Advertisement
Author: નોબત સમાચાર

વધતા સાયબર ક્રાઈમના કેસ, છેતરપિંડી-દગાબાજીના વધતા બનાવો, જનતા જાગે... સરકારને ઢંઢોળે...

                                                                                                                                                                                                      

હમણાંથી છેતરપિંડીના કિસ્સા વધી રહ્યા છે. આમ તો મહાભારતકાળના શકુનિમામાના જુગારિયા દાવપેચથી લઈને પ્રવર્તમાનકાળના શકુનિઓ સુધીના ધૂર્ત ચાલબાજો ધોખેબાજી અને છેતરપિંડી સુધીના કારનામા કરતા જ રહે છે, પરંતુ હવે તો ઓનલાઈન ફ્રોડના કિસ્સાઓ વધી રહ્યા હોવાથી સાયબર ક્રાઈમ અંગેના સ્પેશ્યલ સેલ ઊભા કરવામાં આવી રહ્યા છે, વિશેષ તાલીમો અપાઈ રહી છે અને હવે તો કાનૂની તથા ન્યાયતંત્રના ક્ષેત્રે પણ સાયબર નિષ્ણાતોની એડવાઈઝ લેવી પડી રહી છે. સાયબર ક્રાઈમની એટલી બધી ફરિયાદો વધી રહી છે કે હવે ફાસ્ટ ટ્રેક અદાલતો, સીબીઆઈ કોર્ટ, એનઆઈએ કોર્ટ તથા ફેમિલી કોર્ટની જેમ અલાયદી સાયબર કોર્ટસ ઊભી કરવી પડે, અને તેમાં તાલીમબદ્ધ સાયબર નિષ્ણાત વકીલો તથા ન્યાયવિદેની વ્યવસ્થા કરવી પડે, તેવી સ્થિતિ ઝડપભેર ઊભી થઈ રહી હોય તેમ જણાય છે, કારણ કે જો એલઆઈસીના રિટાયર્ડ ઓફિસરને પાંચ મહિના સુધી કોર્ટ કાર્યવાહીના નામે ડિજિટલ એરેસ્ટ કરાયા હોય તો તે ઘણી જ ગંભીર ઘટના ગણાય.

ઠગબાજોને કોઈ શેહ-શરમ કે સીમા હોતી નથી, કે કોઈ ચોક્કસ ક્ષેત્ર હોતું નથી, કોઈ ચોક્કસ સિસ્ટમ કે રોડમેપ હોતો નથી. કોઈ ઠગે એલ્યુમિનિયમના ભંગારની આપેલી અડવાઈઝ જોઈને રસ દાખવતા આસામી સાથે આરટીજીએસથી રૂા. પોણા પચ્ચીસ લાખની ઠગાઈની ફરિયાદ થઈ હોય, ટપાલ કચેરીમાં રૂા. ૬૮ લાખની લેવડ-દેવડમાં ગરબડની રાવ હોય, ટ્રાન્સપોર્ટ કંપનીના કર્મચારી દ્વારા સવાત્રણ લાખની ઉચાપત અથવા છેતરપિંડી હોય, લાંબા અને કલ્યાણપુરમાં સોનાના ઘરેણાં ચમકતા કરી દેવાના નામે થયેલી છેતરપિંડી હોય, કે સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના જગતમંદિર પર ધ્વજારોહણના નામે એક લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી હોય, આ તમામ અલગ અલગ પ્રકારની હાલાર પંથકમાં થયેલી છેતરપિંડી (ઠગાઈ), ઉચાપત, ગેરરીતિ કે દગાબાજી જોતા એવું લાગે કે આ દુનિયામાં હવે કોઈનો યે ભરોસો કરવા જેવો નથી. ખાસ કરીને ઓનલાઈન વ્યવહારો તથા બેન્કીંગ વ્યવહારોમાં ઘણું જ સાવધ રહેવા જેવું છે, જ્યારે વર્ષોથી કામ કરતા કેટલાક કર્મચારીઓ ઉંદરની જેમ ફૂંકી ફૂંકીને કોતરી ખાતા તો નથી ને? તે અંગે પણ સતત સતર્ક રહેવા જેવું છે. તે ઉપરાંત જામનગર-અમદાવાદના બિલ્ડર સાથે થયેલો કહેવાતો વિશ્વાસઘાત પણ એક પ્રકારની છેતરપિંડી જ છે, જેમાં આત્મહત્યા માટે દુસ્પ્રેરણાની ફરિયાદ નોંધાવાઈ હોવાના અહેવાલો છે.

ગુજરાતમાં ઓપરેશન મ્યુલ હન્ટ-ર.૦ ચાલી રહ્યું છે, અને હેલ્પલાઈન તથા એનસીઆરટી દ્વારા વખતોવખત સાયબર ક્રાઈમના સંદર્ભે થઈ રહેલી કાર્યવાહીની વિગતો તથા આંકડાઓ પણ જાહેર કરવામાં આવ્યા હોય છે. જો એક વર્ષમાં રાજ્યમાં સાયબર ફ્રોડની એક લાખથી વધુ ફરિયાદો થતી હોય, રપ હજારથી વધુ ઓટીપી ફ્રોડ થતા હોય, ઓનલાઈન શોપિંગ ફ્રોડના ૧પ હજારથી વધુ કિસ્સા નોંધાતા હોય, રોકાણ અને શેરબજારને સંબંધિત સાત હજારથી વધુ સ્કેમ થયા હોય અને ર૧ હજાર જેટલા નકલી ઓળખના કિસ્સા બન્યા હોય, તો એવું કહી શકાય કે હવે ડિજિટલ અને ઓનલાઈન નાણાકીય વ્યવહારો નહીં, પરંતુ કોઈપણ પ્રકારના આર્થિક-બેન્કીંગ તથા માર્કેટીંગ-શોપિંગના વ્યવહારોમાં પણ ઘણું જ સતર્ક રહેવા જેવું છે. માત્ર સાયબર ફ્રોડ જ નહીં, ડિજિટલ એરેસ્ટ, બ્લેકમેઈલીંગ, ન્યૂડ વીડિયો કોલ સ્કેમ, એસ્કોર્ટ ફ્રોડ જેવા અપરાધિક બનાવો પણ વધી રહ્યા છે. અત્યારે મોબાઈલ એપ્સ તથા મોબાઈલ સેલફોનના માધ્યમથી થતા વ્યવહારોમાં પણ ઘણું જ સાવધ રહેવા જેવું છે.

એનસીઆરટી સહિતના કેટલાક એકમો-સરકારી વિભાગોના અધિકારીઓને ટાંકીને વિવિધ વિશ્લેષણો થતા રહે છે, તો વર્ષ ર૦રપ માં દેશમાં સાયબર ક્રાઈમના ર૮ લાખથી વધુ ગુન્હા નોંધાયા હોય, સાયબર છેતરપિંડીના કેસોમાં ભોગ બનનારાઓને રૂા. રર હજાર કરોડથી વધુ રકમનું નુક્સાન થયું હોય, અને વર્ષ ર૦ર૧ થી ર૦રપ દરમિયાન રૂા. પપ હજાર કરોડથી વધુની છેતરપિંડી થઈ ચૂકી હોય, તો એવું કહી શકાય કે સાયબર ક્રાઈમનો વ્યાપ એટલો વધી રહ્યો છે કે, કેન્દ્રિય ગૃહવિભાગમાં આ અંગે એક અલાયદે પેટા વિભાગ ખોલવો પડે તેમ છે. વર્ષ ર૦રપ માં થયેલા નાણાકીય નુક્સાનના ૭પ ટકાથી વધુ હિસ્સો શેરબજાર તથા નકલી ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડનો હોય તો એ નક્કી છે કે લોકો લોભ, લાલચ તથા સોર્ટકટથી વધુ નાણા મેળવવાની લ્હાયમાં વધુ પ્રમાણમાં છેતરાઈ રહ્યા છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે ડિજિટલ એરેસ્ટ અને ફરિયાદ કૌભાંડોની ટકાવારી ૧૬ ટકાથી વધુ છે. વીમાક્ષેત્રના કૌભાંડો તથા ટેલિકોમ કૌભાંડોની ટકાવારી પણ ૧૧ થી ૧પ ટકા વચ્ચે છે. વર્ષ ર૦રપ ના એક લાખથી વધુ સિનિયર સિટીઝનોએ સાયબર ફ્રોડમાં રૂા. ચાર હજાર કરોડથી વધુ રકમ ગુમાવી હોય, તો તે નાની સુની વાત નથી, બલ્કે ઘણી જ ગંભીર બાબત છે, જેને કોઈપણ સંજોગોમાં હળવાશથી લઈ શકાય તેમ નથી. જો મહિલાઓ સાથે સાયબર છેતરપિંડીના સાડાચાર લાખથી વધુ ગુન્હા દેશમાં નોંધાયા હોય અને કુલ સાડાત્રણ હજાર કરોડથી વધુ રકમની ઠગાઈ થઈ હોય, તો તે પણ ઘણી જ ગંભીર બાબત જ ગણાય.

જો કે, વર્ષ ર૦ર૬ ના પ્રથમ ૬ મહિના દરમિયાન સિટિઝન ફાયનાન્સિયલ સાયબર ફ્રોડ રિપોર્ટીંગ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ ૧૧ હજાર કરોડથી વધુ રકમના ઠગોના એકાઉન્ટ બ્લોક કરી દેવાયા હોવાનો દાવો કરાયો છે, અને લાખો સીમકાર્ડ બ્લોક કરવા જેવા કદમ ઊઠાવાયા હોય, તો પણ હજુ ઘણું કરવાનું બાકી છે અને અદ્યતન ટેકનોલોજીના ઈન્ટરનેટ યુગમાં સાયબર ક્રાઈમને અટકાવવા માટે માત્ર રૂા. ૭૮ર કરોડ કેન્દ્ર સરકારે બજેટમાં ફાળવ્યા હોય તો તે ઘણાં જ ઓછા/અપૂરતા જ ગણાય...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh