Advertisement
Author: નોબત સમાચાર

હાલારમાં ઝાપટાથી અઢી ઈંચ વરસાદઃ લાલપુર પંથકમાં આકાશી વીજળી ત્રાટકતા બેના મૃત્યુ

કેટલાક ડેમ પુનઃ છલકાયાઃ ત્રણ પશુઓ મોતને ભેટ્યાઃ

જામનગર તા. ૧પઃ હાલારમાં છેલ્લા ર૪ કલાકમાં ઝાપટાથી અઢી ઈંચ વરસાદ થયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૧પ માંથી ૧૦ જળાશયો પુનઃ છલકાયા છે, તો જામનગરના રંગમતી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. આકાશી વીજળી ત્રાટકતા બે માનવ અને એક પશુના મૃત્યુ થયા છે તથા અન્ય પાંચ-છ વ્યક્તિ વીજળીથી દાઝી ગયા છે. ખંભાળિયાનો મોસમનો કુલ વરસાદ સદી તરફ પ્રયાણ કરી રહ્યો છે.

આસો માસમાં અષાઢી માહોલ જળવાયું છે. ગઈકાલે જામનગર જિલ્લાના લાલપુરમાં ૧૭ મી.મી. વરસાદ થયો હતો. લાલપુરમાં વાદળોની ગડગડાટી અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ થયો હતો.

લાલપુરના ગજણા ગામમાં ખેતી કામ કરી રહેલા પરબતભાઈ દાનાભાઈ સોલંકી (ઉ.વ. ૪પ) અને રવિ પૂનાભાઈ વાઘેલા નામના ૭ વર્ષના બાળક ઉપર આકાશી વીજળી ત્રાટકતા બન્નેના મૃત્યુ થયા હતાં.

આ ઉપરાંત લાલપુર તાલુકાના ગોલાણા ગામમાં પાંચ વ્યક્તિ વીજળીના કારણે દાઝી ગયા હતાં. ઉપરાંત તાલુકાના મોટા ખડબા ગામમાં તુલસીબેન નામની ૧૩ વર્ષની તરૂણી ઉપર પણ વીજળી ત્રાટકતા તેણી દાઝી ગઈ હતી તથા ગોલાણા ગામમાં વીજળીથી ભેંસનું મૃત્યુ થયું હતું. ખડબા અને કાનાલૂસમાં વીજળી પડતા બે બળદના મૃત્યુ થયા હતાં.

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારા વરસાદના વાવડ છે. જેમાં વસઈ, લાખાબાવળ, જામવણંથલી, મોટી ભલસાણ અને પીપરટોડામાં એક ઈંચ, નવાગામ, મોટા પાંચદેવડા, અને સમાણામાં દોઢ ઈંચ વરસાદ થયો છે તથા અનેક ગામડામાં ઝાપટાથી અડધા-પોણો ઈંચ વરસાદ નોંધાયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકામાં અડધો ઈંચ, ખંભાળિયામાં સવાબે ઈંચ, ભાણવડમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો.

આમ આસો માસમાં ભરચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે, અને ૧પ માંથી ૧૦ ડેમો પુનઃ છલકાયા છે. જેમાં ઘી, સિંહણ, વેરાડી-૧, વેરાડી-ર, વર્તુ-૧, મીણસાગર, સોનપતિ, કબરકા, સોઢા ભાડથરી ડેમનો સમાવેશ થાય છે. વર્તુ-ર ડેમના ચાર દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા છે.

ખંભાળિયામાં મોસમનો કુલ ૯૪ ઈંચ વરસાદ થયો છે, જ્યારે દ્વારકામાં ૮૮ ઈંચથી વધુ, કલ્યાણપુરમાં ૮૦ ઈંચ અને ભાણવડમાં ૬૬ ઈંચ મોસમનો કુલ વરસાદ થયો છે. આમ ખંભાળિયાનો કુલ વરસાદ સદી તરફ પ્રયાણ કરી રહ્યો છે. વર્ષ ર૦૧૦ માં ખંભાળિયામાં ૧૧૮ ઈંચ, વરસાદ થયો હતો.

ભાણવડથી અમારા પ્રતિનિધિનો સંદેશો જણાવે છે કે, સતત બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. હાલ મગફળી, કઠોળ, સોયાબીન, કપાસના પાકો તૈયાર છે, ત્યાં જ વરસાદ વેરી બન્યો છે. આથી તૈયાર પાકને વ્યાપક નુક્સાન થતા ખેડૂતોની હાલત કફોડી બની છે અને ખેડૂતોનો શ્વાસ અદ્ધરતાલ જેવો બન્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh