Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવનાલામાં તણાયેલો કિશોર હજુ લાપત્તાઃ રણજીતસાગર ડેમના નવા પાણીએ પિતા-પુત્રનો ભોગ લીધોઃ
જામનગર તા.૧ ઃ જામનગરમાં ગુરૃવારની રાત્રિથી શરૃ થયેલા ભારે વરસાદના કારણે જામનગર શહેરમાં ચોતરફ પાણી પાણી થઈ ગયું છે. તે દરમિયાન ગઈકાલે જુદા જુદા સ્થળે વરસાદી પાણીમાં તણાઈ જતાં પાંચ વ્યક્તિના મૃત્યુ થયાનું ખૂલ્યું છે. હજુ એક કિશોર લાપત્તા છે. નવનાલામાં બે કિશોર પાણીના ધસમસતા વહેણમાં તણાયા હતા. રણજીતસાગર ડેમ પર પાણી જોવા ગયેલા પિતા-પુત્રના ડેમમાં ડૂબી જવાથી મૃત્યુ થયા હતા, ધુંવાવમાં એક બાળકી હાઉસીંગ બોર્ડના મકાનમાં પાણી ભરાતા ડૂબી જતાં મોતને શરણ થઈ હતી, મોખાણામાં બાઈક સાથે એક યુવાન તણાઈ ગયા હતા. નવા પાણીએ પાંચ જિંદગી હણતા હાહાકાર મચ્યો છે.
જામનગર શહેર તથા જિલ્લામાં ગુરૃવારની રાત્રિથી શરૃ થયેલા મૂશળધાર વરસાદ વચ્ચે ચારેય તરફ પાણી ભરાવવાનું શરૃ થયું હતું. ગુરૃવારે રાત્રે બે વાગ્યાથી પુરજોશમાં શરૃ થયેલા વાવાઝોડા જેવા વરસાદે ગઈકાલ બપોરના એક વાગ્યા સુધી વરસી જામનગર શહેરને પાણી પાણી કરી નાખ્યું હતું.
ચોમાસાના આગમન પહેલા પ્રિ-મોન્સુન કામગીરી શરૃ કરવામાં આવી છે તેવી તંત્રની વાતોને મેઘરાજાએ પોકળ સાબિત કરી બતાવી હતી. ઠેર ઠેર ભરાયેલા પાણી વચ્ચે ગઈકાલે ચાર સ્થળે કેટલાક વ્યક્તિઓ તણાઈ ગયાની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવી હતી.
આવા બનાવોમાં સૌપ્રથમ બનાવ જામનગરના ગુલાબ નગર નજીકના નવ નાલા પાસે બન્યો હતો. નવ નાલા પાસેથી ગઈકાલે બપોરે વરસતા વરસાદમાં પસાર થતાં ત્રણ બાળકો કોઈ રીતે નાલામાં લપસી પડ્યા હતા જેમાંથી એક બાળક પોતાનો જીવ બચાવીને નીકળી જવામાં સફળ થયો હતો ત્યારે નાલામાંથી અખાડા ચોક તરફ ધસમસતા પાણીમાં બે બાળક તણાઈ ગયા હતા. જેની જાણ થતાં ફાયરબ્રિગેડ દોડી હતી.
ફાયરના જવાનોએ સ્થાનિક લોકોના સહયોગથી અખાડા ચોક પાસે બંને કિશોરની શોધ શરૃ કર્યા પછી એક કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો. નવનાલાથી અખાડા ચોક વચ્ચે, નાલાના ભાગમાં ઉગી નીકળેલી ગાંડી વેલ કાઢવા અંગે અગાઉ સ્થાનિક નગરસેવક સહિતના તંત્રવાહકોને સ્થાનિક લોકોએ જાણ કરી હોવા છતાં તે કામગીરી સામે દુર્લક્ષ સેવાતા ગઈકાલે બે કિશોર તણાયા હતા તેમ સ્થાનિકોએ રોષ પ્રગટ કરતા જણાવ્યું હતું.
લાપત્તા થયેલા બે કિશોરમાંથી એકનો મૃતદેહ મળી આવતા તેને બચાવી લેવાના પ્રયત્નો કરાયા હતા પરંતુ તે પહેલા વધુ પડતું પાણી પી ગયેલા કિશોરનું પ્રાણપંખેરૃ ઉડી ગયું હતું. લાપત્તા રહેલા બીજા કિશોરની હજુ સુધી ભાળ મળી નથી.
ઉપરોક્ત બનાવ પછી બીજો બનાવ જામનગરને પીવાનું પાણી જેમાંથી પૂરૃં પાડવામાં આવે છે તે ડેમ પૈકીના રણજીતસાગર ડેમમાં બન્યો હતો. જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલી નવી નિશાળ નજીક રહેતા આસિફભાઈ બચુભાઈ ગાગદાણી (ઉ.વ.૩૭) અને તેમનો બાર વર્ષનો પુત્ર નવાઝ ગઈકાલે બપોરે ચારેક વાગ્યે રણજીતસાગર ડેમમાં થઈ રહેલી પાણીની આવક જોવા માટે પહોંચ્યા પછી નવાઝ કોઈ રીતે ડેમમાં ધસમસતા પાણીમાં ખાબક્યો હતો. પોતાના પુત્રને ડેમમાં પડી ગયેલો જોઈ તેને બચાવવાનો પિતા આસિફભાઈએ પ્રયત્ન શરૃ કર્યાે હતો અને તેઓ ડેમમાં ઉતરવાનો પ્રયત્ન કરતા હતા ત્યારે પાણીમાં ખાબક્યા હતા. આ વેળાએ ત્યાં હાજર લોકોએ બંને વ્યક્તિને પાણીમાં પડી જતાં જોઈ તરત જ ફાયરબ્રિગેડને જાણ કરતા દોડી આવેલી ફાયરની ટીમે બચાવ કામગીરી શરૃ કરી દીધી હતી. તેમ છતાં બંને પિતા-પુત્રને બચાવી શકાયા ન હતા. બંનેના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા તે દરમિયાન તેમના પરિવારજનો પણ ડેમ પર દોડી આવ્યા હતા. પોલીસે મૃતક આસિફભાઈના મોટા ભાઈ ફારૃક ગાગદાણીનું નિવેદન નોંધ્યું છે.
ઉપરોક્ત બનાવો પછી જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ધુંવાવ ગામમાં આવેલા હાઉસીંગ બોર્ડના મકાનોમાં ગઈકાલે વરસાદી પાણી ભરાતા તેમાં ત્યાં જ રહેતા એક પરિવારની ત્રણ વર્ષની એક બાળકી ડૂબી જવાથી મોતને શરણ થઈ હોવાના અહેવાલ વહેતા થયા હતા અને તે દરમિયાન જ જામનગર તાલુકાના મોખાણા ગામના એક યુવાન વહેતા પાણીમાં બાઈક સાથે પસાર થવાનો પ્રયત્ન કરતા હતા ત્યારે બાઈક સાથે જ પાણીના વહેણમાં તણાવા માંડ્યા હતા.
તે બાબતની જાણકારી પણ આપવામાં આવતા ફાયરના જવાનો મોખાણા દોડ્યા હતા. તે ટીમ આ યુવાનને કાઢવાની કામગીરી શરૃ કરે તે પહેલા સ્થાનિક તરવૈયાઓએ વહેણમાં તણાઈ ગયેલા યુવાનને પાણીમાંથી શોધી કાઢી કાંઠે લાવી દીધા હતા. આ યુવાનનું પણ મૃત્યુ નિપજ્યું હોવાનું ખૂલ્યું છે.
ગઈકાલે બપોરે ગુલાબનગર નવનાલામાં તણાયેલા બે કિશોર પૈકીના એક કિશોરનો મૃતદેહ ગણતરીની મિનિટોમાં મળી આવ્યો હતો, જ્યારે લાપત્તા રહેલો બીજો કિશોર હજુ સુધી વહેણમાંથી મળ્યો ન હોય આજે બપોરે પણ ફાયરની એક ટીમ તેને શોધવાના પ્રયત્નમાં લાગેલી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial