે સરકાર તેમની વાત સાંભળે અને યોગ્ય ઉકેલ લાવે.
સુપ્રીમ કોર્ટે પ્રદર્શનકારીઓ પર થયેલી પોલીસ કાર્યવાહી સામેની તાકીદની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. સીજેઆઈ સૂર્યકાંતે વીડિયો જોઈ સુઓ મોટો લેવાની વકીલની વિનંતી ફગાવી દીધી. સીજેઆઈએ સ્પષ્ટ કહૃાું કે, *અમારી પાસે વીડિયો જોવાનો સમય નથી, કોર્ટનો સમય ન બગાડો.* નીટ પરીક્ષાના સુધારા માટે શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર કડક પગલાં લેવાયા હતા.
સંસદમાં પણ આજે વારંવાર ગૃહો સ્થગિત કરવા પડયા છે. સંસદની બહાર વિપક્ષો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે, તો સંસદમાં અખિલેશ યાદવ સહિતના સાંસદોએ પોલીસ દમનની કાર્યવાહી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. આ લખાય છે ત્યારે બપોર સુધીમાં સંસદના બન્ને ગૃહોની કાર્યવાહી અવાર-નવાર સ્થગિત કરવી પડી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial