Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરમાં પીઆઈની મોટરની હડફેટે ચઢ્યા ત્રણ વ્યક્તિઃ બે ઘાયલના મૃત્યુઃ એક ગંભીર રીતે ઈજાગ્રસ્તઃ પીઆઈ સામે ગુન્હો

મૃત બળદને ટ્રેક્ટરમાં ચઢાવતી વખતે પીઆઈ મોટર લઈને પસાર થયાઃ ચકચાર

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: જામજોધપુર શહેરના ગાધેશ્વર રેલવે ફાટક પાસે ગઈકાલે રાત્રે સાડા આઠેક વાગ્યે એક મૃત્યુ પામેલા બળદના શવને ટ્રેકટરમાં ત્રણ વ્યક્તિ ચઢાવી રહ્યા હતા ત્યારે જામજોધપુરના પોલીસ ઈન્સ્પેક્ટર પોતાની મોટર પુરપાટ સ્પીડે ચલાવીને પસાર થયા હતા. તેઓની મોટરની ઠોકર ઉપરોક્ત ત્રણેય વ્યક્તિને લાગતા ગંભીર રીતે ઘવાયેલા બે વ્યક્તિના મૃત્યુ નિપજ્યા છે. એકની હાલત પણ નાજૂક છે. આ બાબતની ફરિયાદ કરવામાં આવતા જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ત્યાંના જ પીઆઈની વિરૂદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. બનાવની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓએ વિગત મેળવી છે અને લાલપુરના પીઆઈએ તપાસ શરૂ કરી છે.

આ ચકચારી અકસ્માતની વધુ વિગત મુજબ જામજોધપુર શહેરમાં ગાધેશ્વર રેલવે ફાટક પાસે ગઈકાલે રાત્રે સાડા આઠેક વાગ્યે રોડની સાઈડમાં એક ટ્રેક્ટર ઉભુ રાખી તેમાં મૃત્યુ પામેલા બળદને ચઢાવવાની કામગીરી કેટલાક લોકો દ્વારા કરવામાં આવી રહી હતી. ત્યારે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા નિલેશ બી. ચૌહાણ પોતાની જીજે-૧૧-સીએલ ૨૮૦૧ નંબરની હ્યુન્ડાઈ કંપનીની ક્રેટા મોટર લઈને પસાર થયા હતા.

આ વેળાએ પીઆઈ ચૌહાણે પુરપાટ ઝડપે પોતાની મોટર ચલાવી ત્યાં ટ્રેક્ટરમાં મૃત બળદને ચઢાવી રહેલા જામજોધપુર શહેરના ગાયત્રીનગરમાં રહેતા નંુધાભાઈ નાથાભાઈ ભોજાણી નામના ગઢવી પ્રૌઢ તેમજ રામદાસ મૈયારામ દેસાણી ઉર્ફે રમેશભાઈ સાધુ તથા રોનકભાઈ અશોકભાઈ ખાંટ નામના જામવાડી ગામના યુવાન સહિત ત્રણેયને હડફેટે લીધા હતા.

મોટરની ટક્કર વાગતા નુંધાભાઈ તથા રોનકભાઈ ગંભીર રીતે ઘવાયા હતા. જયારે રામદાસને પણ ઈજા થઈ હતી. ત્રણેય ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પછી નુંધાભાઈ તથા રોનકભાઈના મૃત્યુ નિપજ્યા છે. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા રામદાસને સારવાર આપવામાં આવી રહી છે.

ઉપરોક્ત અકસ્માતની જાણ થતાં બંને મૃતકના પરિવારજનો દોડી આવ્યા હતા. જેમાંથી મૃતક નુંધાભાઈના પુત્ર મહેશભાઈ ભોજાણીએ જામજોધપુર પોલીસ મથકમાં પીઆઈ નિલેશ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી છે. બીએનએસની કલમ ૧૦૬ (૧), ૨૮૧, ૧૨૫ (બી), એમવી એક્ટની કલમ ૧૭૭, ૧૮૪ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

અકસ્માત અંગે લાલપુર સ્થિત એએસપી કચેરીને જાણ કરવામાં આવતા પ્રતિભા (આઈપીએસ)ના વડપણ હેઠળ લાલપુરના પીઆઈ કે.એલ. ગળચરે તપાસ હાથ ધરી છે. પીઆઈની મોટરથી સર્જાયેલા અકસ્માતમાં અને ખાસ કરીને જ્યારે પીઆઈ પોતે જ ડ્રાઈવીંગ કરતા હતા તેવા સંજોગોમાં બે માનવ જિંદગી હોમાઈ જતા જામજોધપુર પંથકમાં ચકચાર પ્રસરી ગઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh