Advertisement
Author: નોબત સમાચાર

મોહનનગરમાં જલભરાવ પછી લોકરોષ રોડ પર ઉભરાયો

સ્થાનિકોએ કરેલા ચક્કાજામથી કેબિનેટ મંત્રી સહિતના પદાધિકારીઓ દોડી આવ્યાઃ તંત્ર સામે ઉગ્ર રોષ પ્રગટ કરાયોઃ

જામનગર તા.૧ ઃ જામનગરના સંખ્યાબંધ વિસ્તારોમાં ગઈકાલે વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને તંત્રની પ્રિ-મોન્સુન કામગીરીની ધજીયા ઉડાડવી હોય તે રીતે સેંકડો ઘરો, દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. ગાંધીનગર, રામેશ્વરનગર, નવાગામ ઘેડના સેંકડો નગરજનોના જીવ પડીકે બંધાયા હતા. તે દરમિયાન વરસાદી પાણી ગુલાબનગર સામેના મોહનનગર, નારાયણનગર, રાજમોતી ટાઉનશીપમાં ઘૂસી જતાં ત્યાંના રહેવાસીઓએ ફફડતા જીવે રાત કાઢી હતી. તે પછી આજે સવારે ત્યાંના લોકોનો પુણ્યપ્રકોપ રોડ પર આવી ગયો હતો. સ્થાનિકોએ રોડ પર આવી ચક્કાજામ સર્જતા કેબિનેટ મંત્રી સહિતના પદાધિકારીઓને દોડી જવું પડ્યું હતું. ચોમાસામાં પાણી ભરાવવાની સ્થિતિ વારંવાર સર્જાતી હોવા છતાં તંત્ર શું કરે છે તે સમજાતું નથી.

જામનગર શહેરમાં ગુરૃવારની રાતથી શરૃ થયેલા ભારે વરસાદે ગઈકાલે દિવસ ભર વરસી જામનગરને નિંભર તંત્રની પોલ સરાજાહેર ખોલી નાખી છે. વરસાદના પગલે જામનગરના અતિ વિકસિતથી માંડી અલ્પ વિકસિત અને નવા વિકસતા વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા ખૂલી પડી ગઈ હતી.

તંત્ર દ્વારા ચોમાસાના આગમન પહેલાં જ કરોડો રૃપિયાના ખર્ચે પ્રિ-મોન્સુન કામગીરીના કેટલાક નાટકો કરવામાં આવે છે. તે કામગીરીમાં ખરેખર જેટલી રકમ વપરાય છે તેના કરતા વધુ રકમ 'ખાયકી'માં ચાલી જતી હોવાના પુરાવા ગઈકાલે વરસેલા વરસાદે પુરા પાડ્યા હતા. નગરના પાર્ક કોલોની જેવા અતિ પોશ વિસ્તારથી માંડી વર્ષાેથી જામનગરમાં ભળી ગયેલા રામેશ્વરનગર, નવાગામ ઘેડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા.

તે ઉપરાંત જામનગરના ગુલાબનગર સહિતના વિસ્તારો પણ પાણીમાં ગળાડૂબ થયા હતા. નગરના પટેલકોલોની, ગાંધીનગર, રામેશ્વરનગર, નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલા મકાનો, દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. તંત્રના પાપે નગરજનોએ લાખોની નુકસાની વેઠવી પડી છે. તે દરમિયાન ગઈકાલે ગુલાબનગર સામેના મોહનનગર વિસ્તારમાં પણ ભરાઈ ગયેલા વરસાદી પાણીએ ભારે હોબાળો મચાવ્યો હતો.

ગઈકાલે સાંજે ગુલાબનગર નજીકના નવ નાલા પરથી બે બાળકો પાણીમાં તણાયા પછી ગઈકાલે મોહનનગરમાં ગોઠણડૂબ પાણી ભરાઈ ગયા હતા ત્યાં વસવાટ કરતા સેંકડો નાગરિકોના જીવ પડીકે બંધાઈ ગયા હતા. મોહનનગર તેમજ આજુબાજુના રાજમોતી ટાઉનશીપ, નારાયણનગર વગેરે વિસ્તારોમાં વરસાદી પાણીએ કહેર મચાવ્યો હતો.

આ વિસ્તારના રહેવાસી ઓએ લાંબા સમયથી કમિશનર કચેરી, મેયર વગેરેને રજૂઆત કરી હતી કે, અમારા વિસ્તારમાં કરવામાં આવેલી પાણીની પાઈપલાઈન નાખવાની કામગીરીમાં કોઈ ક્ષતિ રહી જતાં ભૂગર્ભ ગટર બ્લોક થઈ ગઈ છે અને તેના કારણે ચોમાસામાં પાણી ભરાવાની શક્યતાઓ રહેલી છે. આવી રજૂઆતો અવારનવાર થઈ હોવા છતાં કોઈએ તેના પર ધ્યાન ન આપતા ગઈકાલે આ વિસ્તારની માઠી દશા થઈ હતી. કેટલાક મકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા, સતત વરસી રહેલા વરસાદ વચ્ચે આ વિસ્તારના રહેવાસીઓના જીવ ગભરાઈ ઉઠ્યા હતા અને તે દરમિયાન ગઈકાલે રાત્રે દસેક વાગ્યે રણજીતસાગર ડેમ પણ ઓવરફ્લો થયો છે તેવી વિગતો મળતા આ વિસ્તારના લોકોએ ધડકતા હૃદયે આખી રાત પસાર કરવી પડી હતી.

જો કે, લોકોની પ્રાર્થના સાંભળી હોય તે રીતે ગઈકાલે રાત્રે નવ વાગ્યા પછી વરસાદ ધીમો પડ્યો હતો અને દસ વાગ્યા સુધીમાં બંધ થઈ જતાં અને ઉપરવાસમાં પણ વરસાદ બંધ થતાં લોકોની વધુ હાલાકી અટકી હતી. આ હાલાકી અટકવા પાછળ તંત્રવાહકોનો કોઈ હાથ ન હતો પરંતુ કુદરતે જ જાણે કે લોકોની પ્રાર્થના સાંભળી હતી.

આખી રાત ફફડતા જીવે રહેલા મોહનનગરના રહેવાસીઓનો આક્રોશ આજે સવારે જાણે કે ફૂટી નીકળ્યો હતો, પોતપોતાના ઘરની બહાર નીકળેલા આ વિસ્તારના લોકોએ રોડ પર આવી જઈ ચક્કાજામ સર્જી દેતાં અત્યાર સુધી કુંભકર્ણની નિદ્રામાં રહેલા તંત્રવાહકો ઝબકીને જાગ્યા હતા અને દોડધામ મચી ગઈ હતી.

મોહનનગર  પાસે ટ્રાફિક જામ થયો હોવાની અને લોકો રોડ પર આવી જઈ ઉગ્ર આક્રોશ કરતા હોવાની વિગતો મળતા રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ તથા ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલ, મેયર બિનાબેન કોઠારી, મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી, ધારાસભ્ય રિવાબા જાડેજા વગેરે દોડી આવ્યા હતા. એક તબક્કે પદાધિકારીઓને સ્થાનિક લોકોએ ઘેરાવ કરી લઈ પોતાનો ઉગ્ર પુણ્યપ્રકોપ વ્યક્ત કર્યાે હતો.

રાજ્યના મંત્રી રાઘવજીભાઈએ લોકોની રજૂઆત સાંભળી હતી. તેઓએ જામ્યુકોના તંત્રવાહકો ના કારણે આ વિસ્તારના લોકોનો ઉગ્ર પ્રકોપ, ઉગ્ર શબ્દોમાં સાંભળવો પડ્યો હતો જેના પગલે લોકોમાં પ્રજવળતો રોષ કેટલો છે તેનો પણ પરિચય પદાધિકારીઓને મળ્યો છે. વોર્ડ નં.૧૧માં ભારે વરસાદના કારણે કફોડી સ્થિતિ સર્જાઈ હોવાની વાત છેક ગાંધીનગર સુધી પહોંચતા ત્યાંથી મળેલી સૂચનાના પગલે ધારાસભ્યો આવી પહોંચ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

મોહનનગર, નારાયણ નગર, રાજમોતી ટાઉનશીપના રહેવાસીઓએ ભારે વરસાદ અને નીચાણવાળા વિસ્તારોમાં તેઓ વસવાટ કરે છે તે ત્યાંના રહેવાસીઓની જવાબદારી છે કે કેમ ? તેવો પણ પ્રશ્ન ઉઠાવ્યો છે. ભારે વરસાદ પડે તો તંત્ર વાહકો પ્રિ-મોન્સુન કામગીરીમાં શું મોથ મારે છે તેવો પ્રશ્ન ઉઠવા પામ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં દર વર્ષે પાણી ભરાઈ રહ્યું છે તેમ છતાં પદાધિકારીઓ, જામ્યુકોના અધિકારીઓ શું કામગીરી કરે છે તે પ્રજાને હવે સારી રીતે સમજાઈ ગયંુ છે. વરસાદી પાણી ભરાવવાની કે અન્ય કોઈ આપત્તિ સામે લડવા માટેની તૈયારી તંત્રએ અગાઉથી જ કરવાની હોય છે ત્યારે પ્રિ-મોન્સુન કામગીરી માત્ર લાગતા વળગતાને  'કમાવી' દેવા માટે કરાતી હોવાનું વધુ એક વખત સાબિત થયું છે.

કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે નાગરિકોના પ્રશ્નો સાંભળ્યા પછી તંત્રવાહકો સાથે સમીક્ષા કરી હતી અને આ વિસ્તારમાં ભરાયેલા પાણીના નિકાલ માટે તરત જ કામગીરી કરવા અને પાણીના વહેણ પરના અવરોધ, કાદવ-કિચ્ચડ હટાવવા, જરૃરી દવાનો છંટકાવ કરવા સૂચના આપી હતી. તેમ છતાં ત્યાંના રહેવાસીઓનો રોષ ઓછો થયો ન હતો. કેબિનેટ મંત્રી, અન્ય ધારાસભ્ય, પદાધિકારીઓની જાત મુલાકાત પછી પણ બપોરે વધુ એક વખત ચક્કાજામ સર્જી દેવામાં આવ્યો હતો. ત્યારે દર ચોમાસે ઉપરોક્ત વિસ્તાર સહિતના જામનગરના નવાગામ ઘેડ, રામેશ્વરનગર, ગાંધીનગર સહિતના રહેવાસીઓ પણ આવી જ રીતે જો રોડ પર આવી તંત્રના 'કપડા' ઉતારશે તો જ તંત્રની અને કહેવાતા સેવકોની ઉંઘ ઉડશે તેમ લાગી રહ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh