Advertisement
Author: નોબત સમાચાર

નવો પ્રસ્તાવ, ઉદૃેશ્ય સારો, પડકારો પણ ઘણાં... દબાણકારોનાં મુદ્દે કડક જોગવાઈ કરો...

                                                                                                                                                                                                      

ગુજરાત સરકાર લીગલ સેક્ટરમાં ધરખમ ફેરફારો કરવા જઈ રહી છે અને રેવન્યૂના હાલના ૧૬ કાયદાઓને નાબૂદ કરીને તેના સ્થાને માત્ર એક જ કાયદો લાવવાની તૈયારીમાં હોવાના અહેવાલો આજે ટોક ઓફ ધ સ્ટેટ બન્યા છે. રાજ્યમાં મહેસૂલી પ્રક્રિયા અત્યંત જટિલ છે અને તેના કારણે જ સંખ્યાબંધ વિવાદો ઊભા થાય છે અને કૌભાંડકારોને પણ આ કારણે છટકબારીઓ મળી જાય છે. આ કારણે  રાજ્ય સરકાર જમીન મહેસુલને સંબંધિત કાયદાઓમાં સુધારા-વધારા સાથે એકીકરણ કરીને માત્ર એક "ગુજરાત જમીન વહીવટ કાયદો" લાવવાની તૈયારીમાં હોવાના અહેવાલો પછી આ મુદ્દો ટોક ઓફ ધ સ્ટેટ બન્યો છે.

હકીકતે આ પ્રકારની વિચારણા હાલના વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, તે સમયથી જ શરૂ થઈ ગઈ હતી, પરંતુ વર્ષ ૨૦૧૨ પછી અધૂરી રહી ગઈ હતી, તેથી જ આ પ્રક્રિયા કદાચ ઉપરના નિર્દેશો હેઠળ પુનઃ શરૂ થઈ રહી હોવાની ચર્ચા છે. એવા અહેવાલો છે કે આ માટે રાજ્ય સરકારે એક ઉચ્ચસ્તરીય કમિટી નિમી હતી. જેના અહેવાલો (રિપોર્ટ) આવી ગયા પછી શ્રેણીબદ્ધ બેઠકો યોજાઈ રહી હોવાનું પણ કહેવાય છે.

આ નવા સૂચિત કાયદામાં લેન્ડ રેવન્યૂ કોડ-૧૮૭૯થી લઈને લેન્ડ ગ્રેબિંગ એકટ-૨૦૨૦ સુધીના તમામ કાયદાઓને સમાવીને ૧૬ કાયદાઓનું વિલીનીકરણ કરાશે. જેમાં ગુજરાત ટેનેન્સી એકટ-૧૯૪૮, સૌરાષ્ટ્ર ઘરખેડ વટહૂકમ-૧૯૪૯, મામલતદાર કોર્ટ એકટ-૧૯૦૬, સ્ટેમ્પ એકટ-૧૯૫૮ સહિતના વિવિધ સમયગાળામાં ઘડાયેલા અને અમલમાં મૂકાયેલા કાનૂનો તથા ઓર્ડિનન્સનો સમાવેશ થાય છે. તદુપરાંત ધ ગુજરાત એગ્રિકલ્ચરલ લેન્ડસ-એકટ-૧૯૬૧ અને ડિસ્ટર્બ્ડ એરિયાઝ એકટ-૧૯૯૧ ને પણ આ નવા કાયદામાં સમાવી લેવાશે, તેમ જણાય છે.

એવું કહેવાય છે કે ઉચ્ચસ્તરિય કમિટીને ગુજરાતના જમીન-મહેસુલના કાયદાઓ સંદર્ભે વિવિધ સમયે આપેલા ચૂકાદાઓનું અર્થઘટન, બિલ્ડર એસોસિએશન, વકીલ મંડળો, જમીન-મહેસુલ સાથે સંકળાયેલા હિતધારકો વગેરેની વખતોવખતની રજૂઆતો, સૂચનો તથા ફીડબેકને પણ ધ્યાને લેવાનું જણાવાયુ છે. આ ઉપરાંત વર્તમાન યુગને અનુરૂપ ડિજિટલ પ્રક્રિયાને પણ પ્રમાણભૂત કરાશે.

આ પ્રસ્તાવને ગુજરાત વિધાનસભામાં પસાર કરાવીને તેને રાજ્યપાલ મારફત રાષ્ટ્રપતિની મંજુરી માટે મોકલવામાં આવશે, તે પછી જ નવો કાયદો અમલી બનશે, જો કે, નવા કાયદાના અમલીકરણના ફાયદા અને ગેરફાયદાઓની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે, અને પ્રેસ-મીડિયા અને સોશ્યલ મીડિયાના માધ્યમથી વિવિધ પ્રત્યાઘાતો પણ સામે આવવા લાગ્યા છે. આ કાયદો અમલી બન્યા પછી પણ તેમાં સુધારા-વધારાને અવકાશ રહેશે, તેવા મંતવ્યો પણ વ્યક્ત થઈ રહ્યા છે.

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ નવો કાયદો અમલમાં મૂકાશે તો તે પછી જમીન સંબંધિત પ્રશ્નોના ઉકેલ માટે લોકોને ગાંધીનગર સુધી હડિયાપટ્ટી નહીં કરવી પડે અને સ્થાનિક કક્ષાએથી જ નિવારણ થઈ જતા નાગરિકોનો ખર્ચ, સમય અને શ્રમ બચશે, તો તંત્ર પરનુ ભારણ પણ હળવું થશે. વિવિધ કાયદાઓના સ્પષ્ટ અર્થઘટનો થવાની કાનૂની ગૂંચવણો ઘટી જશે અને જમીન-મિલકતના અધિકારો વિષે બહુ સ્પષ્ટતા અને માર્ગદર્શન ઉપલબ્ધ થશે. કાનૂની છટકબારીઓ બંધ થતાં જમીન માફિયાઓ પર અંકુશ આવશે. કેટલાક સંજોગોમાં પોતાની જ જમીનમાં કરેલા ગેરકાયદેસર બાંધકામોને નિયમિત કરવાની તક પણ મળશે.

તે ઉપરાંત પ્રક્રિયાત્મક પારદર્શકતા અને ઝડપમાં પણ વધારો થશે, અને જમીનના રેકર્ડસ તથા મ્યુટેશનની પ્રક્રિયા વેગીલી બનશે, જેથી જમીન સંબંધિત વર્ષો જૂના કેસો તથા અદાલતી કાર્યવાહીઓમાં તબક્કાવાર ઘટાડો થતા કાર્યબોજ ઘટશે, તેવી પણ સરકારને આશા છે.

આ ચર્ચા શરૂ જ થઈ છે, અને મુખ્ય રાજકીય પક્ષો તથા કાનૂનીક્ષેત્રના નિષ્ણાતો સૂચિત કાયદાનો તલસ્પર્શી અભ્યાસ કરીને પ્રતિભાવો આપશે, પરંતુ પ્રાથમિક પ્રત્યાઘાતો દરમ્યાન જ કેટલાક જાણકાર લોકો તથા લીગલ સેકટરના અભ્યાસુઓના પ્રારંભિક મંતવ્યો મુજબ ૧૬ કાયદાઓને વિલીન કરીને માત્ર એક કાયદો લાવવાનું આ કદમ એટલું બધું સરળ પણ નહીં હોય, આ કદમ ઉઠાવ્યા પછી તેના અમલીકરણ સામે ઘણાં બધા પડકારો ઊભા થઈ શકે છે, અને આ જટિલ પ્રક્રિયાના અમલીકરણમાં અણધાર્યા અવરોધો પણ આવી શકે છે. ખાસ કરીને ખેડૂતો, જમીન માલિકો, બિલ્ડર્સ લોબી, વકીલ મંડળો, બ્રોકર્સ અને અન્ય સંલગ્ન સંગઠનો દ્વારા જરૂરી સુધારા-વધારા તથા સૂચનો અને અભિપ્રાયો રજૂ થઈ શકે છે, અને એ કારણે વિધાનસભામાં પણ વિસ્તૃત ચર્ચા થઈ શકે છે.

જો કે, આ પ્રસ્તાવ હજૂ વિચારણા હેઠળ છે અને આખરી ઓપ અપાય જાય ત્યાં સુધી જો સરકાર અને તેના દ્વારા નિમાયેલી સમિતિ તમામ હિતધારકોના મંતવ્યો, પ્રશ્નો, સૂચનો, રજૂઆતો અને સંભવિત આશંકાઓને ધ્યાને લઈને તેનું સંપૂર્ણ સમાધાન કરીને તેને આખરી ઓપ આપશે, અને તેમાં વિરોધ પક્ષો તથા લિગલ સેકટરના નિષ્ણાતોને પણ વિશ્વાસમાં લેશે, તો એક જ કાયદો સર્વસ્વીકૃત પણ બની શકે છે, અને તે સમગ્ર દેશ માટે મોડેલ પણ બની શકે છે. આમ પણ જમીનના કાયદાઓની જટિલ પ્રક્રિયાઓથી ખરેખર મૂક્તિ મળતી હોય તો તેમાં ગુજરાત જેવા રાજયમાં સર્વ સંમતિ પણ સધાઈ શકે છે, બસ, સરકારે સૌને સાથે લઈને ચાલવું જોઈશે અને આદરપૂર્વક પહેલ કરવી પડશે.

જો નવો કાયદો બને તો તેમાં ગેરકાયદે બાંધકામો હટાવાયા પછી કે પછી ગેરકાનૂની કબજો ખાલી કરાવાયા પછી સરકારી, અર્ધસરકારી કે ખાનગી માલિકીની ખુલ્લી થયેલી જમીનો પર પુનઃ ગેરકાયદે બાંધકામો ખડકવામાં આવે કે ફરીથી ગેરકાનૂની કબજો જમાવવાનો પ્રયાસ થાય તો તેને ખૂબ જ ગંભીર ગૂન્હો ગણીને આ પ્રકારની હરકત કે પ્રયાસ કરનારને આકરો દંડ, જેલની સજા થાય અને તેની સંપત્તિ જપ્ત કરીને તેને બ્લેક લિસ્ટમાં મુકવામાં આવે અને કોઈપણ સરકારી યોજનાઓનો લાભ અને મંજુરીઓ ચોક્કસ સમયગાળામાં લઈ શકે નહીં, તેવા પ્રબંધો કરવાની પણ જરૂર જણાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh