Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અનેક વિસ્તારો જળબંબાકારઃ જી.જી. હોસ્પિટલમાં પાણી ભરાયાઃ ઠેર-ઠેર સેલરો-પાર્કિંગમાં જલભરાવઃ જિલ્લામાં ચારના મૃત્યુઃ માનવતા ઝળકીઃ દ્વારકામાં ઝાપટાં
જામનગર તા. ૧ઃ જામનગર શહેર જિલ્લામાં આજે સવારથી ઉઘાડ નીકળતા લોકોએ અને તંત્રએ રાહતનો દમ લીધો છે. જો કે, ગઈકાલે રાત્રે વરસાદે વિરામ લીધા પછી વાદળોથી આકાશ ગોરંભાયેલું રહ્યું હતું અને સખત બફારો ચાલુ રહેતા ગમે ત્યારે વાદળાઓનું આક્રમણ થાય તેવી શક્તયતા છે.
રાજયના હવામાન વિભાગે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને રેડ એલર્ટ જાહેર કરી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તે મુજબ આજે રાત્રિ સુધી હજી પણ ભારે વરસાદની શક્યતા નકારી શકાતી નથી.
અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
જામનગર શહેરમાં ગઈકાલે ખાબકેલા મુશળધાર ૧૩ ઈંચ જેવા ભારે વરસાદના કારણે સમગ્ર શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં.
ગુલાબનગર, મોહનનગર વિસ્તારો નિચાણવાળા વિસ્તારો હોય ત્યાં અનેક લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતાં. લોકોની ઘરવખરીને ભારે નુકસાન થયું હતું.
જયા દર વરસે બે-ત્રણ ઈંચ વરસાદ પડતાવેંત પાણી ભરાય જાય છે તેવા વિસ્તારોમાં પત્રકાર કોલોની, લીમડાલેન, રામાણી મેન્શનવાળી શેરી, ચર્ચવાળો વિસ્તાર, ગુરૃદ્વારા વિસ્તાર, રામેશ્વરનગર, પટેલ કોલોની, રણજીતનગર ચોક, પાર્ક કોલોની, પંચેશ્વર ટાવર રોડ, જયશ્રી ટોકિઝવાળી શેરી, વંડાફળી, નવાગામ-ઘેડ સહિતના વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાઈ જતા લોકો ભારે મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતાં.
જી.જી. હોસ્પિટલમાં પાણી
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા દરદીઓ અને સગા-વ્હાલા તથા સ્ટાફને અવરજવરમાં મુશ્કેલી પડી હતી.
ઈન્દ્રપ્રસ્થ સહિતના કોમર્શિયલ કોમ્પલેક્ષના પાર્કિંગોમાં પાણી
જામનગરના ઈન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષ, અતુલ કોમ્પલેક્ષ, તાહેરીયા કોમ્પલેક્ષ સહિતના સેલરમાં પાર્કિંગવાળા કોમર્શિયલ કોમ્પલેક્ષોના પાર્કિંગમાં પાણી ભરાઈ જવાથી તળાવ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
આજે સવારે આ કોમ્પલેક્ષોની બહાર વાહનો પાર્ક થવાના કારણે જાહેર માર્ગો ઉપર ટ્રાફિક અવ્યવસ્થા સર્જાઈ છે.
જામનગરના નિચાણવાળા વિસ્તારો, સોસાયટીઓ, જાહેરમાર્ગો, શેરી-ગલીઓમાં મોટાપાયે પાણી ભરાયેલા રહેતા વાહન ચાલકો મુસીબતમાં મૂકાઈ ગયા હતાં. ટુ-વ્હીલર વાહનો અને કાર જેવા વાહનો પણ બંધ પડી જવાથી પાણી વચ્ચે ફસાઈ ગયા હતાં. જેથી વાહનોની કતારો લાગી ગઈ હતી અને અનેક મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિક જામ થયો હતો.
રાત્રે કરફયુ જેવી સ્થિતિ
ગઈકાલે ૧૩ ઈંચ જેવો વરસાદ પડી ગયા પછી વિરામ લીધો પણ તેમ છતાં હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહી અને સાવચેત રહેવાની ચેતવણીના પગલે રાત્રે આઠ-નવ વાગ્યાપછી શહેરના માર્ગો ઉપર નહીંવત અવરજવર જોવા મળી હતી અને રાત્રે ૧૦ વાગ્યા પછી તો કરફયુ જેવી સ્થિતિમાં શહેરમાં સોંપી પડી ગયો હતો.
વીજપુરવઠો મહદ્અંશે જળવાઈ રહ્યો
જામનગર શહેરમાં દે-ધનાધન જેવો ભાર વરસાદ વરસવા છતાં શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજપુરવઠો ચાલુ રહ્યો હતો. જો કે કેટલાક વિસ્તારોમાં બેએક કલાક માટે વીજપુરવઠો બંધ રહ્યો હતો.
એકંદરે જામનગર શહેરમાં ભારે વરસાદ વચ્ચે પણ વીજતંત્રની કામગીરી સરાહનીય બની રહી હતી. સાવચેતી ખાતર કેટલાક શેરી-ગલીઓમાં સ્ટ્રીટ લાઈટો બંધ રાખવામાં આવી હતી.
લોકોને સલામત સ્થળે ખસેડાયા
રાજ્યના હવામાન વિભાગની ભારેથી અતિ ભારે વરસાદની આગાહી તથા રણજીતસાગર ડેમ ઓવરફલો થવાના પગલે શહેરના વોર્ડ નં. ર,૪,૧૦,૧ર,૧૩ અને ૧૬ ના નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તંત્ર દ્વારા તાબડતોબ સલામત સ્થળે સ્થળાંતરીત થવા સૂચના માઈક દ્વારા આપવામાં આવી હતી. તેમજ તંત્ર દ્વારા અંદાજે સાડા ત્રણસો લોકોને સલામત સ્થળે ખસેડી તેમના માટે રહેવા-ભોજનની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.
ધારાસભ્યોની અપીલ
જામનગરને રેડ એલર્ટ જાહેર કરાયાના પગલે અને રણજીતસાગર ડેમ ઓવરફલો થવાથી જામનગર શહેરી વિસ્તારના બન્ને ધારાસભ્યો રિવાબા જાડેજા તથા દિવ્યેશભાઈ અકબરીએ નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ચાલ્યા જવા અને નદીના પટમાં અવરજવર નહીં કરવા તેમજ સ્થળાંતરની કાર્યવાહીમાં તંત્રને સહકાર આપવા અપીલ કરી હતી.
એનડીઆરએફ તથા હોમગાર્ડઝ ટીમ સજ્જ
જામનગરને રેડ એલર્ટ જાહેર કરાયા પછી રાજ્ય સરકાર દ્વારા વડોદરાથી રેસ્કયુ કામગીરી માટે એનડીઆરએફ તથા એસડીઆરએફની એક ટીમને તાત્કાલિક જામનગર મોકલી હતી. આ ઉપરાંત જામનગર જિલ્લા હોમગાર્ડઝ દ્વારા પણ રેસ્કયુ માટે જવાનોની ટીમને સજ્જ રાખવામાં આવી છે.
આનંદો... રણજીતસાગર ડેમ ઓવરફલો
જામનગર મહાનગરપાલિકા હસ્તકનો અને શહેરને પાણી પૂરૃં પાડતા રણજીતસાગર ડેમમાં ગઈકાલે એક જ દિવસમાં ભારે વરસાદના કારણે પાણીની જોરદાર અને પુષ્કળ આવક થતાં રાત્રે આઠેક વાગ્યે ઓવરફલો થઈ ગયો હતો. રંગમતિ ડેમના બે દરવાજા તથા કંકાવટી ડેમના નવ દરવાજા ખોલવામાં આવ્યા છે.
ભારે વરસાદે ચાર વ્યક્તિનો ભોગ લીધો
જામનગર શહેર જિલ્લામાં ભારે વરસાદે ગઈકાલે ચાર માનવ જીંદગીનો ભોગ લીધો હતો. જેમાં રણજીતસાગર ડેમમાં ડૂબી થવાથી પ્રિતા-પુત્રના મૃત્યુ થયા હતાં. જ્યારે ગુલાબનગરમાં એક બાળકનું મૃત્યુ થવા સાથે કુલ ચાર વ્યક્તિના મરણ નિપજ્યા હતાં. જો કે બે લોકોને રેસ્કયુ કરીને બચાવી લેવાયા હતાં.
લહેર તળાવ ઓવરફલો થયું છે, તો શહેરની મધ્યમાં આવેલ રણમલ તળાવની દીવાલો-રેલીંગો સાથે બે સ્થળે તૂટી પડી હોવાથી તંત્ર દ્વારા રણમલતળાવ સંકુલમાં અઠવાડિયા માટે અવરજવરનો પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. રણજીતસાગર ડેમ વિસ્તારમાં પણ ચૂસ્ત સીક્યોરીટી તથા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તંત્ર દ્વારા લોકોને ડેમ સાઈટ ઉપર નહીં જવા અપીલ કરવામાં આવી છે.
જામનગર જિલ્લાના સસોઈ ડેમમાં પાણીની કોઈ આવક નોંધાઈ નથી. જ્યારે સપડા, કંકાવટી, રૃપારેલ, વાગડીયા, ઉંડ-૪ ડેમ ઓલરેડી ઓવરફલો થઈ રહ્યા છે. જ્યારે અન્ય ડેમોમાં પન્નામાં ૬૦ ટકા, રંગમતિમાં ૬૦ ટકા, ઉંડ-૧, ડાઈમીણસર, વિજરખી, ફુલઝર, ઉમિયાસાગર, બાલંભડી વગેરે ડેમોમાં હાલ પ૦ ટકા પાણી ભરાયેલું હોવાનું જાહેર થયું છે. આ સિવાય જિલ્લામાં અનેક નદી-નાળા-નાના ચેકડેમોમાં પાણી આવતા ભરાઈ ગયા હતાં.
શાળાઓમાં રજા
આજની અતિ ભારે વરસાદની આગાહીના પગલે જામનગર તાલુકામાં શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.
નિચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડી શકાય તે માટે તંત્ર દ્વારા આજે શાળાઓ ખુલી રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.
ફૂડ પેકેટની સેવા
જામનગરમાં કોઈપણ કુદરતિ આપત્તિ સામે ફૂડ પેકેટ - ભોજનની સેવા આપવા તત્પર એવા હાપાના જલારામ મંદિરમાં ફૂડ પેકેટ તૈયાર કરી અસરગ્રસ્તોને પહોંચાડવામાં આવ્યા હતાં. આ ઉપરાંત બોલબાલા ટ્રસ્ટે પણ નાસ્તો તથા ભોજના બનાવી લોકોને પહોંચાડવાનું સેવા કાર્ય કર્યું હતું. શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિની વાડીમાં મોટી સંખ્યામાં ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા હતાં. ધારાસભ્યો રિવાબા જાડેજા તથા દિવ્યેશભાઈ અકબરીએ આ રાહત રસોડાની મુલાકાત લીધી હતી.
આજે સવારથી ઉઘાડ
આજે સવારથી શહેરમાં ઉઘાડનું વાતાવરણ છવાતા લોકોએ રાહતનો દમ લીધો હતો અને લોકો કામ ધંધા માટે, ખરીદી માટે નીકળી પડ્યા હતાં અને શહેરમાં જનજીવન રાબેતા મુજબનું જણાતું હતું. જો કે શહેરના અનેક વિસ્તારોમાં ખાસ કરીને ધન્વન્તરિ મેદાન, ક્રિકેટ બંગલાનું મેદાન જેવા વિસ્તારોમાં પાણીના તળાવ ભરાયેલા જોવા મળ્યા હતાં. રણમલ તળાવમાં પાણીની આવક ચાલુ હોય તળાવ હવે પાણીથી ભરાઈ રહ્યું છે અને તે જોવા માટે મોટી સંખ્યામાં નગરજનો તળાવની પાળે પહોંચી ગયા હતાં.
જામનગર જિલ્લામાં જો કે આજે સવારે ૬ થી ૧૦ વાગ્યા સુધી તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો નથી. ગઈકાલ સુધીમાં સિઝનનો કુલ વરસાદ જામનગર તાલુકામાં રપ ઈંચ (૬ર૧ મીમી), જોડીયા તાલુકામાં ૧૪ ઈંચ (૩પ૪ મીમી), ધ્રોલ તાલુકામાં ૧૪ ઈંચ (૩૬પ મીમી), કાલાવડ તાલુકામાં ૧પ ઈંચ (૩૭પ મીમી), લાલપુર તાલુકામાં ૧૦ ઈંચ (ર૪પ મીમી) અને જામજોધપુર તાલુકામાં ૧૩ ઈંચ (૩૪ર મીમી) વરસાદ નોંધાયો છે.
જામનગર જિલ્લામાં ગઈકાલે સૌથી વધુ વરસાદ જામવંથલી તથા મોટી બાણુંગાર પંથકમાં ૧૩ ઈંચ પડ્યો હતો. જ્યારે મોટીભલસાણ, અલીયાબાડા પંથકમાં ૧ર ઈંચ, ફલ્લામાં ૬ ઇંચ, જાલીયા દેવાળીયામાં છ ઈંચ, મોટા વડાળામાં પાંચ ઈંચ, સમાણામાં છ ઈંચ, ધ્રાફામાં છઃ ઈંચ તથા અન્ય ગ્રામ્ય પંથકમાં અડધાથી બે ઈંચ જેવો વ્યાપક અને સાર્વત્રિક વરસાદ પડતા સમગ્ર જિલ્લો પાણી-પાણી થઈ ગયો હતો. ગ્રામ્ય પંથકોમાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે.
દ્વારકા જિલ્લામાં ઝાપટાં
જામનગર જિલ્લાને ગઈકાલે વરસાદથી તરબતર કરી દીધો, તો બીજી તરફ હાલારના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં માત્ર હળવા ઝાપટાં જ પડ્યા હતાં.
ખંભાળીયા પંથકમાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. ભાણવડ અને કલ્યાણપુર તાલુકામાં માત્ર ઝાપટાં પડ્યા હતાં. તો દ્વારકા તાલુકો કોરો ધાકોડ રહ્યો હતો.
વરસાદના કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ ડેમોમાં પાણીની સપાટીમાં થોડો વધારો થયો છે. હાલની સ્થિતિએ વર્તુ-ર માં ર.૭૯ ફૂટ, વેરાડી-૧ માં ૩.૪૪, વેરાડી-ર માં ૯.૬૮, મીણસારમાં ૧૦.૮ર, કબરકામાં ૭.રર, સોનમતીમાં ૩.૬૧, ઘી ડેમમાં ૮.૦૭, ગઢકીમાં ૪.ર૬ ફૂટ પાણીની સપાટી છે. જ્યારે મહાદેવીયા, કંડોરણા, સીંઘણી, વર્તુ-૧, શેઢાભાડથરી ડેમો સાવ ખાલી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial